સીએએ અન્વયે પાકિસ્તાન, અફઘાનિસ્તાન કે બાંગ્લાદેશના હિન્દુઓને ભારતની નાગરિકતા આપવામાં આવે તેમાં કોઈને વાંધો ન હોઈ શકે
પરંતુ
મુસ્લિમોને ધર્મના આધારે સીએએમાંથી બાકાત રાખવા ગેરબંધારણીય, ગૃહ મંત્રીએ કરેલ આક્ષેપોનો ગ્યાસુદ્દીન શેખનો સણસણતો જવાબ
ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના સહપ્રવક્તા અને અમદાવાદ શહેરના દરિયાપુર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખે માનનીય રાજ્યપાલશ્રીના આભાર પ્રસ્તાવ પરની ચર્ચામાં ભાગ લેતાં જણાવ્યું હતું કે, જ્યાં સુધી દુનિયા કાયમ રહેશે ત્યાં સુધી હિન્દુસ્તાનના ભાઈચારાને કોઈ ખતમ નહીં કરી શકે. કોઈ ગમે તેવી વાતો કરે પરંતુ હિન્દુસ્તાનમાં ભાઈચારો છે અને તે કાયમ રહેશે. માન. ગૃહ મંત્રીશ્રીએ ગઈકાલે ગૃહમાં કહયું હતું કે, આ વિધાનસભાના બે સભ્યો શાહીનબાગની મુલાકાતે ગયા હતા તેમના પર મને શરમ આવે છે. ગૃહ મંત્રીના નિવેદનનો ધારદાર ઉત્તર આપતાં શ્રી શેખે જણાવ્યું હતું કે, શાહીનબાગ જવાથી અમે શરમ નહીં પણ ગૌરવ અનુભવીએ છીએ. શાહીનબાગ પાકિસ્તાનમાં નહીં પરંતુ દિલ્હીમાં છે અને દિલ્હી જવા માટે પાસપોર્ટ લેવાની જરૂર નથી. હું કોઈના આમંત્રણ વિના બિરયાની ખાવા માટે પાકિસ્તાન નહોતો ગયો, હું ભારત દેશની રાજધાનીમાં ગયો હતો.
શ્રી શેખે જણાવ્યું હતું કે, માન. ગૃહ મંત્રીશ્રી ગૃહમાં અવારનવાર આલિયા, માલિયા, જમાલિયાની વાતો કરે છે. શ્રી શેખે તે અંગે જણાવ્યું હતું કે, આપ રાજ્યના ગૃહ મંત્રી છો, એક સજ્જન વ્યક્તિ છો, આટલા મોટા સંવિધાનિક પદ પર બેઠા છો ત્યારે કોઈની લાગણી દુભાવો, કોઈની લાગણીઓ સાથે ચેડા કરો તે શોભાસ્પદ નથી. આપ એવી વાતો કરો જેનાથી ગુજરાતનું સન્માન વધે, લોકોની ભાવનાઓને ઠેસ ન પહોંચે, લોકોમાં પ્રેમ વધે, લોકોમાં એકબીજા પ્રત્યે સન્માન વધે.
શ્રી શેખે જણાવ્યું હતું કે, ગઈકાલે ગૃહ મંત્રીશ્રીએ સરજીલ ઈમામની ઘટનાને શાહીનબાગની ઘટના સાથે જોડી વાત કરી હતી. પરંતુ સરજીલ ઈમામની ઘટના શાહીનબાગની નહીં પરંતુ અલીગઢની છે અને શાહીનબાગમાં એવી કોઈ ઘટના નથી ઘટી કે જેનાથી આપણને શરમ અનુભવાય. આપણે ‘બેટી બચાવો, બેટી પઢાવો’ની વાતો કરીએ છીએ. શાહીનબાગમાં હિન્દુસ્તાનની માતાઓ, દીકરીઓ અને બહેનો ભેગા થઈને અહિંસક ક્રાંતિકારી આંદોલન દ્વારા હિન્દુસ્તાનના સંવિધાનને બચાવવાની વાત કરી રહી છે. અમે જ્યારે શાહીનબાગમાં ગયા અને અદ્ભુત દૃશ્ય જોયું હતું કે, હિન્દુ, મુસ્લિમ, સીખ, ઈસાઈ દરેક ધર્મના લોકો બેઠા હતા. કોઈકના હાથમાં ગીતા હતી, કોઈકના હાથમાં કુરાન હતું અને તમામ લોકોના હાથમાં ત્રિરંગા હતા. હિન્દુ-મુસ્લિમ સમાજના લોકો ‘વંદે માતરમ્’, ‘ભારત માતા કી જય’ તથા ‘હિન્દુસ્તાન જીંદાબાદ’ અને ‘સંવિધાન જીંદાબાદ’ના નારા લગાવતા હતા. એક ભારતીય તરીકે મને તેનો ગર્વ છે.
ભાજપના જવાબદાર નેતાઓ, મંત્રીઓ દિલ્હીમાં ભડકાઉ ભાષણ આપે અને તે માટે હાઈકોર્ટે કહેવું પડે કે તેમની સામે એફ.આઈ.આર. દાખલ કરો. કપિલ મિશ્રા હોય કે વારિસ પઠાણ હોય, ભડકાઉ ભાષણ કરતા આવા વ્યક્તિઓ સામે તાત્કાલિક કડક પગલાં લેવા જોઈએ.
આજે દિલ્હીમાં 38 નિર્દોષ નાગરિકોના જીવ ગયા છે. જે બહેનો વિધવા થઈ છે, જે બાળકો અનાથ થયા છે તેમની આવનાર દિવસોમાં શું પરિસ્થિતિ થશે ? નિર્દોષ લોકોના જીવ ન જાય, બહેનો વિધવા ન થાય, બાળકો અનાથ ન થાય, લોકોની માલ-મિલ્કતને નુકસાન ન થાય તેની જવાબદારી દિલ્હીમાં ગૃહ મંત્રાલય સંભાળતી કેન્દ્રની ભાજપ સરકારની છે. દિલ્હીમાં મુસ્લિમોએ હિન્દુઓના મંદિરોની રક્ષા કરી તેવી જ રીતે હિન્દુ ભાઈઓએ મુસ્લિમોની મસ્જીદોની રક્ષા કરીને માનવતાવાદી ઉદાહરણ પૂરું પાડયું છે.
શ્રી શેખે જણાવ્યું હતું કે, પાકિસ્તાનમાં હિન્દુઓને પ્રતાડિત કરવાની ઘટના અવારનવાર મીડીયા મારફત સામે આવે છે ત્યારે હિન્દુઓ પાસે માત્ર બે જ વિકલ્પ છે એક નેપાળ અને બીજું હિન્દુસ્તાન. પાકિસ્તાન, અફઘાનિસ્તાન કે બાંગ્લાદેશના હિન્દુઓને ભારતની નાગરિકતા આપવામાં આવે તેમાં કોઈને વાંધો ન હોઈ શકે પરંતુ મુસ્લિમોને ધર્મના આધારે સીએએમાંથી બાકાત રાખવા ગેરબંધારણીય છે, જેથી સમગ્ર દેશમાં સીએએનો વિરોધ થઈ રહ્યો છે.
શ્રી શેખે જણાવ્યું હતું કે, આજે ભારત દેશ વિશ્વની મહાસત્તા બનવા તરફ પ્રયાણ કરી રહયો છે જ્યારે પાકિસ્તાન પતનના માર્ગે જઈ રહ્યું છે. નાપાક પાકિસ્તાન આતંકવાદી રાષ્ટ્ર છે. પાકિસ્તાનના નાપાક કૃત્યોની સજા હિન્દુસ્તાનમાં રહેતા લઘુમતી સમાજને પણ ભોગવવી પડે છે. પાકિસ્તાન જેવા આતંકવાદી દેશને સબક શીખવાડવો જોઈએ.
ગૃહ મંત્રીએ કરેલ આક્ષેપનો જવાબ આપતાં શ્રી શેખે જણાવ્યું હતું કે, શાહીનબાગમાં રાષ્ટ્રદ્રોહી વક્તવ્ય થયું હોય, દેશના માન. ગૃહમંત્રી કે માન. પ્રધાનમંત્રી વિરુદ્ધ કોઈ વાત થઈ હોય તો તેવા લોકો સામે રાષ્ટ્રદ્રોહનો ગુનો દાખલ કરી તેમની તાત્કાલિક ધરપકડ શું કામ કરવામાં નથી આવી ? વિચારધારા ભલે અલગ હોય, વિચારોમાં મતભેદ ભલે હોય, પરંતુ ગૃહમંત્રી અને પ્રધાનમંત્રી બંને સન્માનનીય પદ છે અને આ પદ પર બેસનાર બંને વ્યક્તિ ગુજરાતી છે ત્યારે એમની સામે જો કોઈ ભડકાઉ નિવેદન કરે તો એક ગુજરાતી અને જવાબદાર નાગરિક તરીકે મને તે સ્વીકાર્ય નથી.
શ્રી શેખે કહ્યું હતું કે, હું સમાજ હિતની વાતમાં ટીકા નહીં કરું, સારી બાબતને મારું સમર્થન છે. રાજ્યના મુખ્યમંત્રી તથા ગૃહમંત્રી દ્વારા ડીજીશ્રી શિવાનંદ ઝાને ખંભાત ખાતે રૂબરૂ મોકલી કોમી તોફાનો ડામવાનું કામ કર્યું છે. ખંભાતમાં તોફાનો અંગે જવાબદાર લોકો સામે કેસ દાખલ કર્યા, જેથી ત્યાં શાંતિ સ્થપાઈ. સીએએના સમર્થનમાં ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરે તેને મારું, સમાજ અને મારા પક્ષનું સમર્થન છે નહીં કે હિંસક આંદોલન કરનારને.
આપણે વિધાનસભાના માધ્યમથી આજે એક સંદેશો દિલ્હી અને ખંભાત મોકલવો જોઈએ અને શાંતિ માટે અપીલ કરવી જોઈએ. આ ઘટનાઓમાં ઘાયલ થનાર વ્યક્તિઓ અને જેમના જાનમાલને નુકસાન થયું છે તેવા વ્યક્તિઓને સાંત્વના પાઠવવી જોઈએ અને મૃત્યુ પામનાર વ્યક્તિઓને આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવી જોઈએ તેમ અંતમાં શ્રી શેખે જણાવ્યું હતું.
(ગ્યાસુદ્દીન શેખ)