કેન્દ્ર સરકાર દ્વારા અમદાવાદને હોટસ્પોટ જાહેર કરાયું, નવા 3 કોરોના, કોઈ મોત નહીં

રાજ્યમાં આજે ૦૩ નવા પોઝિટિવ કેસ નોંધાયા: કુલ ૭૩ કેસ પોઝિટિવ: પાંચ દર્દીઓ ને ડિસ્ચાર્જ અપાયું છે. 3 નવા પોઝિટિવ કેસ ઉમેરાયા છે એમાં એક અમદાવાદના ૫૫ વર્ષના પુરુષ, ગાંધીનગરના ૩૨ વર્ષના એક મહિલા અને એક ૨૮ વર્ષના રાજકોટના પુરુષનો કેસ છે.  જે તમામ લોકલ ટ્રાન્શમીશન ધરાવે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૧૩૯૬ સેમ્પલનું ટેસ્ટિંગ: ૧૩૨૨ નેગેટીવ, ૭૩ પોઝીટીવ અને ૧ પેન્ડિંગ છે.

કેન્દ્ર સરકાર દ્વારા અમદાવાદને હોટસ્પોટ જાહેર કરાયું છે. જેની સામે રાજ્ય સરકારે પ્રો-એક્ટિવ થઈને ભાવનગર, રાજકોટ, સુરત, વડોદરા અને ગાંધીનગરના ક્લસ્ટર માં જે કેસો નોંધાયા છે ત્યાં ક્લસ્ટર કન્ટેન્ટ પ્રોટોકોલ મુજબ સર્વેલન્સની કામગીરી વધુ સઘન બનાવી દીધી છે. આ વિસ્તારોમાં વસતા વૃદ્ધો-વયસ્કોનું પણ પરીક્ષણ કરી ખાસ કાળજી લેવાશે ઉપરાંત આ વયસ્કોને જે સામાન્ય રોગ છે તેની દવાઓ-સારવાર સમયસર લેવા પણ અનુરોધ કરાયો છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં ૧૩૯૬ સેમ્પલ નું ટેસ્ટિંગ કરાયું છે તે પૈકી ૧૩૨૨ નેગેટિવ, ૭૩ પોઝિટિવ અને એક પેન્ડિંગ કેસ છે.

અમદાવાદ જિલ્લામાં ૨૩, સુરતમાં ૦૯, રાજકોટમાં ૧૦, વડોદરામાં ૦૯, ગાંધીનગરમાં ૧૧, ભાવનગરમાં ૦૬, ગીર સોમનાથમાં ૨ અને કચ્છ,મહેસાણા અને પોરબંદરમાં જિલ્લા દીઠ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. જે ૭૩ કેસ પોઝીટીવ છે જેમાં ૬૦ દર્દી સ્ટેબલ છે, બે વેન્ટિલેટર પર તથા પાંચ દર્દીઓ પ્રોટોકોલ મુજબ ફરીથી ટેસ્ટ કરીને ટેસ્ટ નેગેટિવ આવતાં તેમને ડિસ્ચાર્જ પણ અપાયું છે.

અમદાવાદ,સુરત, વડોદરા, ભાવનગર, જામનગર તથા રાજકોટ ખાતેની મેડિકલ કોલેજોમાં અને અમદાવાદની ત્રણ ખાનગી લેબોરેટરી ન્યુ બર્ગ સુપ્રાટેક લેબોરેટરી, યુનિપથ લેબોરેટરી અને પાનજીનો મિક્સ લેબોરેટરી અમદાવાદને પણ ટેસ્ટિંગ ની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં એન-૯૫ માસ્ક ૯.૭૫ લાખ, પીપીઈ કીટ ૩.૫૮ લાખ અને ટ્રીપલ લેયર માસ્કનો ૧.૨૩ કરોડનો જથ્થો ઉપલબ્ધ છે.

કોવિદ-૧૯ અંગેની પ્રોફાઈલેકસીસ માટેની ટેબલેટ હાઈડ્રોકસી કલોરોકવિન દવાને શીડ્યુલ H1 ડ્રગ તરીકે જાહેર કરી છે જેથી આ દવા માત્ર ને માત્ર અધિકૃત ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન પર જ મળી શકે છે. એન-૯૫ માસ્ક, ટ્રીપલ લેયર માસ્ક આરોગ્ય કર્મીઓને પુરા પડાયા છે અને વધારાના દસ લાખ મંગાવાયા છે જે ૧૦૮ સાથે સંકળાયેલા આરોગ્ય કર્મીઓ, પોલીસ કર્મીઓ તથા અન્ન નાગરિક પુરવઠા વિભાગની દુકાનોના કર્મીઓને પણ પૂરા પાડવાનો નિર્ણય કરાયો છે.