ગાંધીનગર, 17 જૂન 2021
જ્યારે ચોમાસુ નિષ્ફળ જાય છે ત્યારે 52 ખેડૂતોને ખાતર, મહેનત, જમીનનું ભાડું, દવા, મજૂરી, ટ્રેક્ટરનું ભાડું મળીને કુલ આખા ગુજરાતમાં 2016માં 17 હજાર કરોડનું નુકસાન થતું હતું હવે તે 2021માં 20 હજાર કરોડ થાય છે. આમ વ્યક્તિ દીઠ 38થી 40 હજારનું ખર્ચ આવે છે. દુષ્કાળમાં સરકારને લગભગ એટલું જ ખર્ચ આવે છે. આમ જ્યારે દુષ્કાળ પડે છે ત્યારે ગુજરાતને એક ખેડૂતની પાછળ 80 હજાર ગુમાવવા પડે છે.
9 લાખ ખેડૂતો ટપક, ફુવારા પદ્ધતિથી ગુજરાતમાં 25 લાખ હેક્ટરમાં સિંચાઈ કરે છે. દર વર્ષે 2 લાખ હેક્ટર વિસ્તાર તેમાં ઉમેરાય છે. એટલો જ વિસ્તાર સિંચાઈના સાધનો ખરાબ થઈ જવાના કારણે હવે નિકળતો જાય છે.
દરેક નહેરમાંથી ખેતર સુધી પાઈપલાઈન નાંખવામાં આવે તો પાણીનો બગાડ થાય છે તે અટકાવીને હાલની બંધોની સિંચાઈ ક્ષમતામાં 22 ટકાના વધારો થઈ શકે તેમ છે. નર્મદાની 18 લાખ અને 200 બંધોની 12 લાખ હેક્ટર મળીને 30 લાખ હેક્ટર સિંચાઈ થતી હોવાનો સરકારનો દાવો છે. પણ ખરેખર 10 લાખ હેક્ટરમાં જ સિંચાઈ એક ઋતુમાં થાય છે. તેમાં સારો એવો વધારો થઈ શકે છે.
ગુજરાતની 96 લાખ હેક્ટર ખેતી લાયક જમીનમાં સિમેંટ પાઈપ યોજના બનાવવી જરૂરી છે. તો પાણીની 20થી 25 ટકા બચત થઈ શકે છે.
ટપક સિંચાઈ ગોઠવવામાં આવે તો હાલ 30 લાખ હેક્ટરનો વિસ્તાર સિંચાઈનો છે તે વધારીને 50 લાખ હેક્ટર કરી શકાય તેમ છે.
2010-2011માં ગુજરાતનું કૃષિ ઉત્પાદન 94 હજાર કરોડ હતું. ટપક સિંચાઈનો વધારો કરતાં તે એક જ વર્ષમાં 1.11 લાખ કરોડનું થઈ ગયું હોવાનો દાવો કૃષિ વિભાગે કર્યો હતો. જો ટપક સિંચાઈ નહેરો અને પાતાળ કુવામાં ફરજિયાત કરવામાં આવે તો ઉત્પાદન હાલ 2 લાખ કરોડનું સીધું બે ગણું કરી શકાય તેમ છે. 30 લાખ હેક્ટરની સિંચાઈ 60 લાખ સુધી લઈ જઈ શકાય તેમ છે.