લક્ષણો વિનાના તેમજ અતિ ગંભીર ન હોય તેવા કોરોના પોઝિટીવ કેસોની સારવાર આ ખાનગી હોસ્પિટલોમાં કરાશે, જેનો તમામ ખર્ચ રાજય સરકાર ભોગવશે
ગાંધીનગર, 5 મે 2020
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં કોરોના તેમજ અન્ય રોગ માટેના દર્દીઓ ખૂબ મોટી સંખ્યામાં આવતા હોઇ પરસ્પર સંક્રમણની સંભાવના ટાળવા નજીકની મોટી ખાનગી હોસ્પિટલ જેવી કે ગોએન્કા, આશ્કા, એસ.એમ.વી.એસ ને કોવિડ- ૧19 હોસ્પિટલ તરીકે તબદીલ કરવામાં આવી છે. જો ગાંધીનગર કલેક્ટર આવું કરી શકતાં હોય તો મુખ્ય પ્રધાન વિજય રૂપાણી રાજ્યવ્યાપી નીતિ કેમ જાહેર કરી શકતાં નથી કે ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેનારાનું ખર્ચ રાજ્ય સરકાર આપશે. મુખ્ય પ્રધાને લોકો પાસેથી રાહત ફંડમાં નાણાં એટલા માટે તો ભેગા કર્યા છે. તે વાપરવા જોઈએ એવો મત લોકોનો પ્રબળ બન્યો છે.
લક્ષણો વિનાના તેમજ અતિ ગંભીર ન હોય તેવા કોરોના પોઝિટીવ કેસોની સારવાર આ ખાનગી હોસ્પિટલોમાં કરાશે, જેનો તમામ ખર્ચ રાજય સરકાર ભોગવશે 5 મે 2020થી તબક્કાવાર આ સુવિધા શરૂ થશે, તેવું જિલ્લા કલેકટર ર્ડા. કુલદીપ આર્યએ જણાવ્યું છે.
ગાંધીનગરની ચારે બાજુ ૧૨ જગ્યાએ પોલિસની કોરોના ચેક – પોસ્ટ ઉભી કરવામાં આવી છે. અમદાવાદ તથા રાજયના અન્ય વિસ્તારમાંથી ગાંધીનગરમાં બિનજરૂરી થતાં પ્રવેશ ઉપર નિયંત્રણ લાવવા તમામ દિશાઓમાં મહત્વના પ્રવેશ સ્થળોએ મૂકવામાં આવેલી આ ચેક પોસ્ટમાં પોલિસ ઉપરાંત વન વિભાગના કર્મચારીઓ ફરજ બજાવે છે. કર્મચારીઓ માટે એર કૂલર સાથેનો તંબુ, ટોયલેટ, હેન્ડ સેનેટાઇઝર તથા માસ્ક છે.
કોરોના ટેસ્ટીંગની સંખ્યા વધારીને હાલ દરરોજ ૧૫૦ થી ૨૦૦ ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. સુપર સ્પ્રેડર્સ જેવા શાકભાજી, કરિયાણા, પોવિઝન સ્ટોર્સ તેમજ બેકરીમાં કામ કરતાં લોકોના ટેસ્ટીંગ ઉપર વિશેષ ધ્યાન અપાઇ રહ્યું છે. કોરોના પોઝિટીવ દર્દીઓ પૈકી જેમને કોઇ લક્ષણો જ ના હોય અને જેમના ધરે અલાયદા રૂમ અને બાથરૂમની વ્યવસ્થા હોય તેમને પોતાના ધરે જ રહેવાની છૂટ આપવામાં આવી છે.
ગાંધીનગર ખાતે કોરોના અંગેની ફરજ ઉપર અમદાવાદ તથા આજુબાજુના ગામોમાંથી જે આરોગ્ય તેમજ પોલીસ વિભાગના સ્ટાફ આવે છે તેમને રહેવા માટે ફોર્ચ્યુન લેન્ડમાર્ક, જર્મન પેલેસ, પથિકાશ્રમ વગેરેમાં સુવિધા ઉભી કરવામાં આવી છે.
ગાંધીનગર રહેતા અને અમદાવાદ ફરજ બજાવવા જતાં કર્મચારીઓની અલગ યાદી બનાવી તેમના પૈકી સંભવિત લોકોના ટેસ્ટીંગ હાથ ધરાશે.
ખાવાની વાનગીઓની હોમ ડિલીવરી કરતી ખાનગી કંપનીઓ ઉપર પ્રતિબંધ મૂકી ડિલીવરી બોયઝની અવર જવર બંધ કરાઇ છે.