રાજ્યના પોલીસ વડાશ્રી શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે
કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે રાજ્યભરમાં રેડઝોન સહિતના કન્ટેન્ટમેન્ટ વાળા વિસ્તારોમાં સંક્રમણ વધે નહીં અને અન્ય વિસ્તારોમાં પ્રસરે નહીં તે માટે શક્ય એટલા વધુ ફોર્સ કામે લાગી ગયો છે. પેરામિલિટરી ફોર્સની વધુ કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા ૬ બી.એસ.એફ અને ૧ સી.આઇ.એસ.એફ મળી કુલ ૭ વધારાની કંપનીઓ ફાળવી દેવાઇ છે. તે પૈકી ૫ કંપનીઓ અમદાવાદ ખાતે કાર્યરત કરાશે આ માટે કુલ ૮ પેરામિલિટરી ફોર્સની કંપનીઓ દ્વારા સુરક્ષાની અભેદ્ય કિલ્લા બંધી કરી દેવાઈ છે.
શહેરની પોલીસ ફોર્સ, એસ.આર.પી અને પેરામિલિટરી સહિત કુલ ૩૮ કંપનીઓ કામ કરતી થઈ છે. વડોદરા ખાતે બે કંપની અને સુરત ખાતે કુલ છ કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. પોલીસની નબળી કામગીરી હોવાના આરોપ મૂકવામાં આવી રહ્યો હોવાથી અર્ધલશ્કરી દળોને કામ સોંપવામાં આવ્યું છે.
તમામને માસ્કની સુવિધાઓ પૂરી પડાઇ છે અને દર બે કલાકે સાબુથી હાથ ધોવા અને સેનિટાઇઝરનો ઉપયોગ કરી રહ્યાં છે.
રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં જે પ્રતિબંધો છે તેનો નાગરિકો યોગ્ય પાલન કરે તે અત્યંત જરૂરી છે. ધાર્મિક સંસ્થા અને મેળાવડા નહીં થવા દેવામાં આવે. અમદાવાદ શહેરમાં ગુરુદ્વારામાં એકત્રિત થયેલ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે.
લોકડાઉન દરમિયાન શૈક્ષણિક સંસ્થાઓ, મનોરંજન સ્થળો, પાર્ટી પ્લોટ, મોલ વગેરે સ્થળો સદંતર બંધ રાખવા સૂચના આપવામાં આવી છે. સામાજિક, પારિવારિક અને ધાર્મિક મેળાવડાં નહીં ખવા દેવામાં આવે.
તબીબો તથા પેરામેડીકલ સ્ટાફ સહિત તબીબી સેવાઓ સાથે જોડાયેલા તમામને પોલીસ વિભાગ તરફથી જરૂરી સહયોગ પુરો પાડવામાં આવી રહ્યો છે.
ડ્રોનના સર્વેલન્સથી ૧૫૫ ગુના નોંધાયા છે. આ સર્વેલન્સથી આજદિન સુધીમાં ૧૧,૩૫૫ ગુના દાખલ કરીને ૨૧,૩૯૧ લોકોની ધરપકડ કરાઈ છે.
સ્માર્ટ સિટી અને વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ CCTV નેટવર્ક દ્વારા ૬૦ ગુના નોંધીને ૭૦ લોકોની ધરપકડ કરાઈ છે. અત્યાર સુધીમાં CCTVના માધ્યમથી ૨૬૨૯ ગુના નોંધીને ૩૭૪૫ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
સોસાયટીઓના ખાનગી CCTV કેમેરાના ફૂટેજના આધારે ગઈકાલે ૨૦ ગુનામાં ૧૩ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે આજદિન સુધીમાં ૫૬૭ ગુનામાં કુલ ૮૨૮ લોકોની અટકાયત કરવામાં આવી છે.
સોશિયલ મીડિયા પર ખોટા મેસેજ અને અફવાઓ ફેલાવા સંદર્ભે ગઈકાલથી આજ સુધીમાં ૧૧ ગુનાની સાથે અત્યાર સુધીમાં ૬૬૮ ગુના દાખલ કરીને ૧૩૮૮ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે સોશિયલ માધ્યમો પર અફવા ફેલાવતા વધુ ૧૭ એકાઉન્ટ્સ બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં આવા ૬૨૮ એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યા છે.
પોલીસ દ્વારા વિડિયોગ્રાફી મારફત ગઈકાલના ૧૩૨ ગુના સહિત અત્યાર સુધીમાં કુલ ૨૫૪૦ ગુના નોંધવામાં આવ્યા છે.
ઓટોમેટિક નંબર પ્લેટ રેકૉગ્નિશન (ANPR) દ્વારા ગઈકાલના ૪૨ સહિત આજદિન સુધીમાં કુલ ૧૧૧૩ ગુના દાખલ કરવામાં આવ્યા છે.
કેમેરા માઉન્ટ ખાસ ‘પ્રહરી’ વાહન મારફત ગઇકાલના ૫૬ ગુના દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે આજદિન સુધીમાં ૮૮૩ ગુના દાખલ કરવામાં આવ્યા છે.
જાહેરનામા ભંગના ૨૨૧૩ ગુના, ક્વૉરન્ટાઇન કરેલી વ્યક્તિઓ દ્વારા કાયદાભંગના ૭૮૨ ગુના તથા અન્ય ૫૭૧ ગુના મળી અત્યાર કુલ ૩૫૬૬ ગુનાઓ દાખલ કરી કુલ ૪૩૩૯ આરોપીની અટકાયત કરવામાં આવી છે. આ સાથે ૬૫૨૨ વાહન પણ જપ્ત કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ ૧,૩૪,૨૮૧ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા ગતરોજ ૮૦૩૫ અને અત્યાર સુધીમાં ૧,૮૭,૫૬૫ ડિટેઇન કરાયેલાં વાહનોને મુક્ત કરવામાં આવ્યા છે.