સરકારે ખેડૂતોની માંડ 8 ટકા જ મગફળી ખરીદી, બીજા બધા ખોટમાં

In Gujarat, the government bought only 8% of peanuts of farmers

ગાંધીનગર, 5 માર્ચ 2021

ગુજરાત સરકારે જાહેર કર્યું છે કે, ખેડૂતો પાસેથી બે વર્ષમાં 7 લાખ મેટ્રિક ટન મગફળી રૂપિયા 4 હજાર કરોડની ખરીદી છે. ખરેખર તો બે વર્ષમાં રૂપિયા 47845 કરોડની મગફળી સરકારી ભાવ પ્રમાણે અને બજાર ભાવ પ્રમાણે રૂપિયા 75 હજાર કરોડની મગફળી પાકી હતી. પણ સરકારે તો માંડ 8 ટકા જ મગફળી ખરીદી હતી. ખેડૂતોને ભાવનો મોટો ફટકો પડ્યો હતો.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજ્યમાં ખાદ્યતેલના વધતા જતા ભાવો સંદર્ભે જણાવ્યું હતું કે, ટેકાના ભાવ કરતા ખુલ્લા બજારમાં ખેડૂતોને વધુ ભાવો મળ્યા છે અને પરિણામે મગફળી વાવેતર કરતા ખેડૂતોને આર્થિક વધુ લાભ થયો છે.

અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાદડીયાએ જણાવ્યું હતુ કે, રાજ્ય સરકારે છેલ્લા બે વર્ષમાં 7 લાખ મેટ્રિક ટન મગફળી રૂા.1100ના ભાવે ખરીદી ખેડૂતોને રૂા.4 હજાર કરોડ ચૂકવવામાં આવ્યા છે.

સરકારે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ વર્ષમાં બે વખત બી.પી.એલ અને અંત્યોદય રેશનકાર્ડમાં કાર્ડ દીઠ 1 લીટર પ્રમાણે વિતરણ કરવામાં આવ્યુ છે. 2019માં 66.55 લાખ પાઉચ અપાયા હતા.

ખરેખર તો ખેડૂતો પાસેથી ખરીદેલી મગફળીનું તેલ ગરીબ પ્રજાને આપવાની જરૂર હતી એવું લોકો માની રહ્યાં છે.

રાજ્ય સરકારના કૃષિ વિભાગના 2020-21ના અંદાજો પ્રમાણે 20.65 લાખ હેક્ટરમાં મગફળીનું ઉત્પાદન 38.28 લાખ મેટ્રિક ટન થવાની ધારણા બાંધી હતી. હેક્ટરે 1853 કિલો સરેરાશ ઉત્પાદન થાય છે.

2019-20ના અંદાજો પ્રમાણે 16.85 લાખ હેક્ટરમાં 46.45 લાખ મેટ્રિક ટન મગફળી થઈ હતી. સરેરાશ 2751 કિલો એક હેક્ટરે પાકી હતી.

બે વર્ષમાં 83.73 લાખ મેટ્રિક ટન મગફળી પાકી હોવાનો અંદાજ સરકારનો છે. જેમાં બે વર્ષમાં સરકારે 7 લાખ મેટ્રિક ટન મગફળી ખરીદી હતી. મતલબ કે જે ઉત્પાદન થયું હતું તેના 8 ટકા મગફળી સરકારે ખરીદ કરી છે.

ટનના રૂપિયા 1100 પ્રમાણે ખરીદ કરી છે. ખરેખર તો ખેડૂતોને 1800 રૂપિયા ટનના મળે તો જ પોતાની મજૂર અને જમીનનું ભાડું અને 8 ટકા નફો નિકળી શકે છે. 1800 રૂપિયા ટેકાના ભાવ હોવા જોઈએ એવું ખેડૂતો માને છે.