લોકડાઉનમાં પાન-મસાલાની બચત રકમનો ઉપયોગ જરૂરિયાત મંદો માટે કર્યો

સુરેન્દ્રનગર,

કોરોના મહામારીના કારણે લોકડાઉનની પરિસ્થિતિમાં ગુજરાતમાં નાના-મોટા ધંધા – વ્યવસાય બંધ થયા હતા. જેના કારણે આ ધંધા- વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારોની સાથે દરરોજ પાન – મસાલા – ધુમ્રપાન કરતા લોકો માટે પણ મુશ્કેલી ઉભી થઈ હતી.

આવી વિકટ પરિસ્થિતિમાં ધુમ્રપાન કરતા લોકો મકકમ મનોબળ સાથે તેમના વ્યસનોને તિલાંજલી આપવા અને આફતને અવસરમાં બદલવા કાર્યશીલ બન્યા છે, જેના પરિણામે આજે અનેક લોકો વ્યસનોથી મુકત થયા છે. જયારે કેટલાક લોકો આ મહામારીના સમયમાં તેમના વ્યસનો બંધ થતા તેની બચત રકમમાંથી જરૂરીયાતમંદ લોકોને મદદરૂપ બની અન્યોને પ્રેરણા પુરી પાડી રહયા છે.

ઝાલાવાડમાં આવેલા નાનકડા ગામ એવા તાવીના યુવાનોએ આવું  જ પ્રેરણાદાયી કાર્ય કર્યું છે. લોકડાઉનની પરિસ્થિતિમાં પાન-મસાલાની દુકાનો બંધ થતા તાવીના આ યુવાનોનું પાન-મસાલા ખાવાનું પણ બંધ થયું, તેના કારણે તેમની પાસે બચત થયેલી રકમમાં ગામના અન્ય યુવાનોએ તેમની પોતાની રકમ ઉમેરીને રૂપિયા ૫૦ હજારથી વધુની રકમની રાશન કિટ બનાવી ગામના કન્ટેનમેન્ટ વિસ્તારમાં રહેલા જરૂરીયાતમંદ પરિવારોને પહોંચાડીને અન્યોને પ્રેરણા પુરી પાડી રહયા છે. ગામના કન્ટેનમેન્ટ વિસ્તારમાં રહેલા ૧૬ જેટલા પરિવારોને રાશન આપવાનો નિર્ણય કર્યો.

તાવીના આ યુવાનોએ પોતાના ગામના આ પરિવારોનું કોઈપણ વ્યકિત ભૂખ્યુ ન સૂવે એ માટે ભેગા મળી ૫ કિલો ઘઉંનો લોટ, ૧ કિલો બટેટા, ૧ કિલો ડુંગળી, દોઢ લીટર તેલ, ૫૦૦ ગ્રામ મરચું, ૨૫૦ ગ્રામ હળદર, ૨૫૦ ગ્રામ જીરુ, ૫૦૦ ગ્રામ ચા અને ૧ કિલો ખાંડની કિટ બનાવી પ્રત્યેક પરિવાર દિઠ ૧-૧ કિટ આપી તથા  સવાર-સાંજ દૂધની એક-એક કોથળી અને છાસ પણ તેઓ આપી રહ્યાં છે.