દિલ્હી, 22 SEP 2020
ભારતમાં કોરોનાના દર્દીઓ એક જ દિવસમાં સર્વાધિક સંખ્યામાં દર્દીઓ સાજા થયા હોવાનું નોંધાયું છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં 1 લાખ કરતાં વધારે (1,01,468) દર્દીઓ સાજા થયા હોવાનું નોંધાયું છે. ખૂબ જ મોટી સંખ્યામાં દર્દીઓ સાજા થવાનો ટ્રેન્ડ સતત ચોથા દિવસે પણ જળવાઇ રહ્યો છે.
આ સાથે, દેશમાં કુલ સાજા થયેલાની સંખ્યા લગભગ 45 લાખ (44,97,867) સુધી પહોંચી ગઇ છે. આના પરિણામે સાજા થવાનો દર વધીને 80.86% સુધી પહોંચી ગયો છે.
નવા સાજા થયેલા કેસમાંથી 79% દર્દીઓ દસ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો એટલે કે મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઉત્તરપ્રદેશ, તામિલનાડુ, ઓડિશા, દિલ્હી, કેરળ, પશ્ચિમ બંગાળ અને પંજાબમાં સાજા થયા હોવાનું નોંધાયું છે.
મહારાષ્ટ્ર નવા સાજા થયેલા દર્દીઓની 32,000 કરતાં વધારે સંખ્યા (31.5%) સાથે સૌથી અગ્રેસર છે. આંધ્રપ્રદેશમાં માત્ર એક જ દિવસમાં 10,000 કરતાં વધારે દર્દીઓ સાજા થયા છે.
મહત્તમ સંખ્યામાં દર્દીઓ સાજા થવાની સીમાચિહ્નરૂપ સિદ્ધિ સાથે ભારત વૈશ્વિક સ્તરે સૌથી વધુ સાજા થનાર દર્દીની સંખ્યા ધરાવતા ટોચના દેશોમાં આવી ગયું છે.
દેશમાં ખૂબ જ ઉંચા સ્તરે સાજા થનારા દર્દીઓની સંખ્યા કેન્દ્રના નેતૃત્ત્વ હેઠળ સક્રિય અને ક્રમબદ્ધ ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટ નીતિના અમલીકરણનું પ્રમાણ આપે છે. અસરકારક તબીબી વ્યવસ્થાપન અને કેન્દ્ર સરકાર દ્વારા ઇશ્યુ કરવામાં આવતા સારવારના પ્રોટોકોલ સમય-સમયે નવા તબીબી અને વૈજ્ઞાનિક પૂરાવાના ઉદ્ભવ સાથે અપડેટ કરવામાં આવે છે.
કેન્દ્ર સરકારે ‘સંશોધનાત્મક ઉપચારો’ જેમ કે રેમડેસીવીર, કોન્વેલેસેન્ટ પ્લાઝ્મા અને ટોસિલિઝુમેબના વ્યવહારુ ઉપયોગની પણ મંજૂરી આપી છે. પ્રોનિંગ, ઓક્સિજનના વધુ પ્રવાહનો ઉપયોગ, નોન-ઇન્વેઝિવ વેન્ટિલેશન અને સ્ટીરોઇડ્સ તેમજ એન્ટી-કોગલન્ટ્સના ઉપયોગ જેવા વિવિધ પગલાં અપનાવવાથી પણ કોવિડના દર્દીઓમાં સાજા થવાનો દર ઘણો વધ્યો છે. અન્ય પગલાંના કારણે હળવા/ સામાન્ય લક્ષણો ધરાવતા કેસના હોમ/ સુવિધામાં આઇસોલેશનમાં દેખરેખ, દર્દીઓને તાત્કાલિક લઇ જવા માટે અને સમયસર સારવાર આપવા માટે સુધારવામાં આવેલી એમ્બ્યુલન્સ સેવાઓ દ્વારા કોવિડના અસરકારક વ્યવસ્થાપનમાં વિશેષ મદદ મળી શકી છે.
નવી દિલ્હી સ્થિત એઇમ્સ સાથે સક્રિય સહયોગ દ્વારા આરોગ્ય મંત્રાલય ‘કોવિડ-19ના વ્યવસ્થાપન માટે રાષ્ટ્રીય ઇ-આઇસીયુ’ કવાયત કરી રહ્યું છે જેમાં કેન્દ્રના નિષ્ણાતો દ્વારા રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોની હોસ્પિટલોમાં ICUના ડૉક્ટરોને યોગ્ય સલાહસૂચન અને માર્ગદર્શન આપવામાં આવે છે. અઠવાડિયામાં બે વખત, ગુરુવારે અને શુક્રવારે યોજાતા આ ટેલિ કન્સલ્ટેશનના કારણે ભારતમાં દર્દીઓ સાજા થવાનો ઊંચો દર પ્રાપ્ત કરવાનો માર્ગ મોકળો કરી આપ્યો છે અને તેના કારણે મૃત્યુદરમાં પણ સતત ઘટાડો થઇ રહ્યો છે. આજદિન સુધીમાં આવા 20 રાષ્ટ્રીય ઇ-આઇસીયુ યોજવામાં આવ્યા છે જેમાં દેશના 28 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી 278 હોસ્પિટલોને આવરી લેવામાં આવી છે.
રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારો દ્વારા કરવામાં આવતા પ્રયાસોમાં સહકાર આપવા માટે કેન્દ્ર દ્વારા બહુ-શાખીય ટીમોની નિયુક્તિ કરવામાં આવે છે. નિયમિતધોરણે ઉચ્ચ સ્તરીય સમીક્ષા પણ કરવામાં આવે છે જેથી સમગ્ર દેશમાં હોસ્પિટલોમાં પૂરતા પ્રમાણમાં મેડિકલ ઓક્સિજન અને આરોગ્ય સુવિધાઓ સુનિશ્ચિત થઇ શકે. ભારતમાં પ્રાપ્ત થયેલા સાજા થવાના ઉંચા દરમાં અને મૃત્યુદર (CFR) સતત નીચલા સ્તરે જાળવી રાખવામાં તેણે મહત્વપૂર્ણ હસ્તક્ષેપની ભૂમિકા નિભાવી છે અને તેના કારણે હાલમાં મૃત્યુદર ઘટીને 1.59% સુધી પહોંચી ગયો છે.