નવી દિલ્હી, 25-03-2020
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે ભારત સરકારના રેલવે મંત્રાલય અને જર્મનીના ડીબી એન્જિનિયરિંગ એન્ડ કન્સલ્ટિંગ GMBH વચ્ચે રેલવે ક્ષેત્રમાં ટેકનોલોજીને લગતા સહયોગ માટે થયેલા સમજૂતી કરાર (MoU)ને મંજૂરી આપવામાં આવી હતી. આ MoU પર ફેબ્રુઆરી 2020માં હસ્તાક્ષર થયા હતા.
વિગતો:
રેલવે ક્ષેત્રમાં ટેકનોલોજીને લગતા સહયોગ માટે આ સમજૂતી કરાર (MoU)થી નીચે દર્શાવેલા ક્ષેત્રોમાં એકબીજાને સહયોગ મળી શકશે:
- નૂર પરિચાલન (સરહદપાર પરિવહન, ઓટોમોટિવ પરિવહન અને લોજિસ્ટિક્સ સહિત)
- મુસાફર પરિચાલન (હાઇ-સ્પીડ અને સરહદપાર ટ્રાફિક સહિત)
iii. ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ અને વ્યવસ્થાપન (સમર્પિત નૂર કોરિડોર અને મુસાફર સ્ટેશનોના વિકાસ સહિત)
- અદ્યતન, સ્પર્ધાત્મક રેલવે સંગઠનનો વિકાસ (સંગઠનાત્મક માળખામાં સુધારા અને રેલવેમાં સુધારા સહિત)
- રેલવે પરિચાલન, માર્કેટિંગ અને સેલ્સ માટે તેમજ વહીવટી હેતુઓ માટે IT ઉકેલો
- ભવિષ્ય સૂચક જાળવણી
- ખાનગી ટ્રેનોનું પરિચાલન અને
vii. અન્ય કોઇપણ ક્ષેત્ર જેના વિશે બંને પક્ષે પારસ્પરિક રીતે લેખિતમાં સંમતિ સાધવામાં આવી હોય.
પૃષ્ઠભૂમિ:
રેલવે મંત્રાલય દ્વારા રેલવે ક્ષેત્રમાં ટેકનિકલ સહયોગ માટે વિવિધ વિદેશી સરકારો અને રાષ્ટ્રીય રેલવે સાથે સહયોગના ક્ષેત્રો ઓળખવા સંદર્ભે સમજૂતી કરારો (MoU) / સહયોગ કરારો (MoC) / વહીવટી ગોઠવણ (AA) / સંયુક્ત ઇચ્છાનો એકરાર (JDI) કરવામાં આવ્યા છે જેમાં હાઇસ્પીડ રેલ, વર્તમાન રૂટ્સની સ્પીડમાં વૃદ્ધિ, વિશ્વકક્ષાના સ્ટેશનોનો વિકાસ, ભારે અંતરની કામગીરીઓ અને રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આધુનિકીકરણ વગેરે ક્ષેત્રોને પણ સમાવી લેવામાં આવ્યા છે.