કોરોના વોરિયર્સ સાથે અન્યાય, કપરા કાળમાં પગાર કાપ

અમદાવાદ,

મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત SVP હૉસ્પિટલમાં કોરોના વોરિયર્સના પગારમાં કાપ મૂકવામાં આવતાં હોબાળો મચી ગયો છે. કોવિડ 19ની સારવાર માટે ડોકટર્સ, નર્સ સહિત કોરોના યોદ્ધાઓ દિવસ-રાત જીવના જોખમે કામ કરી રહ્યાં છે ત્યારે આવા જ સમયે તેમના પગાર કાપના નિર્ણયથી વિવાદ ઉભો થયો છે.

SVP હોસ્પિટલના નર્સિંગ સ્ટાફના લોકો હડતાલ ઉપર ઉતારતા SVPના સત્તાધીશો દ્વારા મેસેજ કરીને જાણ કરાઈ કે અગાઉના નિર્ણયને પાછો ખેંચવામાં આવે છે, હવે કોઇનો પગાર કપાશે નહીં. SVP હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફની ભરતી કોન્ટ્રાક્ટ બેઝ પર થાય છે, ત્યારે કોન્ટ્રાક્ટ પર રાખતી કંપનીએ નર્સિંગ સ્ટાફના પગારમાં મોટો કાપ મૂકતા નર્સિંગ બહેનો અને સ્ટાફ રોષે ભરાયો હતો.

હોસ્પિટલમાં અનેક કિસ્સામાં નર્સિંગ બહેનોનો 35 હજાર પગાર હતો, પરંતુ કોરોના મહામારીમાં તેમને વળતર આપવાના બદલે 22 હજાર પગાર ચૂકવાતા રોષ ફાટી નીકળ્યો હતો.વળતર તો દૂરની વાત રહી, પરંતુ પોતાની મહેનતના પગારમાં પણ કોન્ટ્રાક્ટ કંપનીએ કાપ મૂકતા આજે નર્સિંગ સ્ટાફ ગ્રાઉન્ડ પર ઉતરી આવ્યો હતો અને સૂત્રોચ્ચાર કર્યો હતો

સ્ટાફ પણ કોરોના પોઝિટિવ

કોરોના વોરિયર્સનું કહેવું છે કે, અમે અહીં પોતાનું ઘર છોડીને કામ કરી રહ્યાં છીએ. અમારા પગારમા 10થી 15 હજાર રૂપિયાનો કાપ મુકવામાં આવ્યો છે. સ્ટાફના અનેક લોકો કોરોના પોઝિટિવ થઇ ગયા છે. અમે ઘરે પણ જઇ નથી શકતા અને બીજી તરફ અમને રહેવા માટે હોટલનાં રૂમ આપવામાં આવ્યાં હતાં. ત્યાંથી પણ અમને જવાનું કહેવામાં આવ્યું છે. તો અમારે હવે જવું ક્યાં.

અમે અમારા જીવના જોખમે અહીં કામ કર્યું છે તેના બદલામાં અમને કોઇ સુવિધા મળી નથી રહી. આમ કોરોના ફાઇટર્સે રોષ ઠાલવ્યો છે. પગાર કાપ વિશે જ્યારે નર્સિંગ સ્ટાફ સાથે વાત કરવામાં આવી ત્યારે તેમણે જણાવ્યું કે, અમારી સાથે ભેદભાવભર્યું વર્તન કરવામાં આવે છે. PPE કીટ અને માસ્કનો ખર્ચ થતો હોવાથી પગાર કાપ્યાનો ખુલાસો થઈ રહ્યો છે