ઈરાને ચાબહાર રેલ પરિયોજના થી ભારતને બહાર કરવાનો કે પછી ચીનની સાથે ડિલ થવા બાદ ભારત સાથે છેડો ફાડ્યો હોવાના તમામ અહેવાલોને અફવા અને કાવતરું ગણાવ્યું છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે ભારત સૌથી નિકટતમ સહયોગી પૈકીનું એક છે અને તે હંમેશા ચાબહાર પરિયોજનાનો હિસ્સો રહેશે. ઈરાને કહ્યું કે એક ભારતીય અખબારે ચાબહાર ડીલની શરતોને વાંચ્યા વગર અહેવાલ પ્રકાશિત કર્યો, જેનાથી આ અસમંજસની સ્થિતિ ઊભી થઈ. ચાબહાર રેલ પરિયોજનામાં ભારતની જે ભૂમિકા હતી, તે પહેલાની જેમ જ બરકરાર છે.
ઈરાનના પોર્ટ એન્ડ મેરિટાઇમ ઓર્ગેનાઇઝેશનના ફરહદ મોંતાજિરે કહ્યું કે, આ દાવો સમગ્રપણે ખોટો છે. તેઓએ જણાવ્યું કે, ચાબહારમાં રોકાણ માટે ઈરાને ભારતની સાથે માત્ર બે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે. એક પોર્ટની મશીનરી અને ઉપકરણો માટે અને બીજી ભારતના 150 મિલિયન ડાૅલરના રોકાણને લઈને છે. કુલ મળીને તેઓએ સ્પષ્ટ કર્યું છે કે ચાબહારમાં ઈરાન-ભારતના સહયોગ પર કોઈ પ્રકારના પ્રતિબંધ નથી લગાવવામાં આવ્યા. નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા એવા રિપોટર્સ સામે આવ્યા હતા કે ઈરાને ભારતને ચાબહાર રેલ પરિયોજનાથી બહાર કરી દીધું છે. માનવામાં આવી રહ્યું હતું કે આવું ઈરાન-ચીનની વચ્ચે થઈ રહેલી 400 અબજ ડાૅલરની ડીલની અસર છે.
ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહે ઈરાનના ટ્રાન્સપોર્ટ અને શહેરી વિકાસ મંત્રી મોહમ્મદ ઈસ્લામીએ 628 કિલોમીટર લાંબા રેલવે ટ્રેકને બનાવવાના કાર્યનું ઉદ્ઘાટન કર્યું હતું. આ રેલવે લાઇનને અફઘાનિસ્તાનથી જરાંજ સરહદ સુધી લંબાવવાની છે. અંગ્રેજી અખબાર ‘ધ હિન્દુ’ના રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે ઈરાને એવું કહેતા ભારતને આ ડીલથી બહાર કરી દીધું છે કે ભારત તેના માટે ફંડ પૂરું નથી પાડી રહ્યું. જોકે, ઈરાને તેનું ખંડન કરતાં કહ્યું છે કે ભારતને ચાબહાર રેલવે પ્રોજેક્ટથી બહાર કરવાનો સવાલ જ ઊભો થતો નથી, જોકે ભારતની ભૂમિકા આ ડીલમાં એ નથી જે આ રિપોર્ટમાં જણાવવામાં આવી હતી. ઈરાનના ટ્રાન્સપોર્ટ અને રેલવે વિભાગના ડેપ્યૂટી મિનિસ્ટર સઈદ રસૌલીએ આ અહેવાલોનું ખંડન કરતાં કહ્યું છે કે આ રિપોર્ટો પાછળ કોઈ કાવતરું છે. આ રેલ પ્રોજેક્ટ ચાબહાર પોર્ટથી જહેદાનની વચ્ચે બનાવવામાં આવશે.
પીએમ મોદીની હાજરીમાં થઈ હતી ચાબહાર સમજૂતીવર્ષ 2016માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈરાન યાત્રા દરમિયાન ચાબહાર સમજૂતી પર હસ્તાક્ષર થયા હતા. આ સમગ્ર પ્રોજેક્ટ પર લગભગ 1.6 અબજ ડાૅલરનું રોકાણ થવાનું હતું. આ પ્રોજેક્ટને પૂરો કરવા માટે રેલ ઉપકરણ બનાવનારી ભારતીય કંપની ઇરકાનના એન્જિનિયરો પણ ઈરાન ગયા હતા પરંતુ અમેરિકાના પ્રતિબંધોને કારણે ભારત આ રેલ પ્રોજેક્ટ પર કામ શરૂ નહોતું કરી શક્યું. અમેરિકાએ ચાબહાર પોર્ટ માટે છૂટ આપી છે પરંતુ ઉપકરણોના સપ્લાય મળવામાં ઘણી મુશ્કેલી આવી રહી છે. નોંધનીય છે કે, ચીન અને ઈરાનની વચ્ચે ટૂંક સમયમાં ૪૦૦ અજબ ડાૅલરની એક મોટી ડીલ થવા જઈ રહી છે જેમાં ઈરાનથી સસ્તા તેલને બદલે ચીન ત્યાં મૂળભૂત માળખામાં રોકાણ કરશે. તે હેઠળ ચીન ઈરાનની સેનાને પણ આધુનિક હથિયાર આપશે.