[:gj]રાજા માનસિંહ હત્યા કેસનો 35 વર્ષે ચુકાદો, 11 પોલીસ દોષિત જાહેર[:]

[:gj]રાજસ્થાનમાં ભરતપુર સ્ટેટના ત્યારના મહારાજા રાજા માન સિંહની 1985માં કરાયેલી હત્યામાં 11 પોલીસકર્મીને દોષિત ઠેરવવામાં આવ્યા છે. પશ્ચિમી ઉત્તરપ્રદેશની એક કોર્ટમાં આ કેસ બે દાયકાથી ચાલી રહ્યો હતો. આ કોર્ટમાં આવતીકાલે સજાની જાહેરાત થશે. આ કેસમાં 1,700 સુનાવણી થઇ છે અને 35 વર્ષનો સમય લાગ્યો છે.

21 ફેબ્રુઆરી, 1985ના રોજે આ હત્યા થઇ હતી અને આના કારણે રાજસ્થાનમાં રાજકીય આંધી સર્જાઇ હતી અને તેને પગલે ઘટનાના બે દિવસ બાદ જ કોંગ્રસના મુખ્યમંત્રી શિવ ચરણ માથુરને રાજીનામું આપી દેવું પડ્યું હતું. એક નિવેદનમાં રાજા માન સિંહના પ્રપૌત્ર દુષ્યંત સિંહે આ હત્યા અને તે પછીની ઘટના અંગે જાણ કરી હતી.

તેમણે કહ્યું હતું કે ‘1985માં રાજસ્થાનની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે દીગ વિધાનસભામાંથી અપક્ષ ઉમેદવારી કરી રહેલા રાજા માન સિંહ સામે એક નિવૃત્ત અધિકારી બ્રિજેન્દ્ર સિંહને ઊભા રાખ્યા હતા. એ વખતે કોંગ્રેસના કાર્યકરોએ ભરતપુરના ધ્વજનું અપમાન કર્યું હતું અને તેના કારણે રાજા માન સિંહ નારાજ થયા હતા. તેઓ એ વખતે તેમની જીપ ત્યારના મુખ્યમંત્રીની રેલી માટે તૈયાર સ્ટેજ સુધી દોરી ગયા હતા અને મુખ્યમંત્રીને લઇ જવા માટે ઊભેલા હેલિકોપ્ટરને નુકસાન પહોંચાડ્યું હતું.’

દુષ્યંત સિંહના નિવેદન મુજબ, એ પછીના દિવસે રાજા માન સિંહ અને તેમના બે સહયોગીઓ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં શરણાગતિ સ્વીકારવા જઇ રહ્યા હતા ત્યારે ડીએસપી કાન સિંહ ભાટીની આગેવાની હેઠળની પોલીસ ટીમે તેમની પર ફાયરિંગ કર્યું હતું. રાજા માન સિંહ અને તેમના સહયોગીઓનું ઘટનાસ્થળે મોત થયું હતું. કોર્ટે આજે જેમને દોષિત ઠેરવ્યા છે તેમાં કાન સિંહ ભાટી પણ છે.

આ કેસમાં સીબીઆઇની તપાસ પણ થઇ હતી. એ પછી આ કેસની સુનાવણી રાજસ્થાનમાં થઇ હતી. સુપ્રીમના ઇશારે તે મથુરામાં શિફ્ટ કરાયો હતો. ઉલ્લેખનીય છે કે હાલમાં મુખ્યમંત્રી અશોક ગહેલોતની સામે બળવા કરીને સચિન પાયલોટના પક્ષમાં રહેલા 18 બળવાખોર ધારાસભ્યોમાં રહેલા વિશ્વેન્દ્ર સિંહ રાજા માન સિંહના ભત્રીજા થાય છે.[:]