ઈરાનના સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોનાથી જીવ ગુમાવનાર લોકોની જે સંખ્યા જાહેર કરી છે, તે સાચી સંખ્યાના અડધાથી પણ ઓછી છે. રિપોર્ટ અનુસાર, સરકારના જ આંતરિક દસ્તાવેજોથી જાણ થાય છે કે 20 જુલાઈ સુધી ઈરાનમાં 42,000 લોકોના કોરોનાથી મોત થઈ ચૂક્યા હતા પરંતુ સ્વાસ્થ્ય મંત્રાલય માત્ર 14,405 મોતની વાત કહી રહ્યા હતા.
હાલ ઈરાનમાં સરકાર સંક્રમિત લોકોની સંખ્યા 3,09,437 જણાવી રહી છે અને મૃતકોની સત્તાકીય સંખ્યા માત્ર 17,190 જોવા મળી રહી છે પરંતુ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે 20 જુલાઈ સુધી જ સંક્રમિતની સાચી સંખ્યા 4,51,024 થઈ ચૂકી હતી. ઉલ્લેખનીય છે કે ઈરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ 18 જુલાઈએ ચોંકાવનારો દાવો કર્યો હતો. તેમણે પોતાની જ સરકારના આંકડાઓથી અલગ દાવો રજૂ કર્યો હતો. રૂહાનીએ કહ્યુ હતુ કે ઈરાનમાં 2.5 કરોડ લોકો કોરોનાથી સંક્રમિત થઈ શકે છે. રૂહાનીની ઓફિસ તરફથી કહેવામાં આવ્યુ હતુ કે આ આંકડો સ્વાસ્થ્ય મંત્રાલયના એક આકલનમાં સામે આવ્યો છે.
ચીનના વુહાન શહેરથી ઉદ્ભવેલા જીવલેણ કોરોના વાયરસે વિશ્વના અનેક દેશોને પોતાના ભરડામાં લીધા છે. માર્ચ મહિનામાં જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલે પણ કુલ વસ્તીના 70 ટકા લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ શકે છે તેવો ભય વ્યક્ત કર્યો હતો. જ્હાન હોપકિન્સ યુનિવર્સિટીએ પ્રગટ કરેલા લેટેસ્ટ આંકડા મુજબ દુનિયાભરમાં કોરોનાગ્રસ્ત થયેલા લોકોનો આંકડો એક કરોડ પંચોતેર લાખથી વધુ થઇ ગયો હતો. કોરોનાથી થયેલા મૃત્યુનો આંકડો છ લાખ અઠ્યોતેર હજાર પર પહોંચ્યો હતો. કોરોનાની રામબાણ કે અકસીર કહેવાય એવી કોઇ સચોટ રસી યા સારવાર હજુ વૈજ્ઞાનિકો શોધી શક્યા નહોતા.
યુનિવર્સિટીના સેન્ટર ફોર સિસ્ટમ સાયન્સ એન્ડ એંજિનિયરીંગ (CSSE) એ પોતાના લેટેસ્ટ અપડેટમાં આ વિગતો જણાવી હતી. આજે શનિવાર પહેલી ઑગષ્ટે સવાર સુધીમાં કોરોનાગ્રસ્ત થયેલા લોકોનો આંકડો 1,75,16,264 અને કોરોનાથી થયેલા મૃત્યુનો આંકડો 6,78,226 પર પહોંચ્યો હતો.