જયલક્ષ્મી સખી મંડળ દ્વારા બનાવાતા સેનેટરી પેડ આરોગ્ય વિભાગ ખરીદી કરી દાહોદ જિલ્લાની યુવતીઓ-મહિલાઓને નિ:શુલ્ક આપે છે
મહિલા આરોગ્યની દિશામાં થઇ રહેલું આ ભગીરથ કાર્ય સ્વસહાય જુથની ૨૪ મહિલાઓ માટે આર્થિક સ્વનિર્ભરતાનું માધ્યમ બન્યું
દાહોદ જિલ્લાની મહિલાઓને તેમના સ્ત્રીધર્મ સમયે સ્વાસ્થ્યની સંભાળ માટે આરોગ્ય વિભાગ દ્વારા નિઃશુલ્ક આપવામાં આવતા સેનેટરી પેડનું ઉત્પાદન લીમખેડા તાલુકાના દેગાવાડા ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના આર્થિક સહયોગની બનાવવામાં આવેલા જયલક્ષ્મી સખી મંડળ દ્વારા કરવામાં આવી રહ્યું છે. માસિક ધર્મમાં સંકોચ અનુભવતી અને તે સમયે નકામા વસ્ત્રોના ઉપયોગ કરતી ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ અને યુવતીઓને કપડાની આદત છોડાવી તેના સ્થાને સેનેટરી પેડ આપવાની પહેલમાં દેગાવાડાની આ ૨૪ સખીઓ મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી રહી છે.
મહિલાઓએ માસિકધર્મ સમયે વિશેષ કાળજીની જરૂરીયાત રહે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના એક અહેવાલ મુજબ ભારતમાં ગ્રામ્ય વિસ્તારની ૪૧ ટકા મહિલાઓ જ સેનેટરી નેપકીનનો ઉપયોગ કરે છે. પરીણામે ગ્રામ્ય મહિલાઓમાં ચેપ લાગવાની, બિમાર પડવાની મોટી શક્યતાઓ રહેલી છે.
દેગાવાડા ગામની મહિલાઓ દ્વારા બનાવવામાં આવતા સેનેટરી નેપકિન આરોગ્ય વિભાગ દ્વારા ખરીદી લઇ જિલ્લાની વિવિધ શાળાઓ, આંગણવાડી, આરોગ્ય કેન્દ્ર ખાતે નિ:શુલ્ક આપીને મહિલાઓને સેનેટરી નેપકિનના ઉપયોગ બાબતે જાગૃતિનું મહત્વપૂર્ણ કાર્ય કરવામાં આવે છે.
જયલક્ષ્મી સ્વસહાય જુથ વર્ષ ૨૦૧૫માં શરૂ કરવામાં આવ્યું હતું. બે પાળીમાં કામ કરીને રોજના અંદાજે ૧૦૦૦ સેનેટરી પેડનું ઉત્પાદન કરે છે. સેનેટરી પેડના એક પેકેટમાં ૬ નંગ આવે છે, જેની કિંમત ૧૮ રૂ. થાય છે. દરેક મહિલા ઓછામાં ઓછા ૫ હજાર તો મહિને કમાય છે.
જયલક્ષ્મી સ્વસહાય જુથના ધર્મિષ્ઠાબેન પટેલ છે. યુવતીઓ-મહિલાઓને વર્ષે અંદાજે ૩ લાખ જેટલા સેનેટરી નેપકિન નિ:શુલ્ક આપવામાં આવે છે.