અમદાવાદ, 6 ફેબ્રુઆરી 2020
જાણીતા પત્રકાર હરી દેસાઈએ વિજય રૂપાણીની સરકારનું કૌભાડ FACEBOOK પર પુરાવા સાથે જાહેર કર્યું છે. ગુજરાત સરકારની સ્વાયત્ત સંશોધન સંસ્થા “મહાત્મા ગાંધી લેબર ઈન્સ્ટિટ્યૂટ”માં વર્ષ ૨૦૧૫ના અંતમાં અધ્યાપકોની ભરતીમાં વર્તમાન મુખ્યમંત્રી અને એ વેળાના શ્રમ મંત્રી શ્રી વિજય રૂપાણીને અંધારામાં રાખીને આચરવામાં આવેલી ગેરરીતિ હવે દસ્તાવેજો સાથે પ્રકાશમાં આવી હોવા છતાં એના પર ઢાંકપિછોડો કરવાની કોશિશ થઇ રહી છે. રૂપાણી શ્રમમંત્રી હતા ત્યારે એમને ગેરમાર્ગે દોરીને સંબંધિત ગેરકાનૂની નિમણૂકો અંગે ફાઈલ પર સહી લેવામાં આવી હોવાનું જાણવા મળે છે. સમગ્ર પ્રકરણ ગુજરાત માહિતી આયોગ સમક્ષ છે અને ગુજરાત હાઇકોર્ટમાં પણ લઇ જવાની તૈયારી ચાલી રહી છે.
(૧) સંબંધિત વિષય માટે અરજી કરવા માટે યુજીસીનાં ધારાધોરણો મુજબ લાયકાત નહીં ધરાવતી વ્યક્તિઓને ઇન્ટર્વ્યૂ માટે બોલાવ્યા પછી અને તેઓ સર્વાનુમતે નાપસંદ કરાયા છતાં તેમને નિમણૂક અપાયા પછી ગેરકાયદે કાયમી કરી દેવાનું કૌભાંડ આચરવામાં આવ્યાનું સ્પષ્ટ થયું છે.
(૨) અધ્યાપકોની નિમણૂક માટે અપાયેલી જાહેરખબરમાં અનુસ્નાતક અભ્યાસક્રમ એમએસડબલ્યૂ સહિતના અભ્યાસક્રમો માટે અધ્યાપકો લેવાના હોવાનું અને યુજીસીનાં ધારાધોરણ લાગુ પડે તથા પસંદગી સમિતિમાં યુનિવર્સિટીના કુલપતિના નોમિની હોવા અનિવાર્ય હોવા છતાં એ વિના પસંદગી સમિતિ દ્વારા જે વ્યક્તિ પસંદ કરાઈ હતી એને જાણ કર્યા વિના આ સંસ્થામાં હજુ કાર્યરત ૮૦ વર્ષ વટાવી ગયેલા નિવૃત્ત પ્રાધ્યાપક ડૉ.બી.બી.પટેલે પસંદગી સમિતિના માર્કિંગ સાથે ચેડાં કરીને અન્ય નહીં પસંદ કરાયેલા અધ્યાપકો પસંદ થયાનું દર્શાવવાની કોશિશ કરી હોવાનું આરટીઆઇમાં ઉપલબ્ધ દસ્તાવેજોમાં સ્પષ્ટ થયું છે.
(૩ ) છેલ્લાં ૯ વર્ષથી આ સંસ્થામાં એમએસડબલ્યૂ સહિતના યુજીસીના અભ્યાસક્રમો ચલાવવામાં આવી રહ્યા હોવા છતાં એને હજુ યુનિવર્સિટીનું કાયમી જોડાણ મળ્યું નથી. કારણ એમાં નિયુક્ત અધ્યાપકોની નિમણૂક પસંદગી સમિતિએ મંજૂર કરેલી નથી તથા સિલેક્શન કમિટીના અહેવાલ વિના યુનિવર્સિટી એ અધ્યાપકોને માન્યતા આપી શકતી નથી. નવાઈ તો એ વાતની છે કે યુનિવર્સિટીને પણ અંધારામાં રાખીને આ સરકારી સંસ્થાના વહીવટી અધિકારી પી.પી.પટેલે એમની સંસ્થાના અધ્યાપકોએ યુનિવર્સિટીની માન્યતા લેવાનો પ્રશ્ન ઊભો થતો નહીં હોવાનું યુનિવર્સિટીને જણાવી દીધું છે.
(૪) એમજીએલઆઈમાં ચાલતી આ ગંભીર પ્રકારની ગેરરીતિ અને વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડાં થતાં હોવાને ધ્યાને લઈને યુનિવર્સિટીના કુલપતિ ડૉ.હિમાંશુ પંડ્યાએ આર્ટ્સ ફેકલ્ટીના એ વેળાના ડીન અને અર્થશાસ્ત્ર વિભાગ તથા એમએસડબ્લ્યૂ વિભાગના પ્રભારી ડૉ.પી.પી. પ્રજાપતિની અધ્યક્ષતામાં તપાસ સમિતિ નિયુક્ત કરી હતી. આ સમિતિએ સ્પષ્ટ અહેવાલ આપ્યો છે કે આ સરકારી સંસ્થામાં ગેરરીતિઓ જોતાં અને એમાં માન્યતા પ્રાપ્ત અધ્યાપકો નહીં હોવાથી એને યુનિવર્સિટી કોઈ અભ્યાસક્રમ ચલાવવા આપે નહીં અને વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડાં થાય એવા અભાસક્રમો માટે એ નવી મંજૂરી માંગે તો એ પણ આપી શકાય નહીં. આ અહેવાલ એકેડેમિક કાઉન્સિલમાં પણ મૂકાયો હતો એટલે એમાં ચાલતા એમએસડબલ્યૂ અભ્યાસક્રમ માટે યુનિવર્સિટીએ હજુ એલઆઈસી મોકલી નથી.