જ્યોતિરાદિત્ય સિંધિયા 8 મહિના પહેલા બોલ્યા, ‘ભાજપ પાછલા માધ્યમથી સત્તા મેળવવા માંગે છે’
લગભગ આઠ મહિના પહેલાં, જ્યારે કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકાર રાજકીય સંકટમાંથી પસાર થઈ રહી હતી, ત્યારે જ્યોતિરાદિત્ય સિંધિયાએ ભાજપ પર લોકશાહીની હત્યા કરવાનો ઇરાદો હોવાનો આરોપ લગાવ્યો હતો. સિંધિયાએ કહ્યું હતું કે “ભાજપનો હેતુ લોકશાહીને મારવાનો છે અને જ્યારે તેઓ સીધી ચૂંટણીમાં જીત મેળવી શકતા નથી, ત્યારે તેઓ પાછલા દરવાજેથી સત્તા મેળવવાનો પ્રયાસ કરે છે.”
જોકે હવે ખુદ સિંધિયા પણ મધ્ય પ્રદેશની કોંગ્રેસ સરકારને પછાડવાના આરોપોનો સામનો કરી રહ્યા છે. સિંધિયાએ મંગળવારે કોંગ્રેસ છોડી દીધી હતી. આ સાથે કોંગ્રેસના 22 ધારાસભ્યોએ પણ રાજીનામું સ્પીકરને સુપરત કર્યા છે. જેના કારણે કમલનાથ સરકાર સત્તામાંથી બહાર જવાની સંભાવના છે.
મધ્યપ્રદેશના કોંગ્રેસના ધારાસભ્યો જયપુર જવા રવાના થયા છે. હાલમાં કોંગ્રેસના ધારાસભ્યો બસમાં સવાર થઈને ભોપાલ એરપોર્ટ જવા રવાના થયા છે. જ્યાંથી તે જયપુર જવા રવાના થશે. જ્યાં કોંગ્રેસની સરકાર છે. તે જ સમયે, રાજ્યમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે, દિગ્વિજયસિંહ સીએમ કમલનાથને મળવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા છે.
જ્યોતિરાદિત્ય સિંધિયા આજે બપોરે 12:30 વાગ્યે સત્તાવાર રીતે ભાજપમાં જોડાશે. સિંધિયા ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાની હાજરીમાં પાર્ટીમાં જોડાશે. સિંધિયાએ 13 માર્ચે રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવી હોવાના અહેવાલ છે. તે જ સમયે, જ્યારે મીડિયાએ સિંધિયાને લગતા પ્રશ્નો પૂછ્યા, ત્યારે રાહુલ ગાંધીએ તેમના ઉપર મૌન ધારણ કર્યું.
મધ્યપ્રદેશની 230 સભ્યોની વિધાનસભાની બે બેઠકો હાલમાં ખાલી છે. આવી સ્થિતિમાં, 228 સભ્યોની વિધાનસભામાં કોંગ્રેસને સામાન્ય બહુમતી છે. જો 22 ધારાસભ્યોના રાજીનામા સ્વીકારવામાં આવે તો વિધાનસભાના સભ્યોની અસરકારક સંખ્યા માત્ર 206 હશે. તે કિસ્સામાં, બહુમતી માટેનો જાદુઈ આંકડો ફક્ત 104 હશે.
કોંગ્રેસ પાસે માત્ર 92 ધારાસભ્યો હશે, જ્યારે ભાજપ પાસે 107 ધારાસભ્યો છે. કોંગ્રેસને ચાર અપક્ષ, બે બસપા અને સપાના એક ધારાસભ્યનો ટેકો છે. તેમનો ટેકો હોવા છતાં, કોંગ્રેસ બહુમતીના આંકડાથી દૂર રહેશે.
જ્યોતિરાદિત્યના દાદી ઈચ્છતા હતા કે તેમનો આખો પરિવાર ભાજપમાં જ રહે. જીવાજી રાવ સિંધિયા અને વિજ્યા રાજે સિંધિયાના પાંચ સંતાનમાંથી માધવરાવ અને તેમના પુત્ર જ્યોતિરાદિત્ય સિવાય તમામ ભાજપમાં જ રહ્યાં. જો કે હવે જો જ્યોતિરાદિત્ય કેસરિયા ધારણ કરે તો તેમના દાદીનું સપનું સાકાર થશે. ત્યારે જાણીએ સિધિયા પરિવારનો રાજકીય ઈતિહાસ.
જ્યોતિરાદિત્ય
વિજયારાજેના કારણે જ તેમના ક્ષેત્રમાં જનસંઘને મજબૂતી મળી
જ્યોતિરાદિત્યના દાદી અને ગ્વાલિયરના રાજમાતા વિજ્યારાજે સિંધિયાએ પોતાના રાજકારણની શરૂઆત કોંગ્રેસમાંથી જ કરી હતી. વર્ષ 1957માં તે ગુનાની બેઠક પરથી લોકસભા ચૂંટણી લડ્યા અને સંસદ પહોંચ્યા. 10 વર્ષ સુધી કોંગ્રેસમાં રહ્યાં બાદ 1967માં તેઓ જનસંઘમાં ચાલ્યા ગયા. વિજયારાજેના કારણે જ તેમના ક્ષેત્રમાં જનસંઘને મજબૂતી મળી. વર્ષ 1971માં જ્યારે દેશભરમાં ઈન્દિરા ગાંધીનો જુવાળ હતો ત્યારે પણ આ ક્ષેત્રમાંથી જનસંઘ ત્રણ સીટ જીતવામાં સફળ રહ્યું. જેમાં વિજયારાજે સિંધિયા ભિંડથી, અટલબિહારી વાજપેયી ગ્વાલિયરથી અને જ્યોતિરાદિત્ય સિંધિયાના પિતા માધવરાવ સિંધિયા ગુનાથી સાંસદ બન્યાં.
જનસંઘ અને પોતાની માતા વિજયારાજેનો સાથ છોડ્યો
જ્યોતિરાદિત્યના પિતા માધવરાવ સિંધિયા માત્ર 26 વર્ષના જ હતા અને સાંસદ બની ગયા હતા. તેઓ પણ જનસંઘમાં જ હતા પરંતુ 1977માં આવેલી કટોકટી પછી તેઓએ જનસંઘ અને પોતાની માતા વિજયારાજેનો સાથ છોડ્યો. 1980માં માધવરાવ સિંધિયા કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી લડ્યા અને કેન્દ્રીય મંત્રી પણ બન્યાં. જો કે 2001માં એક વિમાન દૂર્ઘટનામાં તેમનું મોત નિપજ્યું હતું.
જ્યોતિરાદિત્ય
વસુંધરા રાજે સિંધિયા અને યશોધરા રાજે સિંધિયાની રાજકારણમાં એન્ટ્રી
વિજયારાજે સિંધિયાની બે પુત્રી વસુંધરા રાજે સિંધિયા અને યશોધરા રાજે સિંધિયાએ રાજકારણમાં એન્ટ્રી કરી. વર્ષ 1984માં વસુંધરા રાજે ભાજપના રાષ્ટ્રીય કાર્યકારિણીમાં સામેલ થયા. તેઓ રાજસ્થાનના મુખ્યમંત્રી પણ રહી ચુક્યા છે. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિયાના પુત્ર દુષ્યંત પણ ભાજપમાં જ છે, તેઓ રાજસ્થાનની ઝાલાવાડ સીટ પરથી સાંસદ છે.
યશોધરા રાજે, શિવરાજસિંહ ચૌહાણની સરકારમાં મંત્રી પણ રહી ચુક્યા
વસુંધરા રાજેના બહેન યશોધર વર્ષ 1977માં અમેરિકા જતા રહ્યાં હતા. 1994માં જ્યારે યશોધરા ભારત પરત ફર્યા તો તેઓએ તેમના માતાની ઈચ્છા મુજબ ભાજપ જોઈન કર્યુ અને વર્ષ 1998માં ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડ્યા. પાંચ વખત ધારાસભ્ય રહી ચુકેલા યશોધરા રાજે, શિવરાજસિંહ ચૌહાણની સરકારમાં મંત્રી પણ રહી ચુક્યા છે.
જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસમાં પિતાની જગ્યા લીધી
2001માં માધવરાવ સિંધિયાના નિધન બાદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસમાં પિતાની જગ્યા લીધી. વર્ષ 2002માં જ્યારે ગુના સીટ પર પેટાચૂંટણી થઈ ત્યારે જ્યોતિરાદિત્ય સિંધિયા સાંસદ બન્યાં. પહેલી જીત પછી વર્ષ 2019 સુધી જ્યોતિરાદિત્ય સિંધિયા ક્યારેય ચૂંટણી નથી હાર્યા પરંતુ 2019ની લોકસભા ચૂંટણીમાં એક સમયે તેમના સહયોગી રહેલા કૃષ્ણપાલ સિંહ યાદવે તેમને હરાવી દીધા.
જ્યોતિરાદિત્ય ભલે હારી ગયા પરંતુ પ્રદેશમાં તેમનો પ્રભાવ મજબૂત
વર્ષ 2019ની લોકસભા ચૂંટણી જ્યોતિરાદિત્ય ભલે હારી ગયા પરંતુ પ્રદેશમાં તેમનો પ્રભાવ મજબૂત છે. અને એટલે જ મધ્યપ્રદેશમાં કોંગ્રેસના 23 ધારાસભ્યો તેમની સાથે છે અને તેમાંથી 6 મધ્યપ્રદેશમાં મંત્રી પણ બન્યાં અને હવે તેઓ કોંગ્રેસ સરકારને ભીંસમાં લઈ રહ્યાં છે.