અમદાવાદ, 21 જુન 2020
અમદાવાદની સિવિલની ડેડીકેટેડ 1200 બેડની હોસ્પિટલમાં સમય પહેલા થયેલી પ્રસૂતિના કારણે ઘણી બધી જટિલ સમસ્યાઓ સાથે જન્મેલી બાળકીએ 25 દિવસ સુધી વિવિધ મુશ્કેલીઓ વચ્ચે ઝઝૂમીને આખરે કોરોનાને મ્હાત આપી છે.
કંકુબેનને ત્યાં જોડીયા બાળકનો જન્મ થયો હતો. જોડીયા બાળકમાંથી એક બાળકીનો કોરોના રિપોર્ટ જન્મના 6ઠ્ઠા દિવસે પોઝિટિવ આવેલો હતો. પ્રસૂતિ વખતે બાળકીનું વજન ફક્ત 1.4 કિ.ગ્રા હોવાના કારણે બાળકીને શ્વસન તંત્રમાં તકલીફ પડી રહી હતી. જેથી તેને વેન્ટીલેટર પર રાખવામાં આવી હતી. સારવાર ચાલી રહી હતી ત્યારે બાળકીને આંતરડામાં ચેપ લાગ્યો હતો. રક્તસ્ત્રાવની નવી સમસ્યા ઉભી થઇ હતી. જે કારણોસર તેને અતિ મોંઘા એન્ટીબાયોટીક્સ આપી રક્તસ્ત્રાવ ઓછું કરવા FFPની સારવાર આપવામાં આવી હતી.
બાદમાં, બાળકીના શરીરમાં શર્કરાની પણ ખામી ઊભી થઇ હતી. તબીબોને સોનોગ્રાફીમાં જણાયું કે બાળકીને કિડનીની તકલીફ છે.
સિવિલ હોસ્પિટલના પિડિયાટ્રીક વિભાગની ટીમ દ્વારા આ કેસને એક પડકાર સમજીને સારવાર શરૂ કરી હતી. તે માટેનો ટ્રીટમેન્ટ પ્લાન બનાવ્યો હતો. ડો.જોલી વૈષ્ણવ અને ડો. ચારૂલ મહેતાની ટીમ દ્વારા 25 દિવસ સુધી મહેનત બાળકીના જીવ બચાવવા માટે કામ કર્યું હતું. તેથી બળકીનું સ્વસ્થ જીવન પ્રાપ્ત થઈ શક્યું.
બાળકીના માતા કંકુબેન કહે છે
બાળકીના માતા કંકુબેન કહે છે કે, મારી બાળકી જીવી શકશે તે આશા જ મેં છોડી ચૂકી હતી. પરંતુ સિવિલ હોસ્પિટલના તબીબોએ મારી બાળકીને નવજીવન બક્ષ્યું છે. વિવિધ પ્રકારની ગંભીર બિમારી-તકલીફો વચ્ચે મારી બાળકી 25 દિવસ ઝઝૂમતી રહી. પરંતુ તબીબોએ એકક્ષણ માટે પણ હાર ન માની. સિવિલ હોસ્પિટલની હું હરહંમેશ ઋણી રહીશ.