કરૂણાના નામે કરૂણા સાગર રૂપાણીએ પશુ સેવાનું ખાનગી કરણ તો કરી દીધું, હવે આ કારણસર પશુ તબીબો વિરોધ કરે છે

કરૂણાના નામે કરૂણા સાગર રૂપાણીએ પશુ સેવાનું ખાનગી કરણ તો કરી દીધું, હવે આ કારણસર પશુ તબીબો વિરોધ કરે છે

ગાંધીનગર, 29 મે 2020

ગુજરાતમાં પશુઓની સારવાર કરવા માટે હવે ખાનગીકરણ થઈ ગયું છે. જેનો વિરોધ પશુ તબીબો કરી રહ્યાં છે. ગુજરાતમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતાં 450 પશુ તબીબો કહે છે કે 108 એમ્બ્યુલંસની જેમ હવે સરકારે પશુઓને સારવાર આપવા માટે ખાનગી કોન્ટ્રાક્ટ આપી દીધો છે. આખા રાજ્યમાં તે થઈ રહ્યું છે. ઓક્ટોબર-2017થી રાજયમાં 1962-કરૂણા એનિમલ એમ્બ્યુલન્સનો મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મુંગાપ્રાણીઓને સારવારના બહાને, કરૂણાના રૂપકડા નામે અમલ કરાવી દીધો હતો.

હાલ ગુજરાત રાજ્યમાં પશુ આરોગ્ય માટે ૩૩ જિલ્લામાં વેટરનરી પોલિક્લિનીક, પશુ દવાખાના, મોબાઇલ પશુ દવાખાના અને પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રો દ્વારા પશુ આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવે છે. હવે  ‘108’ સેવાની જેમ જ GVK-EMRI મારફતે જનભાગીદારીથી રાજ્યના પશુ-પક્ષીઓને અકસ્માત-ઇમરજન્સીમાં સારવાર આપવામાં આવી રહી છે. જેનો વિરોધ ગુજરાતમાં ચારેકોર થઈ રહ્યો છે.

ઓક્ટોબર-2018ના રોજ આ ‘1962’ને એક વર્ષ પૂર્ણ થયું હતું, સમગ્ર વર્ષ દરમિયાન રાજ્યભરમાંથી કરૂણા એનિમલ એમ્બ્યુલન્સે 37,672 ઇમરજન્સી કોલ આવ્યા હતા. જેમાં 31, ઓક્ટોબર,2018 સુધીમાં 37 કરૂણા એમ્બ્યુલન્સ દ્વારા 25,564 કોલ પર સેવા મળી હતી. બાકીના 12 હજાર લોકોને સેવા મળી શકી ન હતી.

સપ્ટેમ્બર 2018 પ્રમાણે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પ્રસિદ્ધ થયેલ પશુચિકિત્સા અધિકારી વર્ગ-૨ની 43 ટકા જેટલી જગ્યાઓ ખાલી હોઇ 10 વર્ષ બાદ જુલાઇ માસમાં 280 બેઠકો ભરવાની રૂપાણી સરકારે જાહેર કરી હતી. 15 ઓગસ્ટે માત્ર 40 તબીબોની ભરતી કરાશે તેવું પ્રસિદ્ધ થતાં વિદ્યાર્થીઓએ સરકારની આ નીતિનો વિરોધ કરી આણંદ જિલ્લા કલેક્ટરે આવેદનપત્ર  આપ્યું હતું.

ગુજરાત રાજ્યમાં પશુ ચિકિત્સા અધિકારીની 43 ટકા 1151 તબીબોની જગ્યાઓ ખાલી છે. દર 5000  પશુએ એક પશુ દવાખાનું હોવું જોઇએ. જેની સામે ગુજરાતમાં 27 હજાર પશુએ એક પશુ દવાખાનું છે.

(B.V.Sc. A.H.)ની ડિગ્રી ધરાવતા 5 હજાર પશુચિકિત્સકને નિરાશા સાંપડી છે. ગુજરાત કૃષિ અને પશુપાલન આધારિત રાજ્ય હોવા છતાં પશુ ચિકિત્સા અધિકારીની ભરતીમાં 85 ટકા નોકરીનો  કાપ ભાજપની રૂપાણી સરકારે મૂકેલો છે, જે પશુપાલન માટે આઘાતજનક છે એમ તબીબો માને છે.

જ્યાં સૌથી મોટી દૂધની ડેરી આવેલી છે તે આણંદ જિલ્લામાં 7.50 લાખ પશુધન છે. જેમાં 20 પશુદવાખાનાઓમાં માત્ર 12 જ તબીબો છે.

આપાતકાલીન સ્થિતિ માટે ગુજરાતમાં ભાજપની મૂડીવાદી સરકારે 108ની સેવા 29, ઓગષ્ટ, 2007 ના રોજ શરૂ કરવામાં આવી હતી.  જેના 10 વર્ષ બાદ પશુપંખીઓને સારવારના બહાને “કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-1962”  શરૂ કરીને દૂધ આપતા પ્રાણીઓમાં પણ તેને પાછલા બારણેથી લાગુ કરી દેવામાં આવી હતી. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા જિલ્લા અને મહાપાલિકા તથા મહેસાણા, પાલનપુર, ભાવનગર એમ કુલ 11 કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-1962 સેવા 2017થી ઉપલબ્ધ બનાવી હતી.

વધુ માહિતી માટે રાજીવભાઈ સોલંકી અને રશ્મિન પટેલ 9099637986નો સંપર્ક કરી શકાય છે.