દક્ષિણ ગુજરાતના કાશી તરીકે ઓળખાતા નર્મદા તિર્થ ચાણોદ કરનાળી ક્ષેત્રનો ગૌરવ પૂર્ણ ઇતિહાસ
દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત ની ભૂમિ નો પશ્ચિમ દિશા ના ભાગથી દક્ષિણ કાંઠા સુધી અરબી સાગરકાંઠો છે.ઉતરે રાજસ્થાન,કચ્છ અને બનાસકાંઠા જે ઉત્તર ગુજરાત ની ભૂમિ છે બીજી તરફ પડોશી દેશ પાકિસ્તાન સાથે જોડાયેલ છે,પૂર્વ થી દક્ષિણ સુધી માં અરવલ્લી,વિધ્યચલ,સાતપૂડા ની હારમાળાઓ રાજ્યના સીમાડાઓ સુધી વિસ્તરેલ છે,તો બીજી તરફ ગુજરાત ની ભવ્યતા,લોક સંસ્કૃતિ અને વૈભવ ની વિવિધતા જોવાં માણવા જેવી છે,તો આજે જાણીએ વડોદરા જિલ્લાના દર્ભાવતી નગરી ડભોઇ થી દક્ષિણ માં અંદાજે ૨૦ કિલોમીટર ના અંતરે આવેલ પૌરાણિક અને ઐતિહાસિક મંદિરોનું નગર નર્મદા તિર્થ પવિત્ર ભૂમિ તરીકે ઓળખવામાં આવતાં ચાંણોદ અને કરનાળી ક્ષેત્ર વિશે.નર્મદા નદીના તટ પર આવેલ ચાણોદ એ નર્મદાના પરિક્રમા ના પાવન તિર્થ સ્થળો માંથી એક છે,જ્યાં શુકદેવજી,અનસૂયા માતા,વ્યાસદેવ,શેષનારાયણ,સંગમ ઓવારો,કુંભેર ભંડારી કરનાળી જેવા સ્થળો જોવા જેવા છે.જે હવેના સમયમાં ફરવાના સ્થળ તરીકે ખ્યાતિ પામેલું એક પવિત્ર યાત્રાધામ તરીકે વિકાસ પામ્યું છે.ચાણોદ તીર્થક્ષેત્ર પિતૃશ્રાદ્ધ માટે જાણીતું છે.જ્યાં દેશવિદેશમાંથી અને દેશના ખૂણે ખૂણે થી દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ પોતાના પિતૃઓના શ્રાદ્ધ માટે અહી આવીને ધાર્મિકવિધી કરાવે છે.અંહી ઓરસંગ નદી અને નર્મદા નદીનો સંગમ થતો હોવાને કારણે આ ગામ સંગમતીર્થ તરીકે તેમજ પિતૃ શ્રાદ્ધ માટે ખૂબ જ ધાર્મિક મહત્વ ધરાવે છે.ધાર્મિક પુરાણો અનુસાર આ જગ્યા પર અસ્થઓ વિસર્જન કરવાથી અને પિતૃ શ્રાદ્ધ માટે ની પૂજા વિધિ બ્રહ્માણો દ્વારા કરાવવાથી પિતૃઓને મોક્ષ પ્રાપ્ત થાય છે અને તેમને મુક્તિ મળે છે.તો અહીંયા અંદાજે જેટલા ૮૩ ગામો નું આ વિસ્તારનું સૌથી મોટું સ્મશાન આવેલું છે.જેથી ચિતાઓ સળગતી નજરે પડે છે.તેની આજુબાજુ નૌકાઓ(હોડી) અને માનવીઓ ની અવર-જવર થતી રહે.આ સ્થળ પહેલાં ચડીપુર નામે ઓળખવામાં આવતું હતું,જે સમય જતાં ચાણોદ કે ચાંદોદ થયું કહેવાય છે,સ્થાનિક રહેવાસીઓ ના મુખે સાંભળવા મળે છે કે અહીંયા પ્રાચીન સમયમાં ચામુંડા માતાજીએ ચંડનો વધ કર્યો તે પરથી તે જગ્યા ચાણોદ તથા મુંડનો વધ કર્યો તે જગ્યા માલસર તરીકે જાણીતી થઈ કહેવાય છે,ત્યારે દરમાસ ની પૂનમે કે બીજા પવિત્ર તેહવારો ના સમયે આ તીર્થ માં ગૌરવ સમા મલ્લ્હારાવ ઘાટ ના ભવ્ય કિનારા પર હજારો યાત્રિકો ને સ્નાન કરતા કે કર્મકાંડ કરાવતા નિહાળવા એ પણ એક અનેરો લહાવો બની રહે છે,મલ્લ્હારાવ ના ભવ્ય કિનારા થી રેવા(નર્મદા) ના દક્ષિણ અને ઉત્તર તટો ની સફરે જતા યાત્રિકો ની અવરજવર આ સ્થળ ની મહત્તા ને વિશેષ ગૌરવાન્વિત કરે છે,તો બીજી તરફ આ ગામના લાકડાંની કોતરણી વાળા મકાનોની બાંધણી જોતાં એવું લાગે પાછળના સમયે કેટલું સુંદર નગર હશે એક સમયે.આજ સમયે આગળના ભાગે દુકાનો ઉતારેલી જોવા મળે છે,તો એક તરફ અનેક ધાર્મિક મંદિરો આવેલ છે જેમાં કપિલેશ્વર મહાદેવ જે નર્મદા તટ પાસે સ્નાન ઘાટ અને કરનાળી જવાના માર્ગે કપિલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે,આ પૌરાણિક મંદિરનો અનેકવાર જીણોદ્ધાર થયો છે,પ્રાચીન સમયમાં કશ્યપઋષિના પુત્ર કપિલજીએ આ ક્ષેત્ર સર્વ સિદ્ધિ દેનારું જણાતાં તેમણે સૂકાં પાંદડાં ખાઈને અહીં તપ કર્યું હતું અને તેમણે અહીં કપિલેશ્વર મહાદેવની સ્થાપના કરી હતી,અહીંયા થી થોડાં અંતરે ભગવાન વિષ્ણુ નું મંદિર આવેલ છે જે ત્રિકમજી ની હવેલી તરીકે ઓળખવામાં આવે છે, જ્યાં ભગવાન વિષ્ણુ વામન રૂપે બિરાજમાન છે,સાથે મંદીર ની ઓસરીમાં અનેક તપસ્વીઓના ફોટોગ્રાફ મુકવામાં આવ્યા છે જેમણે તપ ધ્યાન અને પૂજા અર્ચના કરીને સિદ્ધિ પ્રાપ્ત કરી હતી.તો બીજી તરફ ચાણોદ ની સીમમાં ગંગનાથ મહાદેવ નું પ્રાચીન મંદિર આવેલું છે,જ્યાં ગંગાજીએ પાંચ પાપો માંથી મુક્ત મેળવવા માટે સફેદ વાછરડી નું રૂપ લઈને નર્મદા માં સ્નાન કર્યું અને શિવજી ની કૃપા થી પાપોમાંથી મુક્ત થયા હતા અને ગંગ નાથ મહાદેવ ની સ્થાપના કરી હતી.સમય જતાં અંગ્રેજો ના સમયમાં ગંગનાથ મહાદેવ ગાદીપતિ સતશ્રી બ્રહ્મનંદજી ભારતને આઝાદ કરાવવા કટિબદ્ધ થયા હતાં,મહારાષ્ટ્રનાં રજવાડાંઓનું સંગઠન કર્યું હતું.ત્યારબાદ પેશવા સાહેબના મંત્રી સાથે ગુજરાતમાં આવ્યા હતા.તેઓ ગંગનાથ મહાદેવની જગ્યા પાસે આશ્રમ બાંધી ક્રાંતિકારીઓ સાથે સંપર્ક સાધી અહીંગુપ્ત મંત્રણાઓ કરી યોજના બનાવતા હતા.તેમની સાથે તાત્યા ટોપે પણ અહીં આવીને રહ્યા હતા.તેમને અહીં રાજકારણના પણ પાઠ ભણાવતા હતા.અરવિંદ ઘોષ અહીં બ્રહ્માનંદજી પાસે યોગ શીખવા આવતા હતા,કાકા કાલેલકર પણ બ્રહ્માનંદજી શિષ્ય હતા.બીજી તરફ અંગ્રેજોએ ક્રાંતિકારી પ્રવૃત્તિના સૂત્રધારને શોધી કાઢવા કડક આદેશો બહાર પાડયા હતા.એક શિષ્ય લીલીએ જાણ કરતાં અંગ્રેજોની સેના ગંગનાથ આશ્રમમાં આવી પહોંચી હતી અને આશ્રમનો કબજો લઈ લીધો હતો,છતાં કોઈ ક્રાંતિકારી તેમના હાથ આવ્યા ન હતા.આ મંદિર પર ૬૬ વર્ષ સુધી અંગ્રેજોનો કબજો રહ્યો હતો ,ત્યાર બાદ બ્રહ્માનંદજી શિષ્ય કેશવાનંદજી ગોધરા કોર્ટમાં કેસ કરતાં અંગ્રેજો કેસ હારી ગયા અને કેશવાનંદજીને મંદિરનો કબજો મળ્યો હતો,અંગ્રેજો મંદિરનો કબજો છોડતા પહેલાં અહીંની લાઈબ્રેરીના યોગને લગતાં અને બીજાં અન્ય કિમતી અલભ્ય પુસ્તકો સાથે લેતા ગયા,જે પુસ્તકો લંડનની લાઈબ્રેરીમાં આજે પણ જોવાં મળે છે કહેવાય છે,આજે ગંગનાથ મહાદેવ મંદિર ની બાજુમાં ધર્મશાળા,લાઈબ્રેરી,ભોજનાલય આવેલ છે.અહીંયા થી અંદાજે દોઢ કિલોમીટર અંતરે ત્રણ માળ નું બદ્રીકાંશ્રમ મંદિર આવેલું છે જ્યાં ગુફામાં મહાલક્ષ્મી,પહેલાં માળે ભગવાન વિષ્ણુ અને તેની ઉપર ૐ સોહમ યંત્ર અને શિવાલય આવેલું છે,આ જગ્યાએ નરનારાયણ તપ કરવાથી આ સ્થળ નું ખૂબ મહત્વ છે,અહીં શિવરાત્રી અને શ્રવણ માસમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટે છે.શ્રવણ મહિના માં કે અધિક માસમાં અહીંયા ભાગવત,રામાયણ આયોજન અને નવરાત્રિ માં નવચંડી યજ્ઞ નું આયોજન કરવામાં આવે છે,આમ.ચાણોદ ક્ષેત્ર નીચાણમાં છેક અનસૂયા માતાજીના મંદિર સુધી વિસ્તરેલું કહેવામાં આવે છે,પરંતુ ત્યાં પહોંચવા માટે ચાણોદથી હોડી દ્વારા જવું પડે અને થોડું ચાલવું પડે તેમ છે.વાહન દ્વારા છેક મંદિરે પહોંચવા માટે ચાણોદથી પરત ડભોઈ શિનોર માર્ગ ઉપર આવવું પડે.શિનોર તરફ જતાં મોટા ફોફળાથી પાંચ કિલોમીટર દૂર ઝાંઝડ ગામથી ઝાંઝડથી અર્ધા- એક કિલોમીટર ના અંતરે કાચા રસ્તે મહાસતી અનસૂયાજીના મંદિરે પહોંચી શકાય છે.આ મંદિર ચાણોદ થી ખૂબ નીચાણમાં આવેલ હોવાથી આસપાસ લિલીછમ વનરાઈ વૃક્ષોની ઠંડક છે.પ્રાચીન સમયમાં અહીંયા અત્રિમુનિનાં પત્ની અનસૂયાજીએ દેવપુત્રની માતા બનવાનો નિર્ધાર કર્યો હતો.તેમણે ચિત્રકૂટમાં તપ કર્યું.પરંતુ ઈચ્છિત ફળ ન મળ્યું,જેથી તેઓ અહીં નર્મદાજીના કિનારે આવ્યાં.અહીં જપ – તપ અને અતિથિ સત્કાર તથા પતિ ભકિત કરી હતી.સમય જતાં અનસૂયાજીના તપનો પ્રભાવ એકદમ વધવા લાગ્યો અને સ્વર્ગમાં ઈન્દ્રરાજાને તેમનું રાજય છીનવાઈ જવાનો ભય લાગતાં,નારદજીને અનસૂયાજીના તપભંગ માટે કહ્યું.નારદજીએ ત્રણ દેવીઓને લક્ષ્મી,પાર્વતી અને સરસ્વતીને- અનસૂયાજી ત્રણ દેવીઓ કરતાં મહાન સતી છે,તેમ કહી તેમની પરીક્ષા માટે બ્રહ્મા,વિષ્ણુ અને મહેશને મજબૂર કર્યા કહેવાય છે.બ્રહ્મા,વિષ્ણુ અને મહેશ બ્રાહ્મણનું રૂપ ધારણ કરી અનસૂયાજી પાસે ભિક્ષા માગવા તેમનાં આશ્રમ આવ્યા.અનસૂયાજી ભિક્ષા આપવા આવ્યાં ત્યારે આ ત્રણે બ્રાહ્મણો એ શરત કરી કે નિર્વસ્ત્ર ભિક્ષા આપે તો જ અમે સ્વીકારીએ.ત્યારે ધર્મસંકટમાં મુકાયેલાં અનસૂયાજીએ પોતાના તપ વડે ત્રણ બ્રાહ્મણોને નાના બાળક બનાવી તેમની માતા બની ઈચ્છા સંતોષી કહેવાય છે.છ મહિના સુધી આ ત્રણે દેવતા બાળક સ્વરૂપે રહેતાં ત્રણે દેવીઓને છ મહિના સુધી ઉપવાસ કરવો પડયો.આખરે તેમના પતિની ભાળ મળતાં ત્રણ દેવીઓ અનસૂયાજી પાસે બ્રાહ્મણ પત્ની ના વેશે ભિક્ષા માગવા આવી.તેમણે ભિક્ષામાં તેમના પતિની માગણી કરી.અનસૂયાજીએ ત્રણે બાળકો લાવી પોતપોતાના ઓળખીને લઈ જવા કહ્યું.પરંતુ બાળસ્વરૂપે રહેતા બ્રહ્મા,વિષ્ણુ અને મહેશને આ દેવીઓ ઓળખી શકી નહીં.ત્યારે ત્રણે બ્રાહ્મણ વેશે આવેલી દેવીઓએ પોતાનું મૂળ સ્વરૂપ ધાર કરી અનસૂયાજીની માફી માંગી અને તેમના પતિઓને અસલ સ્વરૂપમાં લાવવા વિનંતી કરી.ત્યારે અનસૂયાજીએ ત્રણ દેવો ને અસલી રૂપમાં પાછા લાવ્યાં ત્યારે ત્રણે દેવીઓ અનસૂયાજી પર પ્રસન્ન થયા અને વરદાન માગવા કહ્યું ,ત્યારે અનસૂયાજીએ ત્રણે દેવતાઓને તેમના પુત્ર બની રહેવાની માગણી કરી.જેથી અત્રિ ઋષિની આંખમાંથી જ્યોતિ સતીમાં પ્રવેશી અને બ્રહ્માએ ચંન્દ્ર રૂપે,વિષ્ણુએ દત્ત રૂપે અને મહેશે દુર્વાસા રૂપે સતીને ત્યાં અયોનીજ જન્મ ધર્યા અને ત્રિમુખ સ્વરૂપે દર્શન આપ્યું કહેવામાં આવે છે,એજ સમય દરમ્યાન અહીં ૧૦ વર્ષ સુધી સખત દુષ્કાળ પડ્યો,ક્યાંય પાણી મળતું નહોતું ત્યારે અત્રિ ઋષિએ મહાસતી અનસૂયાજી પાસે પાણી માંગ્યું.ત્યારે અનસૂયાજીએ અહી ગંગાજી પ્રગટ કર્યા હતાં.અને અત્રિઋષિની તરસ છિપાવી હતી. જે આજે પણ મંદિરની સામે જ ગંગાકુઈ આવેલી છે.પહેલા અહી વાવ હતી જે પાણી ઊંડુ રહેતું હોવાથી તેને કુઈ બનાવી છે,અહીંયા થી નર્મદા નદી માં વચ્ચે બેટ પર આવેલ વ્યાસબેટ મહાદેવ મંદિર દર્શન કરવા જેવું છે,જ્યાં ભગવાન સ્વામિનારાયણ અગિયાર વર્ષની ઉંમરે નીલકંઠવર્ણી વેશે વન વિચરણ કરતાં કરતાં અંબાલી અનસૂયા ગામે સાત દિવસ રહ્યા હતા તે સમય દરમિયાન વ્યાસબેટ અને શુકદેવજીમાં આવી બંને મંદિરના મહાદેવની પૂજા કરી હતી.જે શુકદેવ આશ્રમ પણ વ્યાસબેટ નજીક આવેલ છે.આજે પણ ચાણોદ આવતાં પ્રવાસીઓ આ પૌરાણિક દત્તાત્રેય મંદિર અને અનસૂયા માતા મંદિર,વ્યાસબેટ ના દર્શન અવશ્ય કરે છે,તેનાં વગર યાત્રા અધૂરી માને છે,તો બીજી તરફ ચાણોદ થી પૂર્વમાં પ્રકૃતિથી અને કુદરતી સૌંદર્ય થી ભરપૂર એકાંત અને શાંતિ નો અનુભવ કરી શકાય એવી જગ્યા જ્યાં સ્થાનિક માનવીઓના મુખે સાંભળવા મળતી લોકવાયકા મુજબ મહાભારત ના રચયિતા અને પરાશરમુનિના પુત્ર મહર્ષિ વેદવ્યાસ મત્સ્યગંધાના પેટે જન્મ્યાં ત્યારે માયાનું પડ તેમને નય લાગે તે માટે શરીર પરની ઓર સહિત દોડ્યાં.તે સમયે તેમની પાછળ જે પ્રવાહી રેલો નીકળ્યો જે ઔરસંગ નદી નર્મદા ને જ્યાં ભેગી થાય જ્યાં મહાભારતમાંના પરાક્રમી,મહા દાનવીર,સુર્ય પુત્ર કર્ણના અગ્નિ સંસ્કાર પણ તેની પૂર્વેચ્છાથી આ કુંવારી(અતિ પવિત્ર)ભૂમિ એટલે કે કણ્વઋષિની વસાવેલી કણ્વ નગરીમાં નર્મદા કાંઠે થયા હતા તે રેવોરી સંગમ કરનાળી.જે ચારે બાજુ નદીના પાણીને કારણે નાનકડો ટાપુ હોય એમ લાગે છે,અહીં ઘણાં મંદિરો હોવાથી દક્ષિણ ગુજરાતના કાશી તરીકે પણ ઓળખવામાં આવે છે,આ સિવાય તે કરનાળી,પૂર્વે કણ્વ નગરી,મહેચ્છાવટી,મંછાવટી તરીકે પણ ઓળખવામાં આવતું હતું.આ પાવન ભૂમિ પર પ્રાચિન સમયના સોમેશ્વર મહાદેવનું મંદિર મુખ્ય છે,અને બીજું કુભેર ભંડારીનું પ્રખ્યાત મંદિર છે. આ બંને મંદિરો નદીના જુદા જુદા ઘાટ ઉપર છે અને આગળ યાત્રાળુઓ ની ભીડ દરેક દિવસો માં જોવા મળે છે.જેમાં કુંભેર ભંડારી મંદિર જાણીએ તો પુરાણો મુજબ ત્રેતાયુગમાં કુબેર રાવણનો સૌથી મોટો ભાઈ હતો અને તેની સાવકી મા નો પુત્ર હતો.જયારે કુબેર ગાદી પર હતો ત્યારે તેની પાસે પુષ્પક વિમાન હતુ, રાવણ આ ગાદી તેમજ પુષ્પક વિમાન મેળવવા માટે કુબેર ને હેરાન કરવા લાગ્યો.રાવણે ભોળાનાથ ભગવાન નું તપ કરી તેમની કૃપા પ્રાપ્ત કરી અમોઘ શક્તિઓ મેળવી હતી. આ શક્તિઓના બળે તેને પોતાના ભાઈ કુબેર પર આક્રમણ કરી તેને પદભ્રષ્ટ કર્યો અને લંકામાંથી હાંકી કાઢ્યો અને કુબેર પણ ભગવાન શંકરનો ભક્ત હતો, તે ફરતો ફરતો નર્મદા કિનારે પહોંચ્યો અને ત્યાં તેણે મહાદેવનું તપ કરવા માંડ્યું. રાવણને જાણ થતાં તેણે કુબેરને અહીં પણ હેરાન કરવા માંડ્યો. છેવતે કુબેર મહેચ્છાવટી (કરનાળી) ગામે આવી ત્યાં તેણે મહાકાળી માતાજીનું શરણું લઈને પોતાની રક્ષાની જવાબદારી તેમને સોંપી. તપ કરતાં તેને શિવજી પ્રસન્ન થયાં અને લંકાનું રાજ પાછું આપવા અસમર્થ હોવાથી,સર્વે દેવી-દેવતાઓ અને આજ્ઞા કરી કે સહુ પોત પોતાની પાસેનું ધન દ્રવ્ય કુબેરને જમા કરાવે.બસ તેજ ઘડીથી અલ્કાપુરી (સ્વર્ગ)ના તમામ ધનનો વહીવટ કુબેરના હાથમાં આવ્યો ત્યારથી તે કુબેર ભંડારી તરિકે ઓળખાયા. ભગવાન શંકરે તેમને પોતાના સમકક્ષ સ્થાન આપ્યું.આમ કુબેરે જે જગ્યાએ મહાદેવજી નું તપ કર્યું હતું તે સ્થળે ભગવાન સાક્ષાત બિરાજમાન થયાં અને કુબેરેશ્વર તરિકે ઓળખાયા. સાથે સાથે મહાદેવે તેને વરદાન આપ્યું કે આ જગ્યાએ તુ મારા નામથી એટલે કે કુબેરેશ્વર તરીકે પુજાઈશ અને તારે ત્યાં આવનાર માણસ ગમે તે દેવી દેવતાની આરાધના કરશે તે તું જે તે દેવી – દેવતાના ખાતામાં જમાં કરાવી તેને ઈચ્છિત વરદાન આપજે.આમ મહાદેવની દયાથી અઢળક લક્ષ્મી કુબેરને પ્રાપ્ત થઈ તેથી જ્યાં લક્ષ્મી ત્યાં નારાયણ તે મુજબ સ્વયં વિષ્ણુ આ જગ્યા એ કુબેરેશ્વરની બાજુમાં શાલિગ્રામરૂપે ભંડારેશ્વર તરીકે બીરાજ્યા મહાદેવે કુબેરને દેવતાઓની વચ્ચે સ્થાન આપ્યું પરંતુ આ બાબતે વિષ્ણુની સ્વિકૃતિની મહોર બાકી હતી,જે શાસ્ત્રો અને પુરાણો મુજબ છેક ત્રેતાયુગ(રામાવતાર)ની સમાપ્તિ બાદ દ્વાપરયુગ(કૃષ્ણાવતાર) માં મળી,કુરૂક્ષેત્રના મેદાન પર ખેલાઈ ગયેલ મહાભારતનું યુધ્ધ શરૂ થયું તે પહેલા અર્જુનને કૃષ્ણરૂપે સ્વયં વિષ્ણુ એ ભગવદ્ ગીતામાં જે બોધ આપ્યો હતો તેમાં દસમા અધ્યાયમાં ત્રેવીસમો શ્લોક આ મુજબ છે.”રૂદ્રોમાં શંકર હું છું.યક્ષ અને રાક્ષસોમાં કુબેર હું છું.વસુઓમાં પાવક હું છું અને પર્વતોમાં મેરું હું છું.”બસ તે ઘડીથી કુબેર કે જેની રાક્ષમ કોટી હતી તે યક્ષ કોટીમાં સ્થાન પામ્યો.આ સિવાય કોઈ પણ મહાકાર્યનાં અંતે અપાતી મંત્રપુષ્પાંજલિમાં કુબેરનો ઉલ્લેખ છે, તે ન કરાય તો જે તે યજ્ઞકાર્ય સફળ થયેલું ગણાય નહીં તેવુ પણ તેને વરદાન પ્રાપ્ત થયું.આજની આજનાં હિન્દુ રીતરીવાજો મુજબ લગ્ન પ્રસંગે રસોડું ચાલું કરતાં પહેલાં ત્યાં કુબેરનો દિવો પ્રગટાવવામાં આવે છે.કારણ એવી માન્યતા છે કે પ્રસંગે ભંડારો ખૂટતો નથી.આમ શિવજીની કૃપાથી કુબેરે અનન્ય સ્થાન પ્રાપ્ત કર્યું.દિવાળીના વાઘબારસસ,તેરસ,ચૌદસ અને દિવાળીએ એમ ચાર દિવસો દરમિયાન કુબેરજીને રાજાની જેમ શણગારવામાં આવે છે,છડી પોકારવામાં આવે છે.તથા સોના,ચાંદી,હિરા, મોતી,માણેક, ન્નાથી તેમને શણગાર સજવામાં આવે છે,આ ઉપરાંત થાળ ગાતી વખતે જે જે વસ્તુઓના નામ બોલવામાં આવે તે લગભગ ત્રણસો જેટલી બધી જ વસ્તુઓનો ભોગ કુબેરને ધરાવવામાં આવે છે.તો બીજી તરફ મંદિરના કુબેર ને તીર્થ પ્રધાન કહે છે.અને તેમની પુજા દિવસે થાય છે.જ્યારે ગામમાં આવેલ સોમનાથના મંદિરના કુબેરને તીર્થના રાજા કહેવામાં આવે છે.તેમની પૂજા રાત્રે થાય છે.કરનાળી ગામમાં આવેલા સોમનાથ મહાદેવની ચારેય બાજુ અસંખ્ય બેનમૂન પૌરાણીક,શિવલિંગો સ્થાપીત થયેલા છે,જેનાં દર્શન માત્રથી ધન્યતા અનુભવાય છે.તો
કુંભેર ભંડારી મંદીર સંકુલમાં મુખ્ય મંદીર કુબેરેશ્વર મહાદેવનું છે,જે મુર્તિનું મુખ દક્ષિણ દિશા તરફ છે.જેની બાજુમાં કુબેર ભંડારીનો કક્ષ છે.આ ઉપરાંત અહીં બલિયાદેવ,શીતળા માતા અને રણછોડજીનું પણ નાનું સુંદર મંદીર આવેલું છે.મંદીરથી પગથીયા ઉતરીને નર્મદા નદી પાસે જતાં મહાકાળી માતાનું મંદીર આવે છે.સાથે નર્મદાના કિનારે પહોંચવા માટે પગથીયાની વ્યવસ્થા છે તથા ઘાટ બનેલો હોવાથી પર્યટન સ્થળ તરિકે પણ તેનો વિકાસ થયેલો છે,તો અહિયાં મહાશિવરાત્રિએ અહીં ચાર પ્રહરની પુજા થાય છે.જેમાં ભાગ લેવા ગુજરાત ના ખૂણે ખૂણે થી ભક્તો આવે છે.શ્રાવણ માસમાં અહિં રોજ ઘીના કમળના દર્શન હોય છે.વહેલી સવારથી બપોર સુધીમાં અનેક બીલીપત્રો કુબેરજીને અર્પણ કરાય છે.ચૈત્રી પૂનમ તથા કાર્તિક પૂનમે અહિં મોટો મેળો ભરાય છે.તથા કુબેરજીની નગરયાત્રા નીકળે છે.આ મંદિરની ખૂબી ગણો કે દૈવી પ્રભાવ ગણો પણ અહિં જે માનસિક શાંતિનો અનુભવ થાય છે એ ખરેખર અવર્ણનીય છે અને હિંદુધર્મનાં સોળ સંસ્કારો પૈકી ચાર સંસ્કાર નામકરણ,ચૌલકર્મ, સીમંત સંસ્કાર અને જનોઈ સંસ્કાર અહિં થાય છે.નિઃસંતાન દંપત્તિને અહીં સંતાન પ્રાપ્તિની સોપારી પણ અપાય છે.આ સિવાય કરનાળીમાં દાનવીર નર્મદા તટે આવેલ કર્ણરાજા નું મંદિર જ્યાં શ્રીકૃષ્ણ ભગવાન દ્વારા પોતાનો પરોણો ઉભો રાખીને તેના ઉપર પોતાના ડાબા હાથની હથેળી ચત્તી ધરી તેના ઉપર ચિતા ખડકી રાજા કર્ણ ને અગ્નિસંસ્કાર આપવામાં આવ્યો હતો.તે જગ્યા આજે પણ તલભાર કુંવારી ધરતી કહેવાય છે.ત્યારબાદ દક્ષિણા મૂર્તિ,સત્યનારાયણ,ગણપતિ,મુરારી,હાટકેશ્વર,ગાયત્રીમાતા,ગરુડેશ્વર,હનુમતેશ્વર,પનોતી નું ડેરું,ભૂત મામા નું ડેરું,પાવકેશ્વર નું ડેરું જેવાં મુખ્ય મંદિરો છે.સોમેશ્વર ના ઘાટની બાજુમાં જ નર્મદા માતાનું એક સુંદર અને દર્શનમય મંદિર આવેલું છે,તેની નજીકમાં અમદાવાદ ના ગીતા મંદિર તરફથી સ્થાપેલા આશ્રમ અને ધર્મ શાળા પણ છે.જે આશ્રમની એક હોજમાં નીલ કમળ થાય છે,જે ભારતમાં ફક્ત બે જ જગ્યાએ નીલ કમળ થાય છે.એકબાજુ નદીનો પ્રવાહ ઝડપી અને મીઠા અવાજે વહેતો હોવાથી અહીંયા નૌકા વિહાર કરવાની ખૂબ મજા આવે છે,અહીંયા થી નૌકા(હોડીમાં)બેસીને નર્મદા ના સામે કાંઠે આવેલ નીલકંઠવર્ણીધામ પોઇચા જ્યાં ધાર્મિકતા સાથે સંસ્કાર અને પ્રાચીન વૈદીક પરંપરાઓની આજની યુવા પેઢીને અનુભુતી કરાવતુ ભારતીય સંસ્કૃતિને પ્રર્દિશત કરતું અર્વાચીન તીર્થધામ બનાવીને વિકસાવવામાં આવ્યું છે.આ મંદિરના સ્થાને અંદાજે ૨૨૫ વર્ષ પહેલા ભારતભૂમિ યાત્રા દરમિયાન ભગવાન નીલકંઠ(સહજાનંદ,ભગવાન સ્વામીનારાયણ) અહીંથી વિચરતા હતા ત્યારે તેઓએ આ જગ્યાએ નર્મદા નદીમાં સ્નાન કર્યુ હતું.સમય જતાં આ જગ્યાએ ભવ્ય મંદિર ૨૦૧૩ માં બાંધવામાં આવ્યું છે,જે ૨૪ એકરમાં પથરાયેલું છે,કલા કોતરણીથી શોભતું આ મંદિર મનમોહક લાગે છે,આ સિવાય ચાણોદ કરનાળી ક્ષેત્રની સીમમાં આવેલ ડભોઈ થી ચાણોદ જતા ચાણોદ ગામ પહેલાં મુખ્ય રસ્તા ની ડાબી બાજુએ આવેલું બે હજાર વર્ષ જૂનું હરસિદ્ધિ માતાજીનું મંદિર અને વાવ જોવાલાયક અને તેનો ઇતિહાસ જાણવાં લાયક છે,કહેવાય છે કે આ મંદિરનો પૌરાણિક ઇતિહાસ વિક્રમ સંવત જેટલો પુરાણો છે.આજ થી ૨ હજાર વર્ષો પહેલાં ભારતના મહાસમ્રાટ ગણાતાં ઉજ્જૈન ના મહારાજા વિક્રમાદિત્ય અહીં નર્મદાજીના ઉત્તર તટે અને શાલીવાહન રાજા સામે દક્ષિણ તટે પડાવ નાખીને પડયા હતા.બંને વચ્ચે યુદ્ધની નોબત વાગી હતી યુદ્ધ થયું પરંતુ બંને એકમેકને જીતી શકાય નહીં.આખરે બંને વચ્ચે સુલેહ થઈ અને ત્યારથી ઉત્તરકાંઠાના પ્રદેશમાં સંવત વર્ષ શરૂ થયું અને દક્ષિણના પ્રદેશમાં શક વર્ષ ચાલુ થયું.તે સમય દરમિયાન મહારાજા વિક્રમાદિત્ય સાથે હરસિદ્ધિ માતા અને મહાકાલ વેતાળ આવ્યા હતા.જ્યાં પડાવ નાખ્યો હતો ત્યાં જ માતાજીની સ્થાપના કરી હતી.હરસિદ્ધિ માતાના મંદિર પાસે એ સમયની એક જૂની વાવ આવેલી છે.આ પગથિયાંવાળી વાવ ભોંયરાના સ્વરૂપમાં છે,એવી અનેક લોકવાયકા સાંભળવા મળે છે કે આ ભોંયરું પાવાગઢ કે ડાકોર નીકળે છે.સ્થાનિક લોકોના કહેવા મુજબ ક્રાંતિકારીઓ જયારે આ વિસ્તારમાં ગુપ્ત વાસે રહેતા હતા ત્યારે તેમણે આ ભોંયરું તૈયાર કરાવ્યું હતું.અંગ્રેજો જયારે આ વિસ્તારમાં તપાસ માટે આવતા ત્યારે ક્રાંતિકારીઓ આ ભોંયરાના માર્ગે ચાલ્યા જતા હતા.અત્યારે વાવમાં પાણી છે , પરંતુ ઉપર ઝાળાં જાંખરાં નાખીને વાવ બંધ કરી દેવામાં આવી છે.આ હરસિદ્ધિ માતા મંદિર પાકું બાંધેલું અને મરામત કરાવેલું છે,આમ આ પવિત્ર ભૂમિ ચાણોદ કરનાળી સિવાય નજીકમાં ચાંપાનેર-પાવાગઢ,ડભોઈ નો કિલ્લો,વઢવાણ તળાવ,તેન તલાઈ તળાવ,નીલકંઠવર્ણી ધામ પોઇચા,ભાદરવાદેવ,ગરુડેશ્વર,હરસિદ્ધિ માતા મંદિર રાજપીપળા,સ્ટેચ્યુ ઓફ યુનિટી,સરદાર સરોવર ડેમ જેવાં ધાર્મિક, સાંસ્કૃતિક વારસો ધરાવતાં નાનાં-મોટાં અનેક ફરવાલાય,જોવાલાયક અને આનંદ માણવા લાયક સ્થળો આવેલા છે…