- સૌરાષ્ટ્રભરમાંથી પાંચ હજાર જેટલા ખેડુતો સહભાગી થયા.
- ખેડુતોએ પ્રાકૃતિક ખેતીના અનુભવો વર્ણવ્યા
રાસાયણીક ખાતર અને જંતુનાશક દવાઓથી જળ,જમીન અને પર્યાવરણને વ્યાપક નુકશાન થયુ છે. જેનાથી લોકોનું આરોગ્ય કથળ્યુ છે. અનેક પ્રકારની બીમારીઓનો લોકો ભોગ બન્યા છે. આ બધામાંથી મૂકિત મેળવવાનો ઇલાજ સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી છે. તેથી સ્વાસ્થ્ય સારૂ રાખવા ફેમીલી ડોકટરની નહીં પરંતુ ફેમીલી ફાર્મરની આવશ્યકતા છે. એક દેશી ગાયની મદદથી ૩૦ એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી થઇ શકે છે. જમીન બંજર થતી અટકી ઉત્પાદન શકિત, વધુ ભાવ, ઓછો ખેતી ખર્ચ અને પાણીનો વપરાશ ઘટશે.
જૂનાગઢ કૃષિ યૂનિ. ખાતે ખેડુતોને દેવામૂકત કરવા, જમીનને રાસાયણીક ખાતર અને જંતુનાશકોથી બચાવવા, લોકોનું સ્વાસ્થ્ય સુધારવા સાથે ખેડુતોની આવક ડબલ કરવા ઇમાનદારીથી પ્રાકૃતિક ખેતી અપનાવવી એજ ઉપચાર અને ઉપાય છે. તેમ રાજ્યપાલ દેવવ્રત પાઠકે જણાવ્યું હતું.
આત્મા પ્રોજેકટના નિયામક કે.ડી. પંચાલે જણાવ્યુ કે,આડેધડ રાસાયણીક ખાતર અને જંતુનાશકોના વપરાશથી બાયોડાયવર્સીટી અને ઇકો સીસ્ટમ ખોરવાઇ છે. કલાઇમેંટ ચેન્જ અને ગ્લોબલ વોર્મીંગનો આપણે ભોગ બન્યા છીએ. સોઇલ હેલ્થ અને માનવ હેલ્થને નુકશાન થયુ છે. આથી પ્રાકૃતિક ખેતીના મોડલ ફાર્મ તૈયાર કરવા ઇકો ગ્રામ બનાવવાની તેમણે હિમાયત કરી હતી.
પ્રાકૃતિક ખેતી આપનાવતા ખેડુતોના પ્રતીભાવો
ટંકારામાં ૧૫ વીઘા જમીન ધરાવતા કાન્તીભાઇ સંઘાણીએ કહયુ કે, હું ૩ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરૂ છુ. જેનાથી મારી જમીનમાં પોષક તત્વો વધ્યા છે.શરૂઆતમાં ઉત્પાદન ઓછુ મળે છે. પણ સરવાળે મને ફાયદો થયો છે. માર્કેટીંગની આવશ્યકતા છે. ધીમે ધીમે તેનો ઉકેલ મળશે.
માળીયા હાટીના ગોતાણાથી આવેલા રાજાભાઇ ગરચર અને ખાંભલા નીરૂભાઇએ પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી છે. જીવામૃતનો ઉપયોગ કરવાથી મુળના રોગ તથા સુકારાના રોગમાં ફાયદો થયો છે. ખાધ્યચીજો ગુણવત્તાવાળી બને છે. આ ખેતીથી ખેડુતોને કોઇ નુકશાન નથી એટલું ચોકકસ કહી શકાય તેમ જણાવ્યુ હતુ. તેમની આ વાતમાં ચોટીલાના સરોડથી આવેલા ભગવાનભાઇ ઉમરાણીયા અને છીગાભાઇ રાઠોડે પણ પોતાનો સુર પુરાવ્યો હતો.
પ્રાકુતિક ખેતીનો સૌથી મોટુ સુખ એ નીંદામણથી છુટકારો છે, તેમ પોતાના અનુભવ વર્ણવતા શાંતીપરાની જેઠાભાઇ જોટવાએ જણાવી ઉમેર્યુ કે, આપણે જંતુનાશકો છાંટી છાંટીને ખેતી બગાડી નાખી છે. હું મારી ૧૫ વીઘા જમીનમાં જાતે રોપ તૈયાર કરૂ છુ મીકસ પાકનું વાવેતર કરૂ છુ અને માત્ર જીવામૃતનો જ છંટકાવ કરૂ છું.
રાણાવાવ તાલુકના ઠોયાણાના રાજસીભાઇ ઓડેદરા છેલ્લા સાત વર્ષથી પ્રાકૃતીક ખેતી કરે છે તેમણે કહયુ કે, ધરતી માતાની તાકાત છે ગમે તેવો રોગ આવેતો પણ રોગ નાબુદ થઇ જાય બસ આપણે ગાય આધારીત પ્રાકૃતીક ખેતી કરી ખેતીને મરતી બચાવવાની છે.
અમરેલી જિલ્લાના ગોઢાવદરના ભરતભાઇ નારોલાએ ખેડુતોએ જંતુનાશકો છાંટી ખુબ પાપ કર્યા છે. આપણે હવે પ્રાકૃતિક ખેતી અપનાવી વાલીયામાથી વાલ્મીકી બનવાનું છે.મારી ૧૦૦ વિઘા જમીનમાં હું પ્રાકૃતિક ખેતી સાથે મારા ખેત ઉત્પાદનનું માર્કેટીંગ પણ જાતે કરૂ છુ અને પુરતા ભાવ પણ મને મળે છે.તેમ જણાવ્યુ હતું.
જામનગર પાસેના દરેડના રીનાબેન ચાંગાણી ૧૦૦ જેટલી ગીર ગાયના માલીક છે. તેઓ ગાય આધારિત ખેતી કરવા સાથે દુધનો પણ વ્યવસાય કરે છે. તેમણે કહયુ કે, હું મારી મગફળીનો એક ડબ્બાનો ભાવ રૂ. ૨૫૦૦ છે. અને આરામથી મને પ્રાકૃતિક ખેતીના કારણે આ ભાવ મળે છે. આ ઉપરાંત સીધ્ધપુરના દિનેશભાઇ પરમાર, વાવડીના અચ્યુત પટેલ સહિત અન્ય ખેડુતોએ પણ પોતાના અનુભવો શેર કર્યા હતા.