કોરોનાના બે દર્દી નિકળ્યા અને 1 લાખ માસ્ક તૈયાર કરીને આખા કચ્છમાં મફતમાં આપ્યા

માધાપર (કચ્છ) જૈન સમાજ અને દરજી યુવાઓ સંયુકતપણે રોજના 1 લાખ માસ્ક તૈયાર કરે છે, વહિવટીતંત્રના સહયોગથી વિનામૂલ્યે તેનું વિતરણ કરી કોરોના વાયરસને ફેલાવતો અટકાવવા કામ કરી રહ્યાં છે.

માસ્ક બનાવવાની અને તેનું વિતરણ કરીને કોરોના વાયરસની આ કપરી સ્થિતીમાં જીવન બચાવવાની સેવા તક મળી છે. માસ્ક ન પહેરનાર વ્યકિત સ્વયં તો સંક્રમિત થાય છે જ પરંતુ પોતાના મ્હોમાંથી થૂંક-લાળ કે વાતચીત દ્વારા નીકળતા વાયરસથી અન્યને પણ સંક્રમિત કરે છે.

24 માર્ચ 2020થી પ્રથમ લોકડાઉનના પ્રથમ દિવસથી જ સતત આ માસ્ક બનાવવાનો પ્રારંભ દરજી સમાજના નીતિન પરમારની આગેવાની હેઠળ તેમની ટીમ જેમાં પરાગભાઇ કે. ચૌહાણ, રાજેશભાઇ એચ. ચૌહાણ, ઇશ્વરલાલ એલ. મકવાણા, ભાવેશભાઇ કે. પરમાર, પીયૂષભાઇ એસ. પરમાર, કપિલભાઇ જે. ગોહિલ, હાર્દિકભાઇ એ. ગોહિલ દ્વારા કરવામાં આવ્યો અને સતત એક મહિનાથી સંસ્થાના કાર્યાલયને અર્પણ કરાયા.

નીતિન પરમાર સહિતના અન્ય દરજી યુવાનોએ નક્કી કર્યું લોકડાઉનનો સદુપયોગ કરીએ અને આપણા વ્યવસાયની કુશળતા દ્વારા લોકોને મદદરૂપ બનીએ. હિતેશ ખંડોરે અન્ય દાતાઓની સહાયતાથી માસ્ક માટેનું કાપડ આ દરજી યુવાનોને મેળવી આપ્યું હતું. 35 જણાની ટીમ કામ કરવા લાગી હતી.

રાપર, ભચાઉ, ગાંધીધામથી માંડીને ભુજ સહિત કચ્છના અન્ય તાલુકા મથકોએ તેમ જ ગ્રામ્ય વિસ્તારમાં માસ્કનું નિઃશુલ્ક વિતરણ થઈ ચૂકયું છે. કોરોના ફાઈટર્સ જે સરકારી કર્મીઓને માસ્કની જરૂર હતી તેમને અમે માસ્ક આપ્યા છે.

માધાપરમાં કોરોનાના ત્રણ પોઝિટિવ કેસ નીકળતા આખાયે માધાપરમાં દરેક ઘેર માસ્ક આપેલા છે. માસ્ક વોશેબલ છે, વળી તેનું કપડું પણ ટકાઉ અને સારી કવોલિટીનું છે. ગાંધીધામના ઓમ ઇમ્પક્ષની અમને મદદ મળી છે.

લોકડાઉનની સ્થિતિમાં 700 કૂતરાઓને રોટલી અને પક્ષીઓને ચણની તકલીફ ન પડે તે માટે વિવિધ વિસ્તારોમાં પક્ષીઓને ચણ અને કૂતરાઓને રોટલી અર્પણ કરવામાં આવે છે.

માધાપર ઓજી ગ્રામ પંચાયત દ્વારા ગામના તમામ ગ્રામજનો કુટુંબ પરિવારના સભ્યોને કોરાનાથી બચવા સંરપંચ  મીનાબેન ગણેશભાઇ નકુમ દ્વારા નિ:શુલ્ક માસ્ક વિતરણ કરવામાં આવ્યા હતા. જાહેર સ્થળોએ થુંકનારને રૂ.૫૦૦ ના દંડ વસુલવાની પણ જાહેરાત કરી હતી.