લખન મુસાફિર : ડરીશું નહીં, અવાજ ઉઠાવીશું

નર્મદા જિલ્લાના ખૂબ જ જાણીતા લખન મુસાફિરને હદપાર થવાનો આદેશ કરવામાં આવ્યો છે. તેમને નર્મદા, ભરૂચ, તાપી, છોટા ઉદેપુર અને વડોદરા – એમ પાંચ જિલ્લામાં હદપાર કરવામાં આવ્યા છે.

લખનભાઇ સામેના આરોપો હાસ્યાસ્પદ અને પાયા વિહોણા તો છે જ. આ આક્ષેપો કોઈ પુરાવાઓ, સાક્ષીઓ, દલીલો કે ઉલટતપાસ તેમજ યોગ્ય સુનાવણી કર્યા વિના કરવામાં આવેલ છે. તેમ છતાંય પોલીસ દ્વારા થયેલી ફરિયાદમાં રજૂ થયેલ આ જુઠ્ઠાણાને  જ ધ્યાનમાં લઈને નર્મદા જિલ્લા પેટા વિભાગીય મેજિસ્ટ્રેટે(SDM) પોતાનો આદેશ આપીને ફરિયાદને યોગ્ય ઠેરવી છે. તેઓ ફરિયાદ સંદર્ભે કાયદાની પ્રક્રિયાને બાજુ પર મૂકી જણાવે છે કે, ‘લખન મુસાફિરને નિર્દોષ માનવા ન જોઈએ કારણ કે તેમણે અન્ય કેસોમાં પોતાને નિર્દોષ સાબિત કર્યા નથી.’ આ પ્રકારના ઓર્ડરથી સરકાર અને કાનૂની પ્રક્રિયા મજાક બનીને રહી ગઈ હોય તેવું લાગે છે.

લખન મુસાફિર વિરુદ્ધ લાગેલા આરોપમાં: લોકોમાં ઉશ્કેરણી કરવી, હિંસકાત્મક પ્રવૃત્તિમાં ભાગ લેવો,હથિયાર રાખવા, દારૂનો વેપાર કરવો જેવી બાબતનો સમાવેશ થાય છે. આનાથી વાહિયાત તો બીજું શું હોય! તદુપરાંત, વહીવટી તંત્રને આ હુકમ પાસ કરવામાં એકદમ ઉતાવળ હોય એવું લાગે છે. કારણકે સમગ્ર ભારતમાં કોર્ટ વર્ચુઅલ સુનાવણી દ્વારા તાત્કાલિક બાબતોની જ સુનાવણી કરી રહી હોય ત્યારે, આ કેસમાં અધિકારી લખનભાઈને સુનાવણી માટે કોર્ટમાં બોલાવે છે, પણ ફરિયાદી પક્ષ દ્વારા કોઈ પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી તેમજ લખનભાઈની રજૂઆત સાંભળવામાં આવી નથી.

લખન મુસાફિર છેલ્લા 40 વર્ષોથી સતત કામ કરતાં કાર્યકર છે. 1982માં તેમણે પોતાનું ઘર અને ભણતર છોડી દીધું. સૌ પ્રથમ વિનોબા ભાવેના પવનાર આશ્રમમાં ગયા અને ગૌ-હત્યા વિરુદ્ધના સત્યાગ્રહમાં જોડાયા. ત્યાં તેમને ગાય અને ગૌવંશનું કૃષિમાં મહત્વ સમજાયું અને પછી તેમણે સજીવ ખેતી, જીવન નિર્વાહ માટે દૈનિક મજૂરી, ટકાઉ વિકાસ, બાયોગેસ પ્લાન્ટનું નિર્માણ, કડિયાની તાલીમ જેવા કામોમાં પોતાની જાત સમર્પિત કરી દીધી. તેમજ તેમણે પોતાના કુટુંબને જણાવી દીધું હતું કે જીવન નિર્વાહ ખેત મજૂરીથી કરશે અને ઘરમાંથી એક પણ રૂપિયો કે પરિવારની મિલકતમાં કોઈ જ પ્રકારનો ભાગ લેશે નહિ.

પોતાની જિંદગીમાં લખનભાઈ એ જુદા જુદા પ્રયોગો કર્યા. પોતાના પર તેમજ પોતાની જીવનશૈલી પર. જેમકે, તે ફક્ત એક દિવસની મજૂરીથી જેટલું કમાઇ શકે એટલો જ વપરાશ કરશે, જે સ્થળોએ સાઇકલ પર જવાય તેનો જ પ્રવાસ કરશે. એ લખનભાઈ જ હતા કે જેમણે નેવુંના દાયકાના અંતમાં ગુજરાતમાં કેમિકલ વિનાના ગોળને લોકપ્રિય બનાવ્યો. તેમણે ખેડુતોને યોગ્ય વળતર મળી રહે તે માટે આ વિસ્તારમાં હળદરની ખેતીને પ્રચલિત બનાવી. ખેડૂતોને ખેત ઉત્પાદનની પ્રક્રિયા કરી અસંખ્ય ખેત ઉત્પાદનો કરવા પ્રોત્સાહિત કર્યા. આજ વ્યક્તિ પર આજે વહીવટ તંત્ર બુટલેગર હોવાનો આક્ષેપ મુકે છે!

નર્મદા જિલ્લાના કેવડિયા વિસ્તારમાં છેલ્લા 10 વર્ષથી લખનભાઇએ આદિવાસી લોકોની જાગૃતિ માટે અથાગ મહેનત કરી છે. તેઓ સતત કેવડિયા, કોઠી, નવાગામ, વાગડિયા, લીમડી અને ગોરા, આ છ ગામોના લોકોની સાથે રહ્યા છે. આ ગામ લોકોએ પોતાની જમીન ગુમાવી દીધી પરંતુ તેઓને પ્રોજેક્ટ અસરગ્રસ્ત તરીકે જ ગણવામાં આવ્યાં.  લખનભાઈએ ગરુડેશ્વર વિયરને લીધે  ડૂબમાં જતી આદિવાસી ખેડૂતોની ૧૩ ગામોની જમીન બચાવવા માટે ખૂબ પ્રયાસો કર્યા.  સરદાર પટેલની પ્રતિમાથી અસરગ્રસ્ત ખેડૂતોની મદદ કરવાનો પણ તેમણે સતત પ્રયાસ કર્યો છે.

આ વિસ્તરના આદિવાસી વિધાર્થીઓ નબળી શૈક્ષણિક સેવાઓના કારણે યોગ્ય શિક્ષણ મેળવી શકતા નથી. લખનભાઈએ વિદ્યાર્થીઓ માટે નિ:શુલ્ક ગણિત, વિજ્ઞાનના અભ્યાસ વર્ગો શરુ કર્યા છે, જેમાં સેંકડો વિધાર્થીઓ ધોરણ ૧૦માં સારું પરિણામ મેળવી રહ્યા છે. લોકોમાં વિશ્વાસ મૂકી તેમની આવડત બહાર લાવતા આ વ્યક્તિ પર આક્ષેપ કરવામાં આવ્યો છે કે તે લોકોને ઉશ્કેરે છે!

આ હદપારના હુકમથી માત્ર લખન મુસાફિરને ડરાવવા અને પજવવાનો પ્રયાસ નથી. પરંતુ સમગ્ર નર્મદા જિલ્લાના આદિવાસીઓને ચૂપ કરવાનો પ્રયાસ છે.  જે અભિવ્યક્તિની સ્વતંત્રતા, લોકોના લોકશાહી અધિકારો પર હુમલો છે.  જે લખનભાઈને કે સ્થાનિક લોકોને ડરાવી શકે તેમ નથી, જેમનું પ્રતિનિધિત્વ લખનભાઈ સતત કરતા રહ્યાં છે. અન્યાય સામે લડત સતત ચાલુ રહેશે.

  • જ્યોતિભાઇ દેસાઇ
  • ડેનિયલ મઝગાંવકર
  • રજની દવે
  • સ્વાતિ દેસાઈ
  • આનંદ મઝગાંવકર
  • મહેશ પંડ્યા
  • દેવ દેસાઈ
  • પાર્થ ત્રિવેદી
  • રોહિત પ્રજાપતિ
  • કૃષ્ણકાંત ચૌહાણ