મરાઠાઓની ગુજરાતમાં લૂંટ – ભાગ 2
મરાઠા છત્રપતિ શિવાજી મહારાજનો આજે જન્મ દિવસ છે. ત્યારે મરાઠી શાસન ગુજરાતમાં કઈ રીતે લૂંટફાટ અને પ્રજા પર દમન કરતાં રહ્યાં હતા અને મરાઠાઓએ ગુજરાતમાં મુસલમાનોને મદદ કરીને કઈ રીતે કાવાદાવા કર્યા તેની કથા છે.
મરાઠાઓએ ગુજરાતમાં વિસ્તારેલાં આક્રમણ
ઊગતી મરાઠી સત્તાને કચડી નાખવાના આશયથી ઔરંગઝેબે છત્રપતિ સંભાજીની ૧૬૮૫માં હત્યા કરી હતા. પરંતુ આનાથી મરાઠાઓ વધારે સંગઠિત થયા અને મુઘલો સામે વિશેષ આક્રમક બન્યા તથા ગુજરાત પરનાં પોતાનાં આક્રમણોને તેઓએ વિસ્તાર્યા હતા. ત્રીજા છત્રપતિ રાજારામના અવસાન ( ૧૭00 ) બાદ એની પત્ની તારાબાઈ અને એના વિપક્ષીઓ વચ્ચે સત્તા માટે આંતરકલહ થયો હતો. એનાથી થોડા સમય માટે મરાઠાઓની આગેકૂચ થંભી ગઈ હતા. પરંતુ ૧૭૦૭માં મુઘલ બાદશાહ ઔરંગઝેબનું અવસાન થતાં મરાઠાઓને ગુજરાત તથા ભારતના અન્ય ભાગોમાં પોતાનો વિસ્તાર કરવાની તક સાંપડી હતી. વળી ઔરંગજેબ પછીના મુઘલ બાદશાહો નિર્બળ હતા. એટલે એમને સત્તા પર ટકી રહેવા માટે મરાઠાઓની સહાયની જરૂર હતી. બીજી બાજુ ઔરંગઝેબના મૃત્યુ બાદ ગુજરાતના મુઘલ સરદારોમાં ગુજરાતની સૂબાગીરી મેળવવા ભારે ખેંચતાણી ચાલી હતી. તેમાં પણ એક અથવા બીજા પક્ષને મરાઠાઓની મદદની જરૂર જણાઈ હતી. આનાથી મરાઠાઓને ઉત્તર હિંદમાં તથા ગુજરાતમાં પોતાનું વર્ચસ જમાવવાની પૂરતી તક મળી હતી. આનો લાભ મરાઠાઓએ ઠીક પ્રમાણમાં લીધો હતો. પ્રથમ પેશવા બાલાજી વિશ્વનાથ તથા બીજા પેશવા બાજીરાવ ૧લાએ આ બાબતમાં આક્રમક નીતિ અપનાવી હતી.
૧૭૧૬માં ખંડેરાવ દાભાડે
બાલાજી વિશ્વનાથે મરાઠી સત્તાને વ્યવસ્થિત કરવા મરાઠી સરદારોને જુદા જુદા પ્રદેશોની હકૂમત વહેંચી આપી હતી. એ રીતે ૧૭૧૬માં ખંડેરાવ દાભાડે નામના સરદારને ગુજરાતમાં મરાઠી સત્તા વિસ્તારવા માટેનું નેતૃત્વ સોંપવામાં આવ્યું હતું. દાભાડે દક્ષિણના રાજકારણમાં એટલો બધો ઓતપ્રોત હતો કે એ જાતે ગુજરાતમાં જઈ શકે એમ ન હતું. તેથી એણે પોતાના અધિકારીઓ કંથાજી કદમ, દમાજી ગાયકવાડ તથા એના ભત્રીજા પિલાજી ગાયકવાડને આ કામગીરી સોંપી હતી. દરમિયાનમાં બાલાજી વિશ્વનાથ તથા ખંડેરાવ દાભાડેએ મુઘલ બાદશાહ મુહમ્મદશાહ તથા એના દીવાન અલી ભાઈઓ પાસેથી ગુજરાતમાંથી ચોથ-આવકનો ચોથો ભાગ ખંડણી ઉઘરાવવા માટેનો મરાઠાઓનો અધિકાર મેળવી લીધો હતો; આનાથી ગુજરાતમાંની મરાઠાઓની પ્રવૃત્તિઓને કાનૂની સ્વરૂપ મળ્યું હતું.
(ક્રમશઃ) – 3
નોંધ – ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃત્તિક ઇતિહાસ – મરાઠાકાલ, ગુજરાત સરકારની મદદથી ભો.જે વિદ્યાભવન વતી ડો.રામજીભાઈ સાવલિયાએ પુનઃપ્રકાશિત કરેલા રમણલાલ ક. ધારૈયા દ્વારા લખાયેલા આ પ્રકણની વિગતો છે.