[:gj]મોમીનખાનને ગુજરાતનો સૂબેદાર બનાવવા મરાઠાઓએ મદદ કરી 50 લાખ ખંડણી [:]

The Marathas helped make Mominakhan a subedar of Gujarat

[:gj]મરાઠાઓની ગુજરાતમાં લૂંટ – ભાગ 7

શિવાજી જયંતીએ ઇતિહાસનું પાનું

અમદાવાદમાં મરાઠાઓનો વહીવટ

ઉમાબાઈએ દામાજીને દખ્ખણમાં બોલાવતાં એનો મદદનીશ રંગોજી ગુજરાતના ઉપસુકાની તરીકે નિયુક્ત થયો એટલે મરાઠી આધિપત્ય ગુજરાતમાં ટકાવી રાખવાની જવાબદારી એને શિરે આવી હતી. એણે આશરે ૧૫ વર્ષ સુધી સુંદર રીતે આ કામગીરી બજાવી. મરાઠાઓમાં કંથાજી કદમ પછીનો ગુજરાતમાંનો એ સૌથી કાબેલ સુકાની હતો. ખંભાતનો સૂબેદાર મોમીનખાન ગુજરાતનો સૂબેદાર બનવા માગતો હતો. મરાઠાઓની સહાય વગર આ શક્ય ન હતું એટલે એણે રંગોજી સાથે સમજૂતી કરી હતી. જે અનુસાર મરાઠા પોતાને ગુજરાતનો સૂબેદાર બનાવવામાં સહાય કરે તેના બદલામાં મોમીનખાને અડધું અમદાવાદ મરાઠાઓને સુપરત કરવાનું, તથા ગુજરાત – સૌરાષ્ટ્રના તમામ પ્રદેશોમાંથી ચોથ-આવકનો ચોથો ભાગ ખંડણી  ઉઘરાવવાનો મરાઠાઓનો હક માન્ય રાખવાનું સ્વીકાર્યું હતું. ત્યારબાદ મોમીનખાન અને મરાઠાઓના

સંયુક્ત લશ્કરોએ અમદાવાદ પર આક્રમણ કર્યું હતું. રતનસિંહ ભંડારીએ આશરે દસ માસ સુધી અમદાવાદનો બચાવ કર્યો હતો. ત્યારબાદ સતત આક્રમણો સામે ટકવું અશક્ય લાગતાં એ નાસી છૂટ્યો અને અમદાવાદ મોમીનખાન હરતક આવ્યું. સમજૂતીની શરત અનુસાર મોમીનખાને દક્ષિણ અમદાવાદ મરાઠાઓને સુપરત કર્યું (૧૭૩૭). એક – બે અપવાદો  સિવાય આશરે ૧૬ વર્ષ (૧૭૫૩) સુધી અમદાવાદમાં મુઘલ સૂબેદાર અને મરાઠા સરદારનું સંયુક્ત શાસન ચાલું રહ્યું હતું. રંગોજીએ અમદાવનાદનો વહીવટ એકંદરે ડહાપણપૂર્વક કર્યો તથા સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ઘણા ખરા પ્રદેશોમાંથી ચોથ-આવકનો ચોથો ભાગ ખંડણી  ઉઘરાવી મરાઠાઓની ધાક બેસાડી; જોકે ૧૭૪3માં મોમીનખાનના મૃત્યુ બાદ ગુજરાતના સૂબેદાર પદ માટે મુઘલ સરદારો વચ્ચે થયેલ સંઘર્ષમાં રંગોજીનો પરાજય થયો અને એને ટૂંક સમય માટે બોરસદ નાસી જવું પડ્યું હતું. પરંતુ ત્યાર પછી તરત જ ૧૭૪૪માં પાટણના સૂબેદાર જવાંમર્દખાનને એણે ગુજરાતનું સૂબેદારપદ મેળવવામાં સહાય કરતાં, રંગોજીનું સ્થાન ફરી પૂર્વવત્ બન્યું, જે એણે ૧૭૪૮માં દખ્ખણ પાછા ફરતાં સુધી ભોગવ્યું હતું. આમ આશરે ૧૫ વર્ષ સુધી ગુજરાતના રાજકારણમાં સક્રિય ભાગ ભજવીને રંગોજીએ ગુજરાતમાં દઢ રીતે મરાઠાઓનું વર્ચસ સ્થાપ્યું હતું.

ગાયકવાડ અને પેશવા વચ્ચે ગુજરાતની આવકની વહેંચણી

૧૭૪૯માં શાહૂનું અવસાન થતાં દખ્ખણના મરાઠા રાજકારણમાં ફરી એક પલટો આવ્યો. તારાબાઈ પેશવાને ગાદી પરથી ખસેડીને પોતાના પૌત્ર રામરાજાને ગાદીનશીન કરવા માગતી હતી. આ માટે તેણીએ દમાજી ગાયકવાડની સહાય માગી હતી. પોતાના પૂર્વજોની માફક દમાજીને પણ મરાઠા રાજ્ય પરનું બ્રાહ્મણ (પેશવાઈ) આધિપત્ય ખૂંચતું હતું એટલે એ તારાબાઈને સહાય કરવા ૧૫,૦૦૦ના લશ્કર સાથે સતારા પહોંચ્યો હતો. બંનેનાં સંયુક્ત લશ્કરોએ પેશવા બાલાજી વિશ્વનાથ પર આક્રમણ કર્યું હતું પરંતુ એમનો પરાજ્ય થયો. પેશવાએ દમાજીને વિશ્વનાથ પર આક્રમણ કર્યું, પરંતુ એમનો પરાજ્ય થયો. પેશવાએ દમાજીને ગુજરાતની આવકનો અર્ધો ભાગ પોતાને આપવા ભારે દબાણ કર્યું હતું. પરંતુ દમાજીએ એનો ઇન્કાર કરતાં પેશવાએ દમાજી અને એના ભાઈને લોણાવાલા પાસેના લોહગઢના કિલ્લામાં નજરકેદ રાખ્યા હતા. દસ મહિનાની કેદ બાદ પેશવા બાલાજીની શરતો સ્વીકારીને દમાજીએ છુટકારો મેળવ્યો હતો.

બંને વચ્ચે થયેલી સમજૂતી અનુસાર સુરત મહાલના તાપી નદીની પૂર્વ અને પશ્ચિમ બાજુનાં ૨૮ પરગણાં, નર્મદા અને મહી વચ્ચેનાં પરગણાં તથા મહી નદીના ઉત્તરના પ્રદેશો – પેટલાદ , નડિયાદ , ધોળકા વગેરેમાંથી ચોથ-આવકનો ચોથો ભાગ ખંડણી  ઉઘરાવવાનો ગાયકવાડનો હક ચાલુ રહ્યો હતો. આ બધાની ચોથ-આવકનો ચોથો ભાગ ખંડણી ની વાર્ષિક આવક આશરે રૂ. ૨૪,૭૨, 000 થતી હતી , જ્યારે સુરત મહાલના તાપી નદીની ઉત્તર અને દક્ષિણ બાજુનાં ૨૮ પરગણાં , ભરુચ , ડભોઈ , આમોદ , જંબુસર વગેરેના પ્રદેશો તથા મહી નદીની ઉત્તર બાજુના ગોધરા , ધંધુકા તથા વીરમગામ સધીના પ્રદેશોમાંથી ચોથ-આવકનો ચોથો ભાગ ખંડણી  ઉઘરાવવાનો પેશવાનો હક માન્ય કરવામાં આવ્યો હતો. આ બધાની ચોથ-આવકનો ચોથો ભાગ ખંડણી ની વાર્ષિક આવક આશરે રૂ .૨૪,૬૮,000 થતી હતી . ‘ વળી હજું સુધી મરાઠાઓની અસર નીચે નહિ આવેલા ગુજરાતના પ્રદેશો તથા સૌરાષ્ટ્રના સોરઠ હાલાર , ગોહિલવાડ તથા ઝાલાવાડના મહાલો પર પ્રતિવર્ષ મુલકગીરી ચડાઈ મોકલવા નક્કી કરવામાં આવ્યું હતું. મુલકગીરી – ચડાઈ માટેના પ્રદેશ નિશ્ચિત કરવામાં આવ્યા તથા એ માટે ગાયકવાડ અને પેશવાનાં ક્ષેત્ર પણ નક્કી કરવામાં આવ્યાં હતા.

(ક્રમશઃ) 8

નોંધ – ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃત્તિક ઇતિહાસ – મરાઠાકાલ, ગુજરાત સરકારની મદદથી ભો.જે વિદ્યાભવન વતી ડો.રામજીભાઈ સાવલિયાએ પુનઃપ્રકાશિત કરેલા રમણલાલ ક. ધારૈયા દ્વારા લખાયેલા આ પ્રકણની વિગતો છે.[:]