મરીન નૅશનલ પાર્ક અને મરીન સેન્ક્ચ્યુરીમાં 498 ડૉલ્ફિન છે

Marine National Park and Marine Sanctuary has 498 dolphins, समुद्री राष्ट्रीय उद्यान और समुद्री अभयारण्य में 498 डॉल्फ़िन हैं
ઑક્ટોબર 2024
ગુજરાતમાં કચ્છથી ભાવનગર સુધીના દરિયાકિનારાને ‘ડૉલ્ફિનના ઘર’ તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતમાં ડૉલ્ફિનની સંખ્યામાં વધારો જોવા મળ્યો હોવાનો સરકાર દાવો કરી રહી છે.

વનવિભાગે હાથ ધરેલી ડૉલ્ફિન ગણતરી 2024ના આંકડા અનુસાર 4,087 ચોરસ કિમીના દરિયાકિનારાના વિસ્તારમાં અંદાજે 680 ડૉલ્ફિન જોવા મળી છે.

ગુજરાતના દરિયાકાંઠાના પાણીમાં ઇન્ડિયન ઓશન હમ્પબૅક ડૉલ્ફિન પણ જોવા મળે છે.

ગુજરાતમાં ડૉલ્ફિનની સંખ્યા વધારવા માટે વનવિભાગ દ્વારા માછીમારોને જાગૃત કરવા અંગે તેમજ અન્ય પ્રયત્નો કરવામાં આવ્યા હતા.

જોકે, ડૉલ્ફિન એ માછીમારોને દરિયાના ઊંડાણમાં માછલીઓ પકડવા માટે ખૂબ જ મદદરૂપ થાય છે. આથી ગુજરાતના માછીમારો ડૉલ્ફિનને મારતાં કે પકડતાં નથી, તેને પૂજનીય માને છે.

જેઠાભાઈએ જણાવ્યું, “ડૉલ્ફિન માછલી અમારા માટે પૂજનીય છે. માછીમારો દરિયામાં ઊંડા પાણીમાં માછલીઓ શોધવા માટે જાય છે ત્યારે ડૉલ્ફિન માછલી ખૂબ જ ઉપયોગી નીવડે છે. ડૉલ્ફિન માછલી ક્યારેય એકલી હોતી નથી.”

તેમના કહેવા પ્રમાણે, “ડૉલ્ફિનની સાથે અન્ય માછલીઓ જૂથમાં ફરતી હોય છે. અન્ય માછલીઓ ઉપર દેખાતી નથી. ડૉલ્ફિન માછલી રમતી કૂદતી સપાટી પર દેખાય છે. જેથી ડૉલ્ફિન માછલીને આધારે જાળ કે દોરડું નાખવામાં આવે છે. જેનાથી માછીમારોને સારા પ્રમાણ માછલીઓ મળે છે.”

તેઓ વધુમાં કહે છે, “ઊંડા પાણીમાં રહેતી ટુના માછલી 50થી 60 કિલોગ્રામની હોય છે. ડૉલ્ફિન સાથે ટુના માછલીઓ ફરતી હોય છે. ડૉલ્ફિનના આધારે ટુના માછલી શોધવામાં સરળતા રહે છે. માત્ર ટુના માછલી જ નહીં પણ અન્ય માછલીઓ શોધવા માટે પણ ડૉલ્ફિન મદદરૂપ થાય છે.”

જોકે, ડૉલ્ફિનથી માછીમારોને સાચવવાનું પણ હોય છે. ડૉલ્ફિનની પાંખ મોટી હોય છે. જો તે પાંખ નાની હોડી સાથે અથડાય તો હોડીને પણ નુકસાન પણ થતું હોય છે.

માછીમારીનો વ્યવસાય કરનાર મનુભાઈ ટંડેલ કહે છે, “ડૉલ્ફિનથી અમને ખૂબ જ પ્રેમ છે. સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો તે પહેલાં પણ અમે ડૉલ્ફિન પકડતા નહોતા. ડૉલ્ફિન ભૂલથી અમારી જાળમાં ફસાઈ જાય તો અમે જાળ ફાડી નાખીને પણ ડૉલ્ફિનને બચાવીએ છીએ. ડૉલ્ફિન માછલી દરિયામાં અમને ખૂબ જ મદદ કરે છે.”

કચ્છ પશ્ચિમ વિભાગના નાયબ વનસંરક્ષક યુવરાજસિંહ ઝાલાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યુ હતુ કે “કચ્છના દરિયા વિસ્તારમાં છીછરું પાણી છે, જેને કારણે ડૉલ્ફિન પર નભતી મોટી માછલીઓ શિકાર માટે આ વિસ્તારમાં આવતી નથી. આથી ડૉલ્ફિન માછલીને તેના પ્રજનન માટે અને તેનાં બચ્ચાંના ઉછેર માટે ખૂબ જ સાનુકૂળ વાતાવરણ મળતું હોય છે.”

તેમણે કહ્યું હતું કે, “ડૉલ્ફિનના સંરક્ષણ અને તેની સંખ્યા વધે તે માટે વનવિભાગ દ્વારા લોકોને જાગૃત કરવામાં આવ્યા છે. વિવિધ પ્રયત્નોને કારણે ડૉલ્ફિનની સંખ્યામાં વધારો ઉત્તરોત્તર વધારો જોવા મળ્યો છે.”

ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ વિભાગની પ્રેસનોટમાં આપેલી માહિતી અનુસાર, કચ્છના અખાતના દક્ષિણ ભાગમાં આવેલા મરીન નૅશનલ પાર્ક અને મરીન સેન્ક્ચ્યુરીના ઓખાથી નવલખી સુધી વિસ્તરેલા 1384 ચોરસ કિમીના વિસ્તારમાં સૌથી વધુ અંદાજે 498 ડૉલ્ફિન છે.

કચ્છના અખાતના ઉત્તર તરફના ભાગમાં કચ્છ વર્તુળ હેઠળના 1,821 ચોરસ કિમીમાં 168 ડૉલ્ફિન, જ્યારે ભાવનગરના 494 ચોરસ કિમીના દરિયાકિનારામાં 10 ડૉલ્ફિન તેમજ મોરબીના 388 ચોરસ કિમીમાં 4 ડૉલ્ફિન જોવા મળી છે. આમ કુલ મળીને 4,087 ચોરસ કિમીના દરિયા વિસ્તારમાં અંદાજે 680 ડૉલ્ફિન જોવા મળી છે.

ડૉલ્ફિન અંગે વધુ વિગતો આપતા રાજ્યકક્ષાના વન અને પર્યાવરણમંત્રી મુકેશ પટેલે પ્રેસનોટમાં જણાવ્યું હતું કે “ગુજરાતના દરિયાકાંઠાના પાણીમાં ઇન્ડિયન ઑશન હમ્પબૅક ડૉલ્ફિન જોવા મળે છે. હમ્પબૅક ડૉલ્ફિન વધારે પ્રમાણમાં અરબી સમુદ્રમાં મળી આવે છે. તેને વિશિષ્ટ ખૂંધ અને વિસ્તરેલી ડોર્સલ ફિન એટલે કે પૂંછડીથી ઓળખી શકાય છે. ડૉલ્ફિન તેના મૈત્રીપૂર્ણ અને જિજ્ઞાસુ સ્વભાવ માટે જાણીતી છે. ડૉલ્ફિન ઘણી વાર લહેરોમાં કૂદતી અને રમતી જોવા મળે છે. તેનું શરીર આકર્ષક અને મોઢાનો આકાર ‘બોટલ’ જેવો હોવાથી તેને સરળતાથી ઓળખી શકાય છે.”

નોંધનીય છે કે ભારતનું રાષ્ટ્રીય જળચર પ્રાણી ‘ગંગા ડૉલ્ફિન’ છે. ભારત સરકારે 5 ઑક્ટોબર, 2009ના રોજ ડૉલ્ફિનને ભારતના ‘રાષ્ટ્રીય જળચર પ્રાણી’ તરીકે જાહેર કરી છે.

વેરાવળ ભીડિયા ખારવા સમાજ બોટ ઍસોસિયેશનના પ્રમુખ રમેશભાઈ દાલકીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, “ઊંડા પાણીની માછલીઓ પકડવા માટે ડૉલ્ફિનની પાછળ ‘હોપ ફિશિંગ’ કરવામાં આવે છે. જેમાં ડૉલ્ફિન માછલી નીકળે એટલે તેની પાછળ જાળ નાખવામાં આવે છે. આ જાળમાં ટુના માછલી આવી જાય છે.”

ફિશિંગ પદ્ધતિઓ અંગે વાત કરતાં રમેશભાઈ જણાવે છે કે “ગુજરાતમાં ઊંડા દરિયામાં મુખ્ય 4થી 5 પ્રકારની પદ્ધતિથી ફિશિંગ કરવામાં આવે છે.”

ટ્રૉલિંગ ફિશિંગમાં ઊંડા દરિયામાં જાળ નાખવામાં આવે છે. તેને બોટ સાથે બાંધીને ખેંચવામાં આવે છે. તેમાં માછલીઓ આવે છે. નેટ ફિશિંગમાં જાળી દરિયામાં નાખીને તેને બોટ સાથે બાંધીને રાખી મૂકવામાં આવે છે. ખેંચવામાં આવતી નથી. નક્કી કરેલા સમયે તેને ખેંચી લેવામાં આવે છે.
આ ઉપરાંત લાઇન ફિશિંગ પણ થાય છે જે ખૂબ જ જોખમી છે. આ ફિશિંગમાં દરિયામાં લાઇટ ઉતારીને પાણી ગરમ કરવામાં આવે છે. જેમાં માછલીઓ મરી જાય છે અને તેને જાળ નાખીને ખેંચી લેવામાં આવે છે. આ ફિશિંગમાં માછલીઓ સાથે નાનાં બચ્ચાં પણ મરી જાય છે. આ ફિશિંગને ‘રાક્ષસી ફિશિંગ’ પણ કહેવામાં આવે છે.
જોકે, તેમનો દાવો છે કે “આવું ગુજરાતમાં જોવા મળતું નથી. મહારાષ્ટ્ર રાજ્યમાં વધુ જોવા મળે છે. જોકે, સરકાર દ્વારા લાઇન ફિશિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.”