ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંયુક્ત બેઠક યોજાઇ હતી. સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, આજના આધુનિક યુગમાં ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાનું ખૂબ જ મહત્વ છે. ડિબેટમાં થતી ચર્ચાઓનો પ્રજા પર પ્રભાવ પડે છે અને તેની નાગરિકોના જનમાનસમાં પણ સકારાત્મક કે નકારાત્મક અસર થતી હોય છે. ડિબેટ પેનલના સભ્યો જ્યારે ભાજપાનો ચહેરો બનીને ડિબેટમાં ભાગ લે છે ત્યારે તેમની જવાબદારી અનેકગણી વધી જાય છે. ભાજપના કાર્યકરોને મીડિયાના માધ્યમ દ્વારા સંયમ, વિનમ્રતા, ગંભીરતાપૂર્વક, આત્મવિશ્વાસ સાથે સહજતાથી જનતા સમક્ષ કેન્દ્ર અને રાજ્યની લોકકલ્યાણકારી યોજનાઓની માહિતી વધુમાં વધુ નાગરિકો સુધી પહોંચાડવા અંગે વિવિધ મુદ્દે વિસ્તારપૂર્વક છણાવટ કરીને માર્ગદર્શન આપ્યું હતું.
વિજય રૂપાણીએ તેમના ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે, આજની સાંપ્રત પરિસ્થિતિમાં મીડિયા જગતનું એક અનેરું મહત્વ છે. પક્ષની નીતિ-રીતી, વિચારધારા, કાર્યપદ્ધતિ અને સરકારના કાર્યો લોકો સુધી પહોંચે છે. ભાજપા કાર્યકર્તા આધારિત રાજનૈતિક પાર્ટી છે, ભાજપાનો કાર્યકર્તા કોઈ વ્યક્તિ કે પરિવારને નહીં પણ રાષ્ટ્રવાદ, એક ભારત શ્રેષ્ઠ ભારતના વિચારને વરેલો છે, અને જમીની સ્તર ઉપર પક્ષને મજબૂત કરવા સદાય કાર્યશીલ રહે છે ત્યારે મીડિયાના માધ્યમ ઘ્વારા આપણે સૌ દ્વારા પક્ષની મજબૂત છબી ઉજાગર કરવાથી કાર્યકર્તાઓના ઉત્સાહ અને કાર્યક્ષમતામાં વધારો થાય છે.
આવતીકાલે તા.02-09-2020, બુધવારે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલના વરદ હસ્તે કોરોના મહામારીકાળ દરમિયાન ગુજરાત ભાજપાના કાર્યકર્તાઓએ કરેલ વિવિધ સેવકાર્યોની સંકલિત માહિતીની પ્રદેશ ભાજપાની ‘ઇ-બુક’નું લોકાર્પણ કરવામાં આવશે.