કચ્છના ભૂજ શહેરમાં આવેલી સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટમાં કૉલેજની છાત્રાઓના કપડાં ઉતારીને તેમના માસિક ધર્મ અંગે તપાસ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે છાત્રાઓએ વિરોધ નોંધાવ્યો હતો. આ મામલે સંચાલકોએ છાત્રાઓ પર દબાણ લાવીને આખો મામલો દબાવવાનો પ્રયાસ કર્યો છે. બીજી તરફ છાત્રાઓની માંગણી છે કે આ મામલે સંચાલકો સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે. છાત્રાઓના કહેવા પ્રમાણે તેમને કોલેજ અને હોસ્ટેલમાંથી કાઢી મૂકવાની પણ ધમકી આપવામાં આવી છે. સાથે જ એવી પણ ધમકી આપવામાં આવી હતી કે આવી રીતે ભવિષ્યમાં પણ તપાસ કરવામાં આવશે. જો કોઈને મંજૂર ન હોય તો કૉલેજ કે હૉસ્ટેલ છોડીને જઈ શકે છે.
કૉલેજની વિદ્યાર્થિનીઓના માસિક ધર્મની તપાસ છાત્રાઓના આક્ષેપ પ્રમાણે બુધવારે તેમને ચાલુ ક્લાસમાંથી બહાર પેસેજમાં બેસાડવામાં આવી હતી. જે બાદમાં માસિક ધર્મ અંગે પૂછપરછ કરીને એક પછી એક વિદ્યાર્થિનીને વોશરૂમમાં લઈ જઈને તેમની તપાસ કરવામાં આવી હતી.