વેબિનારમાં વાઇબ્રન્ટ ગુજરાતની પાર્થિવ/અગોચર ધરોહર તેમજ પર્યટનની તકો પર પ્રકાશ પાડવામાં આવ્યો
ભારત સરકારના પર્યટન મંત્રાલય દ્વારા દેખો અપના દેશ વેબિનાર શ્રેણી અંતર્ગત 1 ઑગસ્ટ 2020ના રોજ “ગુજરાતમાં હેરિટેજ પર્યટન” શીર્ષક સાથે વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત રાજ્યમાં પ્રાચીન પુરાતત્વીય સ્થળોથી માંડી મનોરમ્ય મધ્યકાલીન સ્મારકોથી માંડીને આશ્ચર્યજનક આધુનિક સ્થાપત્યો સુધીની આકર્ષક અને વૈવિધ્યપૂર્ણ ધરોહર વિશે રજૂઆત કરવામાં આવી હતી.
ગુજરાતના હેરિટેજ પર્યટન સંગઠનના સચિવ શ્રી રણજિતસિંહ પરમાર તેમજ લેખક, ટ્રાવેલ લેખક અને ભોજન સમીક્ષક શ્રી અનિલ મૂલચંદાની દ્વારા રજૂ કરવામાં આવેલા આ વેબિનારમાં ગુજરાતમાં પર્યટનની વિવિધ પ્રોડક્ટ્સ જેમકે, સુંદર કિલ્લા, મહેલો, હવેલીઓ અને હેરિટેજ હોટેલોમાં રૂપાંતરિત કરવામાં આવેલી અથવા હોમ સ્ટે તરીકે ખોલવામાં આવેલી અન્ય ઐતિહાસિક સંપત્તિઓ વિશે જાણકારી આપવામાં આવી હતી. રજૂઆતકર્તાઓએ અંદાજે 1600 કિમી લંબાઇ ધરાવતા ભારતના પશ્ચિમ પ્રદેશમાં આવેલા ગુજરાતના દરિયાકાંઠાએ કેવી રીતે વેપારીઓ, પ્રવાસીઓ, વિસ્થાપિતો અને આશ્રિતોને પ્રાચીન સમયથી અત્યાર સુધીમાં આકર્ષિત કર્યા છે તે અંગે માહિતી આપી હતી. રજૂઆતકર્તાઓએ ગુજરાતની પાર્થિવ અને અગોચર ધરોહર તેમજ હેરિટેજ હોટેલો, હોમસ્ટે, સંગ્રહાલયો, જીવનશૈલીને લગતા કાર્યક્રમોના સ્થળો અને રાજ્ય દ્વારા પૂરાં પાડવામાં આવતા ફિલ્મના શૂટિંગના સ્થળોના ભંડાર વિશે માહિતી આપી હતી. દેખો અપના દેશ વેબિનાર શ્રેણી એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત ભારતની ભવ્ય વિવિધતાને લોકો સમક્ષ રજૂ કરવા માટેનો એક પ્રયાસ છે અને તે અંતર્ગત સતત વર્ચ્યુઅલ પ્લેટફોર્મની મદદથી એક ભારત શ્રેષ્ઠ ભારતની લાગણીનો પ્રસાર કરવામાં આવે છે.
કિર્તીમાન ગુજરાતને સંખ્યાબંધ પ્રાચીન શહેરી અવશેષો, મહેલો, કિલ્લા અને મકબરાનું ઘર ગણવામાં આવે છે, જે પ્રાચીન સમયમાં અહીં શાસન કરનારા સંખ્યાબંધ રાજવંશોના સોનેરી યુગના પુરાવા રૂપે આજે પણ અડીખમ છે. સ્થાપના સમયથી જ, ગુજરાતની ભૂમિ પર સંખ્યાબંધ રાજવંશો, આક્રમણકારો અને વેપારીઓનું શાસન રહ્યું છે. ગુજરાતનો ભૂતકાળ તેના વર્તમાન પ્રદેશોનો હિસ્સો છે, જેના પૂરાવા દેશભરમાં પથરાયેલા પ્રાચીન અને ઐતિહાસિક અવશેષોમાં મળી આવે છે.
ગુજરાત રાજ્યમાં પ્રાચીન સિંધુ ખીણની સંસ્કૃતિ જેમકે લોથલ, ધોળાવીરા અને ગોળા ધોરો વગેરેની કેટલીક જગ્યાઓ આવેલી છે. લોથલને દુનિયાના સૌથી પ્રાચીન સમુદ્રી બંદરમાંથી એક માનવામાં આવે છે. ગુજરાતના દરિયાકાંઠાના શહેરો, ખાસ કરીને ભરૂચ અને ખંભાત, મૌર્ય અને ગુપ્ત શાસનકાળમાં અને પશ્ચિમી ક્ષત્રપ યુગમાં શાહી શક રાજવંશના સમયમાં મુખ્ય બંદરો અને વ્યાપારી મથકો તરીકે ઉપયોગમાં લેવાતા હતા.
1660ના દાયકામાં, ડચ, ફ્રેન્ચ, અંગ્રેજ અને પોર્ટુગીઝ આ બધાએ પશ્ચિમી દરિયાકાંઠો ધરાવતા આ પ્રદેશમાં પોતાના પાયા સ્થાપિત કર્યા હતા. ગુજરાતમાં આવનાર સૌથી પહેલા યુરોપીયન શાસકો પોર્ટુગિઝ હતા અને દીવની લડાઇ પછી, તેમણે દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી સહિત ગુજરાતના દરિયાકાંઠે આવેલા કેટલાક વિદેશી થાણાં પર કબજો કર્યો હતો. આ વિદેશી થાણાંઓ પર પોર્ટુગિઝો દ્વારા ભારતમાં 450 વર્ષથી વધુ સમય સુધી એક જ ભૂપ્રદેશ તરીકે વહીવટીશાસન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 19 ડિસેમ્બર, 1961ના રોજ સૈન્યએ વિજય મેળવ્યા પછી તેને પ્રજાસત્તાક ભારતમાં સમાવવામાં આવ્યા હતા.
આ વેબિનારમાં રાજસ્થાન સાથે સરહદ જોડતા ઉત્તર ગુજરાતમાં સ્થાપત્યોના નૂમનાથી શરૂઆત કરીને, સુંદર વાવો, તળાવો, સંગ્રહ માળખું, રાણી કી વાવ, પાટણ, કુંભારિયા, જૈન મંદિરો વગેરેમાં ગુજરાતની ધરોહરના વિવિધ પાસાઓ વર્ચ્યુઅલ માધ્યમથી દર્શાવવામાં આવ્યા હતા. રાણી કી વાવ 11મી સદીમાં બાંધવામાં આવેલી વાવ છે, જેને યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળ તરીકે જાહેર કરવામાં આવી છે.
જો સ્થાપત્યની વાત કરીએ તો, 11 અને 12મી સદીમાં સોલંકી રાજવંશના શાસન દરમિયાન ગુજરાત તેના સોનેરી તબક્કામાં પ્રવેશ્યું હતું. આ રાજવંશના શાસકોએ જિંજવાડા અને ડભોઇ ખાતે કિલ્લા અને મહેલોનું નિર્માણ કર્યું હતું, તેમજ કલાત્મક નક્શીકામ કરેલા વિરાટ પ્રવેશદ્વારો પણ તૈયાર કરાવ્યા હતા. ઉપરાંત, અહીં દેશના કેટલાક શ્રેષ્ઠ હિન્દુ મંદિરો પણ આવેલા છે, જેમાં સિદ્ધપુર ખાતે આવેલું રુદ્રમલય, મોઢેરા ખાતે આવેલું સૂર્ય મંદિર, પાલીતાણા, તારંગા, ગિરનાર, માઉન્ટ આબુ અને કુંભરિયાજીમાં આવેલા જૈન દેરાસરો વગેરે પણ સામેલ છે. ખાસ કરીને આ સમયમાં દેખીતી રીતે નોંધી શકાય તેવી વિશેષતા પાણીના સંગ્રહ માટે વિવિધ માળખાઓ જેમ કે વાવ, કુંડ અને તળાવનો વિકાસ ગણી શકાય. આ પ્રદેશમાં પાણીના મર્યાદિત સ્રોતોને ધ્યાનમાં રાખીને તેના સંગ્રહ માટે આવા માળખા ઉભા કરવામાં આવ્યા હતા. વાવોમાં નીચે ઉતરવાના પગથિયાઓની બંને બાજુની દિવાલો ભાત અને મૂર્તિની સુંદર કોતરણી કરેલા પથ્થરોમાંથી બાંધવામાં આવેલી છે. આ દિવાલો પર દુર્ગામાતા અને ભગવાન વિષ્ણુના અવતારો પણ કોતરેલા જોવા મળે છે. વાવની નજીકમાં જ સહસ્ત્ર લિંગ તળાવનું નિર્માણ કરેલું છે, જે એક કૃત્રિમ તળાવ છે અને તેની આસપાસમાં શિવજીના એક હજાર લિંગ સ્થાપિત કરેલા છે.
સાબરમતી નદીના કાંઠે ઇ.સ. 1411માં સુલતાન અહેમદ શાહે અમદાવાદના કોટ વિસ્તારની સ્થાપના કરી હતી, જેને હવે યુનેસ્કોએ વિશ્વ ધરોહર સ્થળ તરીકે જાહેર કર્યું છે.
સુલતાન પહેલાના સમય અને સુલતાનના શાસનકાળ દરમિયાન તેના મજબૂત શહેરી સ્થાપત્ય અને બાંધકામના કારણે તે ઘણું ઐતિહાસિક મહત્વ ધરાવે છે. સુલતાનના સમયમાં ઉભા કરવામાં આવેલા સ્થાપત્યોમાં આ ઐતિહાસિક શહેરની બહુ સાંસ્કૃતિક લાક્ષણિકતાનો અનન્ય સમન્વય તેના સ્મારકોમાં ઝળકી આવે છે. આ ધરોહરો અન્ય ધાર્મિક ઇમારતોમાં અંકિત કરેલી પૂરક પરંપરાઓ સાથે સંકળાયેલી છે અને જૂના શહેર વિસ્તારોમાં વિશિષ્ટ “હવેલી”, “પોળ” અને ખડકી જેવી મુખ્ય રચનાઓ આવેલી છે, જે ભવ્ય સ્થાનિક કાષ્ટકલાના સ્થાપત્યોથી સમૃદ્ધ છે. આ રચનાઓ સામુદાયિક સંગઠનની અભિવ્યક્તિ તરીકે રજૂ કરવામાં આવે છે, કારણ કે, તેમાં અમદાવાદની શહેરી ધરોહરનું અભિન્ન ઘટક એકીકૃત છે. અમદાવાદમાં 1980માં સ્વામીનારાયણ મંદિર, ડોડિયા હવેલી, ફર્નાન્ડિઝ પુલ, જામા મસ્જિદ વગેરે કેટલાક આકર્ષણો સાથે હેરિટેજ વૉકની પરિકલ્પના કરવામાં આવી હતી.
ગુજરાતમાં અન્ય મહત્વપૂર્ણ પુરાતત્વીય મહત્વ ધરાવતા સ્થળોમાં લોથલ, રજવાડાના શહેરો, નગરો, કિલ્લા, જૈન ધર્મના પવિત્ર શિખરો, દ્વારકામાં આવેલું રુક્ષમણીનું મંદિર, માંડવીનો મહેલ, પાલીતાણા, ધોળાવીરા, દ્વારકામાં ગોમતીનો ઘાટ, દરિયાકાંઠે આવેલું સુંદર સોમનાથ મંદિર, વડોદરાની ભવ્યતા અને રાજપીપળા, સંતરામપુર, લુણાવાડા, દેવગઢ બારિયા, છોટા ઉદેપુર, જાંબુઘોડા વગેરે સાથે પૂર્વ ગુજરાતના મહેલો કે, જેને હવે હોટેલોમાં રૂપાંતરિત કરવામાં આવ્યા છે અને મહેલોની ભવ્યતાનો અનુભવ મેળવી શકાય છે, વગેરે સામેલ છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી, બોટનિકલ ગાર્ડન, સફારી પાર્ક, લક્ષ્મીવિલાસ પેલેસ, ચાંપાનેર પણ અહીં અચૂક મુલાકાત લેવા લાયક સ્થળો છે. દક્ષિણ ગુજરાતમાં, યુરોપીયન ધરોહરની ઝાંખી જોવા મળે છે. ડચ ઇસ્ટ ઇન્ડિયા કંપની સુરતમાં વેપારી કેન્દ્રો ધરાવતી હતી. ગુજરાતની પ્રવાસ યાત્રામાં નવસારીમાં આવેલી પારસી ધરોહરો, અગિયારી અને વિવિધ પ્રકારની વાનગીઓ પણ સામેલ થઇ શકે છે.
વાઇબ્રન્ટ ગુજરાતના માધ્યમથી ગુજરાતમાં યોજાતા વિવિધ લોકમેળાઓ અને તહેવારોના રંગો પણ માણવા મળે છે, જેમાં ભવ્ય સાંસ્કૃતિક પરંપરાઓ અને વિવિધ વંશ તેમજ ધાર્મિક સમુદાયો સાથે સંકળાયેલી પરંપરાઓ જોવા મળે છે. અહીં ઉજવાતા મુખ્ય તહેવારોમાં ગણેશ ચતુર્થી, નવરાત્રી અને દીવાળી છે. 14 જાન્યુઆરીના રોજ વાર્ષિક પતંગ મહોત્સવની પણ ઉજવણી કરવામાં આવે છે. રબારીના ભરતકામમાં તૈયાર કરવામાં આવતા ભૌમિતિક આકારો અને પટોળા જેવા ભવ્ય વસ્ત્રો અને ડબલ વણાટની કામગીરી પણ અહીં અચૂક જોવા લાયક છે.
રજૂકર્તાઓએ અલગ-અલગ હવાઇમથકોએથી વિવિધ હેરિટેજ ગેટવેનું પણ સૂચન કર્યું હતું:-
હેરિટેજ ગેટવે- અમદાવાદ હવાઇમથકેથી
અમદાવાદ, દાંતા, હિંમતનગર, વિજયનગર, પાલનપુર, પોશીના, ખારાઘોડા, ઉટેલિયા
વડોદરા હવાઇમથકેથી
બાલાસિનોર, વડોદરા, કડવાલ, લુણાવાડા, સંતરામપુર, ચાંપાનેર, છોટા ઉદેપુર, જાંબુઘોડા, રાજપીપળા
રાજકોટ હવાઇમથકેથી
ગોંડલ, રાજકોટ, મોરબી, વાંકાનેર, જામનગર, મૂળી, સાયલા
ભાવનગર હવાઇમથકેથી
ભાવનગર, પાલિતાણા
ભૂજ/ કંડલાથી
ભૂજ, દેવપુર, માંડવી
રજૂકર્તાઓએ પર્યટકોને કેટલાક અલગ-અલગ પ્રકારના હોલિડે માણવા માટે પણ સૂચન કર્યું હતું:-
ફોર્ટ હોલિડે- ચાંપાનેર, રાજકોટ (ખીરાસરા), ગોંડલ, ભૂજ, અમદાવાદ
સ્ટેપવેલ હોલિડે- અમદાવાદ, ખારાઘોડા, મૂળી, સાયલા, વાંકાનેર
પુરાતત્વીય હોલિડે- ડાયનાસોર (બાલાસિનોર, લુણાવાડા, સંતરામપુર), લોથલ (ઉટેલિયા, ભાવનગર), ધોળાવીરા (ભૂજ)
પેલેસ હોલિડે- વડોદરા, બાલાસિનોર, લુણાવાડા, સંતરામપુર, છોટા ઉદેપુર, જાંબુઘોડા, રાજપીપળા, હિંમતનગર, પાલનપુર
ટેક્સટાઇલ હોલિડે – તે અમદાવાદ, વડોદરા, છોટા ઉદેપુર, જાંબુઘોડા, દાંતા, પોશીના, ભૂજ, દેવપુર, ખારાઘોડા, સાયલા, જામનગર, મૂળીની આસપાસમાં કેન્દ્રિત છે.
ગોલ્ફિંગ હોલિડે – વડોદરા, અમદાવાદ
પાકકળા હોલિડે – નવાબી ભોજનની શાહી પરિવારની રસોઇની પરંપરાઓ, મરાઠી ભોજન, કાઠિયાવાડી ભોજન, ગુજરાતી ભોજન.
ફેસ્ટિવલ હોલિડે- તરણેતર, રણોત્સવ, રવેચી, આદિવાસી ઉત્સવો
વિન્ટેજ કાર હોલિડે- ગોંડલ, વાંકાનેર, રાજકોટ
કળા અને ચિત્રકામ હોલિડે – વડોદરા, અમદાવાદ, જાંબુઘોડા, રાજપીપળા, ભૂજ, દેવપુર
અહીં રહેવા માટે શાહી મહેલ, હવેલીથી માંડીને ઐતિહાસિક હોમ સ્ટેમાં રોકાણ માટેના સંખ્યાબંધ ઉત્તમ વિકલ્પો ઉપલબ્ધ છે. અમદાવાદ, બાલાસિનોર, વડોદરા, કડવાલ, લુણાવાડા, સંતરામપુર, દાંતા, હિંમતનગર, વિજયનગર, ભૂજ, દેવપુર, ખારાઘોડા, સાયલામાં હોમ સ્ટેની સુવિધાઓ મળી રહે છે.
ગુજરાતની મુલાકાત લેતી વખતે આ શાસ્ત્રીય પ્રવાસ નોંધો પણ ધ્યાનમાં લઇ શકાય તેવી છે:-
સૌરાષ્ટ્ર/ કચ્છ – ભૂજ, દેવપુર
વડોદરા/ મધ્ય ગુજરાત
અમદાવાદ/ ઉત્તર ગુજરાત
સમગ્ર ગુજરાતમાં મોટાભાગના હેરિટેજ સ્થળો જેમાં ખાસ કરીને વડોદરા, ભાવનગર, ખીરાસરા (રાજકોટ)માં આવેલા મહેલ વગેરે MICE, લગ્ન સમારંભ અને સંખ્યાબંધ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમો માટે લોકપ્રિય સ્થળો છે. મુંબઇથી નજીક આવેલું હોવાથી ગુજરાતમાં ફિલ્મો, શોર્ટ ફિલ્મો, ટીવી શ્રેણીઓ, દસ્તાવેજી ફિલ્મો, રિયાલિટી શો, પ્રિ વેડિંગ શૂટ અને ફેશન શૂટ વગેરે માટે શૂટિંગના શ્રેષ્ઠ વિકલ્પો મળી રહે છે.
આ વેબિનારનું સમાપન કરતા અધિક મહા નિદેશક રુપિન્દર બ્રારે અલગ-અલગ સંસ્કૃતિઓ, સ્થાપત્યો અને હેરિટેજ રાજ્યોના ભોજનો માટે પર્યટનના અનુભવના મહત્વ પર ભાર મૂક્યો હતો.