ગુજરાતના ધોળાવીરાને આઇકોનિક સાઇટ તરીકે વિકસિત કરવામાં આવશે
લોથલમાં હડપ્પા સંસ્કૃતિને દર્શાવતું મેરિટાઇમ મ્યુઝિયમ વિકસાવવામાં આવશે
કેન્દ્રીય અંદાજપત્ર 2020-21માં પર્યટન ક્ષેત્રને રૂપિયા 2500 કરોડની ફાળવણીનો પ્રસ્તાવ
સાંસ્કૃતિક મંત્રાલય માટે રૂ. 3150 કરોડનો પ્રસ્તાવ
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેરિટેજ એન્ડ કન્જર્વેશનની સ્થાપના કરવામાં આવશે
નવી દિલ્હી, 01-02-2020
કેન્દ્રીય નાણાં અને વાણિજ્યિક બાબતોનાં મંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં નાણાકીય વર્ષ 2020-21 માટે કેન્દ્રીય અંદાજપત્ર રજૂ કર્યું હતું. જેમાં —-
ભારતને આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બંને પ્રકારના પર્યટકો માટે એક આકર્ષક સ્થળ બનાવવાના પ્રયાસરૂપે તેમણે પ્રવાસન ક્ષેત્ર માટે વર્ષ 2020-21માં રૂપિયા 2500 કરોડ ફાળવવાનો અંદાજપત્રમાં પ્રસ્તાવ મૂક્યો હતો. આ ઉપરાંત, નાણાં અને વાણિજ્યિક બાબતોનાં મંત્રીએ સાંસ્કૃતિક મંત્રાલય માટે રૂપિયા 3150 કરોડની ફાળવણીનો પણ પ્રસ્તાવ મૂક્યો હતો.
પુરાતત્વ – સંગ્રહાલય વિજ્ઞાન
સંગ્રહાલય વિજ્ઞાન અને પુરાતત્વ વિજ્ઞાનની વિદ્યાશાખાઓમાં સારી રીતે પ્રશિક્ષિત સંસાધાનો માટે નાણાંમંત્રીએ દેશમાં સૌપ્રથમ ભારતીય ધરોહર અને સંરક્ષણ સંસ્થાન સ્થાપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ સંસ્થાનને માનદ યુનિવર્સિટીનો દરજ્જો આપવામાં આવશે અને તેનું સંચાલન સાંસ્કૃતિક મંત્રાલયને આધીન રહેશે. તેમણે જણાવ્યું હતું કે, સંગ્રહાલય વિજ્ઞાન અને પુરાતત્વ વિજ્ઞાન જેવી વિદ્યાશાખાઓમાં જ્ઞાનનું ઉપાર્જન આવા નિષ્કર્ષોના વૈજ્ઞાનિક પૂરાવા એકત્ર કરવા, વિશ્લેષણ કરવા અને ઉચ્ચ સ્તરીય સંગ્રહાલયોના માધ્યમથી તેનો પ્રચાર અને પ્રસાર કરવા માટે આવશ્યક છે.
પર્યટન
વૈશ્વિક સ્તરે સારો ક્રમાંક પ્રાપ્ત કરવા તથા પર્યટન ક્ષેત્રે વધુ આવક પ્રાપ્ત કરવાની વાત પર પર પ્રકાશ પાડતા નાણાંમંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ 2014માં પર્યટન સ્પર્ધાત્મકતા સૂચકાંક (વિશ્વ આર્થિક મંચ)માં ભારતનું સ્થાન 65મું હતું જે 2019માં પ્રગતિ કરીને 34માં સ્થાને આવી ગયું છે. આ કારણે જાન્યુઆરીથી નવેમ્બર 2019ના સમયગાળા માટે વિદેશી હુંડિયામણની આવક રૂપિયા 1.75 લાખ કરોડથી વધીને રૂ. 1.88 લાખ કરોડ સુધી પહોંચી ગઇ છે. આ પ્રકારે 7.4 ટકાની વૃદ્ધિ થઇ છે.
8 નવા સંગ્રહાલયો
પર્યટનને પ્રોત્સાહન આપવા માટેના એક મુખ્ય પ્રયાસરૂપે નાણાંમંત્રીએ 8 નવા સંગ્રહાલયોની સ્થાપના કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. તેમાં 5 મુખ્ય પર્યટન સ્થળોની આસપાસમાં ઇમારતી માળખાકીય સુવિધાનો વિકાસ કરવાનું પણ સામેલ છે. આ ઉપરાંત, ભારતના વિવિધ ભાગોમાં આવેલા 5 મુખ્ય સંગ્રહાલયોનો કાયાકલ્પ કરવાનો પણ તેમણે પ્રસ્તાવ મૂક્યો છે.
કેન્દ્રીય નાણાંમંત્રીએ નીચે ઉલ્લેખિત પ્રસ્તાવો મૂક્યા છે:-
- નીચે ઉલ્લેખિત 5 પુરાતત્વ સ્થળોને સ્થાનિક સંગ્રહાલય સાથે પ્રતિમાત્મક સ્થળો તરીકે તૈયાર કરાશે/વિકસાવાશે:-
- રાખીગઢી (હરિયાણા)
- હસ્તિનાપુર (ઉત્તરપ્રદેશ)
- શિવસાગર (આસામ)
- ધોળાવીરા (ગુજરાત)
- આદિચનલ્લુર (તામિલનાડુ)
- જહાજ મંત્રાલય દ્વારા લોથલ, અમદાવાદમાં હડપ્પા યુગની સંસ્કૃતિને દર્શાવતા મેરિટાઇમ મ્યુઝિયમ સ્થાપના કરવામાં આવશે/વિકસાવાશે.
- કોલકાતા
- ભારતીય સંગ્રહાલય: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા જાન્યુઆરી 2020માં કરવામાં આવેલી જાહેરાત અનુસાર સૌથી જૂના ભારતીય સંગ્રહાલયનો જીર્ણોદ્ધાર કરાશે.
- ઐતિહાસિક જૂના ટંકશાળ ભવનમાં ચલણ વિષયક અને વ્યાપાર પર આધારિત એક સંગ્રહાલયની સ્થાપના કરાશે.
- રાંચી (ઝારખંડ)માં જનજાતીય સંગ્રહાલયની સ્થાપનામાં મદદ કરાશે.
- સમગ્ર દેશમાં વધુ 4 સંગ્રહાલયોનું નવીનીકરણ અને જીર્ણોદ્ધાર કરાશે.
પર્યટનમાં વૃદ્ધિને વિકાસ અને રોજગારી સાથે સીધો સંબંધ છે. રાજ્યોએ એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવી પડશે. મને આશા છે કે રાજ્ય સરકારો કેટલાક ચિહ્નિત સ્થળો માટે એક યોજના તૈયાર કરશે અને વર્ષ 2020-21 દરમિયાન આર્થિક યોજના પણ તૈયાર કરશે. તે અંતર્ગત વર્ષ 2020-21માં રાજ્યોને વિશેષ અનુદાન ઉપલબ્ધ કરાવવામાં આવશે.