150 કરોડની 600 દુકાનો વેચવામાં નડિયાદ પાલિકાએ ગોટાળા કર્યાં

૧૯૮૪ માં પાલિકા દ્વારા ૫૬૭ ભાડુઆતો પાસેથી વેચાણ દસ્તાવેજના રૂપિયા લીધા હતા. જેમાંથી ૨૭૯ દુકાનોના દસ્તાવેજ હજી પણ કરવાના બાકી છે. હવે તે ખાલી કરાવે છે.
નડિયાદ નગરપાલિકા હસ્તકની ૬૦૦ દુકાનો ખાલી કરાવી, તેનો કબજો લઈને નવેસરથી હરાજી કરવાની તૈયારી પાલિકા દ્વારા કરવામાં આવી છે. આ બાબતે દૂકાનદારોએ પાલિકાના સત્તાધીશો ઉપરાંત ધારાસભ્ય અને સાંસદને લેખિતમાં રજૂઆત કરીને દુકાનો ખાલી કરાવવાની કાર્યવાહી રદ કરવા અપીલ કરી છે. દુકાનદારો  દ્વારા ભાડું  લઈ, ભાડાપટ્ટો રિન્યુ કરી આપવાની સાથે નામફેર તથા દસ્તાવેજ કરી આપવા પણ માંગણી કરવામાં આવી છે.

 

નડિયાદ નગરપાલિકા ભાડુઆત સંગઠન દ્વારા આજે નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. પાલિકા આ દુકાનોનું બાકી ભાડું રૂબરૂ ન લેતી હોવાથી દુકાનદારો દ્વારા રજીસ્ટર પોસ્ટ દ્વારા ચેકથી ભાડાની બાકી રકમ મોકલી આપવામાં આવી હતી.

દુકાનદારોના જણાવ્યા અનુસાર વર્ષો જૂના ભાડુઆત હોવાથી  લાખો રૂપિયાની સુખડી (પગડી/ ડિપોઝિટ) આપવાની સાથે  પાલિકાએ વધારે વાર્ષીક ભાડું, મ્યુનિસિપલ ટેક્સ, વ્યવસાય વેરો, શોપએક્ટ લાઇસન્સની ફી, જીએસટી અને ઇન્કમટેક્સની નિયમિત ચુકવણી કરી છે. હાલમાં પાલિકા દ્વારા નવી હરાજી થી દુકાનદારોને સુખડીની રકમ પરત આપ્યા વગર નવેસરથી દુકાનો ભાડે આપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જેને લઈને દુકાનદારો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.

દુકાનદારોના જણાવ્યા અનુસાર  આ ઉપરાંત પાલિકા દ્વારા તાજેતરમાં શેરકંડ તળાવ ઉપર આવેલી દુકાનો તોડી પાડવામાં આવ્યા બાદ હાઇકોર્ટના હુકમનું પાલન કરીને દુકાનદારોને કોઈ મદદ કરવામાં આવી નથી.

નડિયાદ નગરપાલિકા ભાડુઆત સંગઠન દ્વારા ઠરાવ રદ્દ કરીને નવો ઠરાવ કરી, દુકાનોના ભાડાપટ્ટા તથા નામ ફેરની કાર્યવાહી માટે જરૂરી ૬૫ (૨) ની પરમિશન મેળવી તથા નામફેર કરી અને ૨૭૯ બાકી દસ્તાવેજો કરી આપી હાઇકોર્ટના હુકમનું પાલન કરવા રજૂઆત કરવામાં આવી છે.