મહેશ પંડ્યા*/એપ્રિલ 22, 2016
ગુજરાતમાં ઉનાળાની ઋતુ શરુ થાય એટલે સૂકા ખેતરો, પલાયન કરતુ પશુધન અને આફતને સહન કરીને ઈશ્વરને મદદની આજીજી કરતા ખેડૂતો હવે, ભૂતકાળની વાત બની ગઈ છે બહુ આયામી જળ વ્યવસ્થાપન ક્ષેત્રે અનેક યોજનાઓ કાર્યાન્વિત કરીને રાજ્યના નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી અને સિંચાઈનું પાણી મળી રહે તે માટે મારી સરકાર અવિરત પ્રયાસો કરી રહી છે સરકારે પાણી માટે ભૂગર્ભ જળ પર બને તેટલો ઓછો આધાર રાખી શક્ય તેટલા સરફેસ વોટરનો ઉપયોગ થાય તેવો અભિગમ રાખ્યો છે .
ઉપરોક્ત વિધાન મહામહિમ ગુજરાતના રાજ્યપાલ શ્રી ઓ.પી. કોહલીએ ગુજરાત વિધાનસભાના ૨૨મી ફેબ્રુઆરી ૨૦૧૬ના રોજ આપેલ પ્રવચનનો હિસ્સો છે
મહામહિમ રાજ્યપાલશ્રીના મુખે રાજ્ય સરકારે જુઠ્ઠાણા બોલાવ્યા હોય તેવું ગુજરાત સરકારના ખુદની રજૂઆતોથી સ્પષ્ટ થાય છે. ખેડૂતોએ આજે પણ ઈશ્વરની મદદની આજીજી કરવી પડે છે એક વર્ષ વરસાદ ઓછો પડે તેમાં તમામ જળવ્યવસ્થાપનો પડી ભાંગે આ કેવો વહીવટ અને ગતિશીલ ગુજરાતની કેવી આવડત કહેવી ? મહામાહિમના આ ઉચ્ચારણોને આપ લોકોએ જ હવે યથાર્થતા ચકાસવાની છે.
મહામહિમ રાજ્યપાલશ્રીએ તેમના પ્રવચનમાં કહ્યું કે, સમગ્ર દેશમાં પ્રજાને ફ્લોરાઈડમુક્ત પાણી આપવામાં ગુજરાત પ્રથમ સ્થાને છે.
અહી પણ જે ગુજરાત સરકારે મહામહિમ રાજ્યપાલશ્રીને પ્રવચન લખી આપ્યું છે તે ગુજરાત સરકારે જ વિધાનસભામાં એકરાર કર્યો કે, ૧૫ માર્ચ,૨૦૧૬ની આઠમી અતારાંકિત યાદી વિધાનસભાના મેજ પર મુકવામાં આવી છે તેમાં ગુજરાતના કેટલાક જીલ્લાઓ ફ્લોરાઈડયુક્ત છે અને ફ્લોરાઈદનું પ્રમાણ વધારે છે તેવું સ્વીકાર્યું છે. સરકારે વિધાનસભાને આપેલ માહિતી મુજબ કચ્છ, ખેડા, મહિસાગર, મહેસાણ, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર વડોદરા, વલસાડ, સુરત, સુરેન્દ્રનગર, તાપી અને બોટાદ જિલ્લાઓમાં પીવાના પાણીમાં ટી.ડી.એસ.નું પ્રમાણ તેની મર્યાદા કરતા ઘણુંજ ઊંચું છે.
ટેન્કર ફ્રી ગુજરાતની વાતો કરતી આ સરકારે વિધાનસભામાં એકરાર કર્યો છે કે, છેલ્લા પાંચ વર્ષમાં બનાસકાંઠાના ૩૪૯ ગામો, ભરૂચમાં ૭૭ ગામો, ભાવનગર અને બોટાદના એક-એક ગામો, ડાંગના પાંચ ગામો, દેવભૂમિ દ્વારકાના ૪૧ ગામો, અમરેલીના ૧૯ ગામોમાં પીવાનું પાણી ટેન્કરોથી પહોચાડવામાં આવે છે. આ ઉપરાંત મોરબી, પાટણ, પોરબંદર, રાજકોટ, સુરત, સુરેન્દ્રનગર, તાપી, વલસાડ જિલ્લાઓમાં પણ કેટલાક ગામોમાં પીવાનું પાણી ટેન્કરો મારફતે પહોચાડાય છે.
સવાલ એ થાય કે, જ્યાં સૌથી વધારે વરસાદ પડે છે તેવા ડાંગ, સુરત, વલસાડ, નવસારી, તાપી જેવા ગામોઅમાં પણ કેમ હજુ સુધી પીવાના પાણીની કાયમી વ્યવસ્થાઓ થઇ નથી જેને કારણે ટેન્કરો પર આધાર રાખવો પડે છે.
સરકાર માહિતી છુપાવે છે
અતારાંકિત પ્રશ્નના જવાબમાં નદીઓનું પાણી બીજી નદીઓમાં નાખવામાં આવતા પાણી અંગે કેટલો વર્ષવાર ખર્ચ થયો તેના જવાબમાં સરકારશ્રીએ કહ્યું કે, યોજના બનાવવા પાછળ ખર્ચ થયેલ છે પરંતુ પાણી નાખવા પાછળ ખર્ચ થયેલ નથી. આમ, પારદર્શિતા, ગુડ ગવર્નન્સના મોડેલ રાજ્ય માહિતી કેમ છુપાવતું હશે. ? ખર્ચ અંગેની માહિતી આપવાનું ટાળ્યું.
વિધાનસભામાં તા. ૮ મી માર્ચના તારાંકિત પ્રશ્નના જવાબમાં ગુજરાત સરકારે અમરેલી જિલ્લામાં પીવાના પાણીની ગંભીર સમસ્યા નથી તેમ જણાવ્યું.
દાહોદ જીલ્લાના ગરબાડા તાલુકામાં આવેલ ઝારીબુર્જાગ ગાંગરડા તળાવ જે સિંચાઈ માટે કાર્યરત હતું તે ઘણા વર્ષથી બંધ હાલતમાં છે.
ગુજરાત ઈરીગેશન એન્ડ ડ્રેનેજ એક્ટ ૨૦૧૩ની કલમ ૩૪ મુજબ જો કેનાલથી ૨૦૦ મીટર સુધી ખાનગી બોર હશે તો પણ પાણીનો ચાર્જ લેવામાં આવશે.
છેલ્લા પાંચ વર્ષમાં મહેસાણા, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં કુલ ૩૫ વખત નર્મદા કેનાલ તૂટવાના બનાવો બન્યા છે. બનાસકાંઠા જિલ્લામાં નર્મદા કેનાલમાં વર્ષ-૨૦૧૪ અને વર્ષ-૨૦૧૫મ ૨૨ અને ૭ વખત ભંગાણ/ગાબડા પડ્યા જેનાથી ખેડૂતોના ઉભા પાક અને ખેતરોમાં પાણી ભરાઈ જવાથી થયેલ નૂકાશાનીમાં સરકાર દ્વારા સહાય કે વળતર આપવામાં આવેલ નથી
નાણામંત્રીએ કલ્પસર પ્રોજેક્ટના ફીઝીબીલીટી રિપોર્ટ તૈયાર કરાવવા પાછળ ૧૦૨ કરોડ રૂપિયા ફાળવ્યા છે છેલ્લા દસ વર્ષથી (પ્રીફીઝીબીલીટી અને હવે, ફીઝીબીલીટી) રિપોર્ટ બનાવાની વાત ચાલે છે હજુ એ ફીઝીબીલીટી રિપોર્ટ ના બનાવી શકનાર સરકારને કલ્પસર યોજનાને સાકાર કરતા કેટલો સમય લાગશે ? ગતિશીલ ગુજરાતની ગતિ ઉપર સવાલ થાય છે.
ભાડભૂત પરિયોજના જાન્યુઆરી-૨૦૧૩માં શરુ થઇ જશે તેવું વિધાનસભાના મેજ પર મુકવામાં આવેલ જવાબમાં કહેવામાં આવ્યું હતું. હજુ હવે, ૨૦૧૬-૧૭ના બજેટમાં ૫૦ કરોડ રૂપિયાની ભાડભૂત બેરેજ બનાવવા ફાળવ્યા છે.
આમ, કાનૂની કે લોક ચળવળોની કોઈ અડચણ નહિ હોવાછતાં પણ રાજ્ય સરકાર કલ્પસર અને ભાડભૂત બેરેજને મુદ્દે શિથિલતા દાખવીને લોકોને મૃગ જળ બતાવે છે. અહી કોઈ ગુજરાત વિરોધીઓ આડે નથી આવ્યા તો પછી વિલંબ શાને ?
સિંચાઈની પરિસ્થિતિ : છેલ્લા ચાર વર્ષ દરમિયાન થયેલ ખરેખર સિંચાઈની વિગતો (હેકટરમાં)
ઉપરોક્ત કોષ્ટક દ્વારા આપ જોઈ શકશો કે, ૨૦૧૧-૧૨ થી વર્ષ ૨૦૧૪-૧૫ વર્ષ દરમિયાન ભૂગર્ભ જળ આધારિત સિંચાઈમાં ઘટાડો થયો છે. મતલબ કે, ખેડૂતોને બોરવેલ બનાવવાની પ્રક્રિયા અટકાવી દીધેલ છે.
૨૦૧૩ અને ૨૦૧૪માં ચેકડેમ/તળાવો આધારિત સિંચાઈમાં વધારો થયો નથી વળી, ભૂગર્ભ જળથી પણ સિંચાઈ વધી નથી. ઉપરાંત વર્ષ ૨૦૧૩-૧૪ની સાપેક્ષે ૨૦૧૪-૧૫માં સિંચાઈ ઘટી વળી, સરદાર સરોવળ યોજના હેઠળ પણ ૨૦૧૩-૧૪ અને ૨૦૧૪-૧૫ માં કોઈ વધારો થયો નથી એનો સીધો મતલબ એ થાય કે, વર્ષ ૨૦૧૩-૧૪, ૨૦૧૪-૧૫ માં સિંચાઈ ક્ષેત્રે ઘટાડો નોધાયો છે. જેના લીધે પાક ઉત્પાદન ઉપર ઘણી મોટી અસર આપણે અનૂભવી.
ખેડૂતોની દૂર્દશા
મહામહિમ રાજ્યપાલના વિધાનને ફરી વખત દોહારાવિએ. ઈશ્વરને મદદની આજીજી કરતા ખેડૂતોની એ વાત આજે ભૂતકાળ બની ગઈ છે. રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ જામનગર ખાતેની જાહેરસભામાં જણાવ્યું હતું કે, ખેડૂતોને આ ઉનાળામાં સિંચાઈનું પાણી નહિ મળે. ખેડૂતો પાણીની ચોરી કરે છે બીજી તરફ નર્મદા કેનાલ દ્વારા ૨૧ જેટલા મોટા ઉદ્યોગો પાણી મેળવે છે. તેમની પર કાપ નહિ અને ખેડૂતો ઉપર કાપ ? નર્મદા મુખ્ય કેનાલ પૂર્ણ થઇ છે પરંતુ શાખા, પ્રશાખા અને વિશાખાઓનું કામ મહંદ અંશે અધૂરું છે.
નર્મદા યોજનાની કામગીરી
રૂ. ૫૦,૬૮૧ કરોડ સરદાર સરોવર નર્મદા યોજનામાં ખર્ચાઈ ચુક્યા હોવા છતાં પાણી હજુ ખેડૂતોના ખેતર સુધી પહોચ્યું નથી. છેલ્લા ૧૨ વર્ષથી વિકાસની વાતો કરતી ગુજરાત સરકારે નહેરો બાંધી જ નથી પછી પાણી કેવી રીતે પહોચી શકે ? નર્મદા યોજનાના હાલના આકડા પર દ્રષ્ટી કરીએ તો તે નીચે મુજબના છે:
ખેડૂત વિરોધી નીતિ
શાખા, પ્રશાખા, વિશાખાનાં અભાવે ખેડૂતોએ ના છુટકે નર્મદાની કેનાલમાંથી પાણી ઉઠાવવું પડે છે. જેને આ રાજ્ય સરકાર ચોરી કહે છે.
અગાઉ પણ વર્ષ ૨૦૧૨ (વિધાનસભાની ચૂંટણી પૂર્વે) ડાર્ક ઝોન હતા તે વખતે પણ ખેડૂતોની સિંચાઈ કરવા ટ્યુબવેલની પરવાનગીઓ ન હતી જયારે ઉદ્યોગોને હતી. ખેડૂતોને તાત અને હવે તો માનનીય વડાપ્રધાનશ્રી એ “શ્રમ દેવતા” શબ્દ આપ્યો છે. એવા ખેડૂતોને અન્યાય, અલબત્ત, વડાપ્રધાન સાચા છે જે ખેડૂતો સ્વયં દેવતા હોય તેમને મદદની આજીજી (રાજ્યપાલશ્રીનું પ્રવચન) થોડી કરવાની હોય ?? એક તરફ ખેડૂતોને સિંચાઈની વ્યવસ્થા મળતી નથી બીજી તરફ પોતાની મેળે પાણી મેળવે તેને ચોર કહેવાય.
એવું કહેવામાં આવ્યું કે, ખેડૂતો પાણીનો અનિયમિત ઉપાડ કરે છે. જેથી પાણી કેનાલમાં ભરાઈ રહેવાથી ઉંદરો તેમાં પોલાણ કરે છે જેને લીધે કેનાલો તૂટે છે. જેથી ખેડૂતોને નૂકાશાનીના પૈસા ના મળે.
સિંચાઈ કેનાલ જ્યાંથી પસાર થતી હોય તો પરોક્ષ રીતે ફાયદો થાય તેનો ખેડૂતોએ ચાર્જ આપવાનો પરંતુ સિંચાઈ કેનાલ તૂટવાથી ખેતરોને પ્રત્યક્ષ નૂકશાન થાય તો સરકારને કોઈ લેવાદેવા નહિ કારણકે, “શ્રમ દેવતા” ઓને અન્યાય થાય પરંતુ ઉદ્યોગોને અન્યાય ના કરાય.
ખેડૂતો માટે ડિકમાન્ડ, ઉદ્યોગો માટે ઓપન
રાજ્ય સરકારે ૨૬૨૧૦ હેક્ટર જમીનમાં નર્મદાનું પાણી આપવાનું બંધ કરી દીધું. ગુજરાતમાં સિંચાઈના પાણીના અભાવે ખેડૂતો મોંઘી-ફળદ્રુપ જમીનો વેચવા મજબુર બન્યા. ઉદ્યોગપતિઓ માટે જમીનો લેવા માટે રાજ્ય સરકારે એવો કારસો રચ્યો છે કે નર્મદા કેનાલનું પાણી જ બંધ કરી દેતા ફળદ્રુપ જમીનો આજે પાણી વિનાની બની છે. જેથી ખેડૂતો જમીનો વેચવા મજબુર બન્યા છે.
છેલ્લા પાંચ વર્ષમાં સરકારે ડિકમાન્ડ કરેલો વિસ્તાર :
પ્રદૂષિત પાણી
દંતકથા મૂજબ રાજા ભગીરથ ગંગાને ધરતી પર લઇ આવ્યા જેવો વહેમ રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને આજના વડાપ્રધાનશ્રીને નર્મદા યોજના માટે છે. સામાજિક આંદોલન કે કાનૂની લડાઈઓ જેવી કોઈ જ અડચણો ન હોવા છતાં નર્મદાની કેનાલો ન બની શકી અલબત્ત, લગભગ ૫૧૦૦૦ કરોડ રૂપિયા વપરાઈ ગયા પરંતુ કેનાલો અધુરી જ રહી.
“સાબરમતી શુદ્ધ કરી છે અને માં ગંગા હવે, તારો વારો” જે સૂત્ર વિશ્વ વ્યાપી બનાવ્યું તે સાબરમતીના પ્રદૂષિતતા અંગે “કેગ” (CAG) નો અહેવાલ પર્દાફાશ કરે છે. “કેગ” તેના ૨૦૧૨ માર્ચના અહેવાલમાં રાજ્યની પ્રદૂષિત નદીઓ અંગે ગંભીર અહેવાલ આપીને સરકારની બેદરકારી, બિનકુશળ વહીવટ અને ઉદ્યોગોને પ્રદૂષણ કરવા આપેલ છૂટા દોરની ચોકાવનારી વિગત આપી હતી. બરાબર ત્રણ વર્ષ પછી ૩૧ માર્ચ ૨૦૧૫ના પુરા થતા વર્ષનો “કેગ” અહેવાલ ફરીવખત આ રાગ આલાપે છે. ગતિશીલ ગુજરાતની ગતિ પ્રદૂષણ કરવામાં વધી. એક તરફ પીવાના પાણીના અને સિંચાઈના પાણીના વલખા છે જ્યારે વાઈબ્રન્ટ ગુજરાત કે મેઇક ઇન ઇન્ડિયાના નામે ઉદ્યોગોને પ્રદૂષણ કરવાના પરવાના આપી દીધા.
કેગનો વર્ષ ૨૦૧૫નો અહેવાલ કહે છે કે, રાજ્યમાં ૩૭ સહિયારા જળ શુદ્ધિકરણ પ્લાન્ટ છે જે પૈકી ૩૩ કાર્યરત છે જે પૈકી કેગ દ્વારા ક્ષમતાને આધારે પ્રદેશવાર ૧૨ સહિયારા જળ શુદ્ધિકરણ પ્લાન્ટ ચકાસણી માટે પસંદ કરવામાં આવ્યા.
કેગ દ્વારા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા એપ્રિલ ૨૦૧૨થી માર્ચ ૨૦૧૫ના સમયગાળાના દફતરની ચકાસણી કરી હતી જેમાં સાબિત થયું છે કે, બધાજ ૧૨ સહિયારા જળ શુદ્ધિકરણ પ્લાન્ટ તેના (પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા નિયત) ધારાધોરણો પ્રમાણે ચાલતા નથી અને અશુદ્ધ પાણીનો નિકાલ કર્યો છે. જેને લીધે દરિયો, ખાડીઓ, જળાશયો અને નદીઓ પ્રદૂષિત થઇ છે.
કેગ કહે છે કે, સહિયારા જળ શુદ્ધિકરણ પ્લાન્ટમાં બિન અસરકારક પ્રક્રિયા અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા બિન અસરકારક અનુસરણના પરિણામે જેમાં પ્રક્રિયા કરેલું દુષિત પાણી છોડવામાં આવતું હતું એ કુદરતી જળાશયોમાં પ્રદૂષણ થયું હતું.
રાજ્ય અને કેન્દ્ર સરકારની આર્થિક મદદ આ સહિયારા શુદ્ધિકરણ પ્લાન્ટ વર્ષ ૨૦૧૨-૧૩ થી વર્ષ ૨૦૧૪-૧૫ દરમિયાન ૨૧૨ કરોડ અને ૩૧ લાખ રૂપિયા ખર્ચાયા છે.
સરકારને ખબર હતી કે, વરસાદ ઓછો પડ્યો છે તો તેના આગોતરા પગલા ભારાની જરૂર હતી. અત્યારે તો સરકાર ફાંફે ચઢી છે. ઉપરાંત ગત વર્ષે ૧૯૮૬-૮૭ના વર્ષો જેવો ભયંકર દુષ્કાળ ન હતો વળી, તે વર્ષોમાં નર્મદા કેનાલો ન હતી. તો પછી, પ્રશ્ન એવો થાય કે, એક વર્ષ ઓછો વરસાદ આવે તેમાં આટલીબધી ભયાનક પાણીની સ્થિતિ ? ક્યાં ગઈ સૌની યોજના? જેના દ્વારા રાજ્યના તળાવો ભરવાના હતા?
અમદાવાદ જેવા શહેરોમાં જે તળાવો શહેરી સત્તામંડળ દ્વારા બનાવ્યા છે અત્યારે કોરાકટ્ટ, સૂકાભઠ્ઠ પડ્યા છે. કેમ નર્મદાના પાણીથી આ તળાવો ના ભરવામાં આવ્યા? કેમ અમદાવાદનું ચંડોળા તળાવ ખાલીખમ છે ? શું સરકારનો કોઈ ગુપ્ત એજન્ડા છે?
સરકારે સૌનો વિકાસ સૌનો સાથ સૂત્ર તો આપી દીધું પણ લોકોને પાણીના આયોજનમાં જોડાવાની જરૂર હતી. વાસ્મો પ્રોજેક્ટ અંતર્ગત પાણી સમિતિઓ જરૂર બની છે પરંતુ પાણીના અન્ય વિકલ્પો ક્યા હોઈ શકે ? કેવા પ્રકારના પ્રયોગો વધારે કરવાની જરૂર છે ? તે વિચારવાનો સમય આવી ગયો છે.
ઉદ્યોગગૃહોને દર વખતે તત્કાલીન મુખ્યપ્રધાન અને આજના વડાપ્રધાન જુદા-જુદા દેશોના પ્રવાસમાં લઇ જઈને અન્ય દેશોનો વિકાસ અને શહેરોનો વિકાસ મોડેલ બતાવી રહ્યા છે કેમ, ગુજરાતના ખેડૂતોને આવી તક આપવામાં આવી ન હતી?
કલ્પ્સરનું મૃગજળ, ભાડભૂતનો વિલંબ અને કેનાલોનું અધૂરું કામ ગુજરાત સરકારની ગતિશીલ કામગીરી ઉપર સવાલો ઉભા કરે છે. સરકારની ખેડૂત વિરોધી નીતિ પણ નર્મદા કેનાલોના અધૂરા કામ માટે ઈરાદાપૂર્વકની સરકારની બેદરકારી બતાવે છે. નર્મદાની નીતિ અને હેતુઓ તરફ નજર કરો કોના માટે નર્મદા યોજના છે અને હવે, કોના માટે નર્મદા યોજના બની ગઈ છે ?
ગુજરાતમાં ઔદ્યોગીકરણથી પાણીના સ્ત્રોત બગડ્યા છે. અશુદ્ધ પાણીથી અમદાવાદ જેવા શહેરોમાં જીવલેણ રોગોનો ભોગ આપણે બની ચુક્યા છીએ.
દુષ્કાળની પરિસ્થિતિને પહોચી વળવા કલાયમેટ ચેન્જ એક્શન પ્લાન બનાવ્યો પરંતુ, જાણે કે આ કલાયમેટ ચેન્જ એક્શન પ્લાન એક યુનિવર્સીટી અને શાળા પાઠ્ય પુસ્તક મંડળનો સિલેબસ બની ચુક્યો છે.
નથી આપણે અતિવૃષ્ટી સામે લડવા સજ્જ કે નથી આપણે અનાવૃષ્ટીના પડકારને પહોચી વળવા સક્ષમ છતાં આપણું ખમીરવંતુ ગતિશીલ ગુજરાત.
—
*પર્યાવરણ મિત્ર-અમદાવાદ