નૌકાદળ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

ભારતીય નૌસેનાના અગ્રણી ઇલેક્ટ્રિકલ તાલીમ સ્થાપત્ય INS વાલસુરા ખાતે 05 જૂન 2020ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા જાહેર કરવામાં આવેલી ‘જૈવ વિવિધતા’ની થીમ પર આ ઉજવણી કરવામાં આવી હતી.

વાલસુરા પરિવારના દરેક સભ્યો સહભાગી થઇ શકે તે પ્રકારે આ યુનિટ દ્વારા સંખ્યાબંધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેથી પ્રકૃતિના સુરક્ષા અને જૈવ વિવિધતામાં વૃદ્ધિ અંગે તમામ લોકોમાં જાગૃતિ ફેલાવી શકાય. અહીં મોટાપાયે વૃક્ષારોપણ કામગીરી કરવામાં આવી હતી જેમાં સમગ્ર સ્થાપત્ય સંકુલમાં 63 સ્થાનિક પ્રજાતિના 610 વૃક્ષો રોપવામાં આવ્યા હતા.

મિયાવાકી વૃક્ષારોપણની પરિકલ્પનાના આધારિત શહેરી વન પણ આ યુનિટ દ્વારા વિકસાવવામાં આવી રહ્યું છે. યુનિટની નર્સરીમાં 300 નાના છોડ રોપવામાં આવ્યા હતા અને રહેણાક વિસ્તારોમાં હરિયાળી વધારવા માટે સ્થાનિક લોકોમાં પણ છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આખા બેઝ પર યોજાયેલા સામૂહિક શ્રમદાન કાર્યક્રમ વખતે તમામ રહેવાસીઓ દ્વારા તેમના પરિસરમાંથી પ્લાસ્ટિક અને જૈવ વિઘટન ના થઇ શકે તેવી અન્ય ચીજો એકઠી કરવા માટે નક્કર પ્રયાસો કરવામાં આવ્યા હતા.

આ બેઝ પર તમામ લોકોને કાર્યસ્થળે જવા માટે સાઇકલનો ઉપયોગ કરવા માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવે છે. યુનિટ દ્વારા ચિત્રકામ અને સુવાક્ય લેખન સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સહભાગીઓએ પર્યાવરણના પ્રશ્નો અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે તેમનું કલાત્મક કૌશલ્ય બતાવ્યું હતું. અહીંના નાની વયના બાળકો- કિશોરોને માહિતગાર કરવાના આશયથી, કેન્દ્રીય વિદ્યાલય અને યુનિટની નવલ કિંડરગાર્ડન સ્કૂલ દ્વારા વેબીનાર યોજવામાં આવ્યા હતા.