મીની લોકડાઉનથી કોઈ ફાયદો નહીં થાય, ૧૪ દિવસ જરૂરી: રણદીપ ગુલેરિયા

દેશમાં ફરીથી વધી રહેલા કોરોના વાયરસના કેસને પગલે મોટાભાગના રાજ્યો ફરીથી લોકડાઉન લગાવી રહ્યા છે. જોકે, વિવિધ રાજ્ય તરફથી લગાવવામાં આવેલા લોકડાઉન પર દિલ્હીની એમ્સના ડિરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરિયાએ પોતાની અસહમતી દર્શાવી છે.

ડોક્ટર ગુલેરિયાનું કહેવું છે કે થોડા સમય માટે લગાવવામાં આવેલું લોકડાઉનથી કોરોનાનું સંક્રમણ ઓછું કરવામાં કોઈ મદદ નહીં મળે. જો કોરોનાની ચેન તોડવી છે તો રાજ્યોએ ઓછામાં ઓછા 14 દિવસ માટે લોકડાઉન લગાવવું પડશે. નોંધનીય છે કે ઉત્તર પ્રદેશ સરકારે 55 કલાક માટે સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે, જ્યારે મહારાષ્ટ્રમાં ઉદ્‌ધવ ઠાકરે સરકારે પુણેમાં 10 દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે.

એસબીઆઈ તરફથી આયોજિત ઇકોનોમિક કોન્ફરન્સમાં કોરોના અંગે વાત કરતા એઇમ્સના ડિરેક્ટર ડોક્ટર ગુલેરિયાએ કહ્યુ કે, દેશમાં હાલ કોરોના પીક પર પહોંચી ગયો છે. આગામી થોડા દિવસમાં દેશના અનેક રાજ્યમાં સુધારો જોવા મળશે. આ દરમિયાન કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધશે. ગુલેરિયાએ સ્વીકાર કર્યો કે કોરોનાના આંકડા ઓછા થવામાં હાલ સમય લાગી શકે છે.

ગુલેરિયાનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ફક્ત ત્રણ દિવસમાં એક લાખનો આંકડા પાર કરી ગઈ છે. ડોક્ટર ગુલેરિયાએ કહ્યુ કે, અનલોકમાં મળેલી છૂટનો લોકો ગેરફાયદો ઉઠાવી રહ્યા છે. લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું છોડી દીધું છે. તંત્રએ ક્લસ્ટર્સ અને કન્ટેનમેન્ટ વિસ્તારમાં સતત દેખરેખ રાખવી જોઈએ. આખા શહેરમાં લોકડાઉન કરવાથી કોઈ ફાયદો નહીં થાય.

સરકારે કન્ટેનમેન્ટ વિસ્તારોની ઓળખ કરીને ત્યાં લોકડાઉનનું કડકથી પાલન કરાવવું જોઇએ. દેશમાં કોરોના વાયરસનું હબ બની ગયેલા મહારાષ્ટ્રમાં શુક્રવારે કોરોના સંક્રમણને કારણે 226 લોકોનાં મોત થયા છે. રાજ્યમાં કોરોનાને કારણે મોતનો આ સૌથી મોટો આંકડો છે. જ્યારે કોરોનાના કુલ 7,862 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. સ્વાસ્થ્ય વિભાગ તરફથી આપવામાં આવેલી માહિતી પ્રમાણે નવા કે સાથે રાજ્યમાં કુલ સંક્રમિત લોકોની સંખ્યા 2,38,461 થઈ છે, જેમાંથી 1,32,625 લોકો સાજા થયા છે, જ્યારે 9,893 લોકોનાં મોત થયા છે.