કોરોનાવાયરસની મહામારી વચ્ચે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર નાગરિકોના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે સતત પ્રયત્નશીલ છે.
વહીવટીતંત્ર દ્વારા જિલ્લાના તમામ વૃદ્ધાશ્રમોમાં વસતા વરિષ્ઠ નાગરિકોના સ્વાસ્થ્યની ચકાસણી કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. આ માટે જિલ્લાની આરોગ્ય ટુકડીઓ દ્વારા એક પછી એક વૃદ્ધાશ્રમની મુલાકાત લઇ વૃદ્ધોની તબીબી તપાસ કરવામાં આવી રહી છે.
અશક્ત અને નિરાધાર વૃધ્ધોના આરોગ્ય તપાસ કામગીરીના બીજા દિવસને અંતે 17 વૃદ્ધાશ્રમના 700 વૃદ્ધોની આરોગ્ય તપાસ પૂર્ણ થઈ છે. તપાસ દરમિયાન કોઇ જ વૃદ્ધમાં કોરોનાના ગંભીર લક્ષણો જણાઈ આવ્યાં નથી. સામાન્ય બીમારીઓ જણાતા તેઓને જરૂરી સારવાર અને દવા આપવામાં આવી છે. જિલ્લા સમાજસુરક્ષા અધિકારી આરતીબેન બોરીચાના જણાવ્યા મુજબ બાકી રહેતા આરોગ્ય તપાસ ટૂંક સમયમાં પૂરી કરવામાં આવશે.