કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપે ફોડી નાંખવા પ્રયાસ શરૂં કર્યો ત્યારે, ગુજરાત બહાર લઈ જવા કોંગ્રેસના નેતાઓ વિચારણ કરી રહ્યાં હતા. તે વેળાએ ટોચના નેતાઓ વચ્ચે ભારે મતભેદ ઊભા થયા હતા. વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી એવું ઈચ્છતા હતા કે ધારાસભ્યોને મધ્ય પ્રદેશ લઈ જવામાં આવે. કારણ કે તેમને મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન સાથે સારા સંબંધો છે તેથી ગુજરાતના ધારાસભ્યો ત્યાં સલામત વધું રહે. પણ કોંગ્રેસના ધારાસભ્ય અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને ભરત સોલંકી એવું ઈચ્છતાં હતા કે ધારાસભ્યોને રાજસ્થાન લઈ જવામાં આવે. આમ વિરોધ પક્ષના નેતા અને પ્રદેશ પ્રમુખ વચ્ચે ભારે ચડસાચડસી થઈ હતી. ઉગ્ર વાતચિત થઈ હતી. પણ આખરે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનું ધાર્યું થયું પણ વિરોધ પક્ષના નેતાનું ધાર્યું ન થયું. ખરેખર તો વિધાનસભાનો મામલો હોય ત્યારે વિરોધ પક્ષના નેતા જે કહે તે નિર્ણય માન્ય રહેતો હોય છે. પણ પ્રમુખે રાજસ્થાનને સૌથી સલામત માન્યું હતું.
ગુજરાતથી ધારાસભ્યોને જયપુરના ટ્રી રિસોર્ટમાં તથા બ્યુએના વિસ્ટા રાખવામાં આવ્યા છે.
ભરત સોલંકીને હારની બીક હોવાથી ગાંધીનગર ઉત્તર ધારાસભ્ય સીજે ચાવડાની આગેવાની હેઠળ તમામ ધારાસભ્યોને રાજસ્થાન લઇ જવાયા હતા. ધારાસભ્યોમાં ગેનીબેન ઠાકોર, ગુલાબસિંહ રાજપૂત, લાખા ભરવાડ, હર્ષદ રીબડીયા, ઋત્વિજ મકવાણા, અજીતસિંહ ચૌહાણ, ચંદનજી ઠાકોર, પ્રદ્યુમનસિંહ જાડેજા, ચિરાગ કાલરીયા, હિંમતસિંહ પટેલ, નાથાભાઈ પટેલ, ભરતજી ઠાકોર, પૂનમ પરમાર સહીતના ધારાસભ્યોને ગુજરાત બહાર લઇ જવાયા છે.
નોંધનીય છે કે, ગુજરાત કોંગ્રેસને ડર છે ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોને આર્થિક લાલચ આપીને ક્રોસ વોટિંગ કરાવી શકે છે. અગાઉ 2017માં પણ કોંગ્રેસ ધારાસભ્યોને બેંગ્લોરના રિસોર્ટમાં લઈ ગઈ હતી. જો કે કોંગ્રેસના કેટલાક વિશ્વાસુ ધારાસભ્યો જ ગુજરાતમાં છે.