ગાંધીનગર, 17 જુન 2021
ગુજરાતમાં આમ આદમી પક્ષ સક્રિય થયા બાદ ભાજપમાં ફફડાટ છે. આપનો સામનો કરવા મોટાપાયે શરૂ થઈ ગઈ છે. આપના નેતા અને મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે અમદાવાદની મુલાકાત લીધા બાદ ભાજપ એકાએક સક્રિય થઈ ગયો છે. વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પક્ષ સક્રિય થતા ભાજપને ડર પેસી ગયો છે. ભાજપના નેતા ચંદ્રકાંત પાટીલ અને વિજય રૂપાણી એકાએક તૈયારી શરૂં કરી છે તે બતાવે છે કે તેમના રાજકીય ચહેરા પર ગભરાટ છે.
સુરતમાં પાટીલના ગઢ પર હુમલો થયા બાદ ભાજપને ભય પેશી ગયો છે કે કોંગ્રેસના નેતાઓ તો ફૂટેલા છે પણ આમ આદમી પક્ષના નેતાઓને ફોડવા અઘરા છે. ભલે અમિત શાહે કેટલાંક નેતાઓને આપમાં પ્લાંટ કરાવેલા હોય અને સારા હોદ્દા પર તેઓ ઘુસી ગયા હોય.
આવનારી વિધાનસભાની ચૂંટણીમાં વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી આવશે તો ભાજપ માટે કપરાં ચઢાણ સાબિત થઈ શકે છે. આ ઉપરાંત કોરોના કાળમાં પ્રજાનો રોષ તથા સરકાર સામેની હતાશા દૂર કરવામાં નહીં આવે તો ભાજપ માટે જીત કઠિન છે. આવા તમામ મુદ્દાઓ વચ્ચે ભાજપ ધારાસભ્યોની બુધવારે યોજાનારી બેઠકમાં પ્રજા વચ્ચે જઈ આમ આદમી પાર્ટી સામે લડવા એક પ્રકારની નવી રણનીતિ તૈયાર કરવામાં આવી શકે છે. પ્રદેશ ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવના નેતૃત્વમાં ધારાસભ્યોની બેઠક મળશે. જેમાં દરેક ધારાસભ્યોને ફરજિયાત આ બેઠકમાં હાજર રહેવા માટેનું ફરમાન કરવામાં આવ્યું છે. આ બેઠક વિધાનસભા સંકુલમાં બપોરે 4.30 કલાક યોજાશે. જેમાં મુખ્યમંત્રી રૂપાણી, સી.આર. પાટીલ અને નીતિન પટેલ પણ ખાસ હાજરી આપશે. ગુજરાતમાં છૂટછાટ મળ્યા બાદ રાજકીય પ્રવૃતિઓને વેગ મળી રહ્યો છે. ભાજપે અંદરખાને મનોમંથન શરૂ કરી દીધું છે. કોરોનાની સ્થિતિમાં પ્રજાના ગુસ્સાનો ભોગ બન્યા બાદ હવે ભાજપ પોતાની ઈમેજ સુધારવા માટે પ્રજાની વચ્ચે જઈને લોકસંવાદ કરશે. લોકોનું દિલ ફરી જીતવા માટે આ બેઠકમાં વિચારણા કરવામાં આવશે.
ફરી લોકસંપર્ક વધારે મજબુત બનાવવા માટે જણાવવામાં આવશે.લોકોમાંથી એવી પણ ફરિયાદ ઊઠી હતી કે, ધારાસભ્યોએ પોતાના મત વિસ્તારમાં કામ કરવાને બદલે ઘરમાં બેસી રહ્યા હતા. સ્થાનિક નેતાઓ પણ પ્રજા સામે સીધી રીતે સંપર્કમાં આવતા ડરે છે. તેઓ પણ પ્રજાના પ્રશ્નોના જવાબ આપી શકતા નથી. જેથી ધારાસભ્ય તથા આગેવાનોને ગુજરાત સરકાર અને સંગઠન દ્વારા કરવામાં આવેલી કામગીરીની પૂરેપૂરી માહિતી આપવામાં આવશે. ગુજરાત ભાજપ પ્રભારી ઉપરાંત મુખ્યમંત્રી રૂપાણી, પ્રદેશ પ્રમુખ પાટીલની ખાસ ઉપસ્થિતિમાં સંગઠનના હોદ્દેદારો તથા તમામ ધારાસભ્યો તેમજ સાંસદની એક ખાસ બેઠક યોજાશે. જેમાં વેક્સીન અને વાવાઝોડાની કામગીરી અંગે અહેવાલ અપાશે. ભૂપેન્દ્ર યાદવની અધ્યક્ષતામાં જુદા જુદા સંગઠનની બેઠક તથા સંકલન કામગીરી અંગે ઊંડાણથી વિશ્લેષણ કરવામાં આવશે. બીજી તરફ મંત્રમંડળની પુનઃ રચનાની અટકળ પણ તેજ બની રહી છે. વર્ષ 2017માં ભાજપ પક્ષે સત્તા સંભાળ્યા બાદ ખાસ કોઈ મોટા ફેરફાર થયા નથી. હાલમાં માત્ર પક્ષ સંગઠનનું જ નેતૃત્વ પરિવર્તન થયું છે. પ્રદેશ પ્રમુખે 170થી વધુ બેઠકનો લક્ષ્યાંક આપી દીધો છે.