સોમનાથ, દ્વારકા, ડાકોર અને અંબાજીની આવકમાં મોટો ઘટાડો કર્યો છે. સરકારે 8મી જૂન 2020માં મંદિરો ખોલવાની મંજૂરી આપી હતી. ગુજરાતના પ્રસિદ્ધ ડાકોર મંદિરમાં કોરોના સંક્રમણ પહેલાં રોજના 5000 શ્રદ્ધાળુઓ દર્શને આવતા હતા. અત્યારે માત્ર 1000 થી 1200 જેટલા શ્રદ્ધાળુઓ મંદિરમાં આવે છે. આ મંદિરની આવક પણ દર મહિને એક કરોડ રૂપિયાથી ઘટીને બે લાખ રૂપિયા થઇ છે.
સોમનાથ મંદિરમાં માસિક આવક ત્રણથી સાડા ત્રણ કરોડ રૂપિયા થતી હોય છે. હાલ આવક માત્ર 17 લાખ રૂપિયા થાય છે. આ મંદિરમાં 650 લોકોનો સ્ટાફ છે. દર મહિને પગાર પણ કરવાનો હોય છે. આ પગારની રકમ પણ એક કરોડ રૂપિયા જેટલી છે. લોકો કોરોનાના કારણે ધાર્મિક સ્થળોની મુસાફરી કરતાં ડરી રહ્યાં છે.

રાજ્યમાં સૌથી વધુ આવક મેળવતા યાત્રાધામ અંબાજીમાં આ વખતે ભાદરવી પૂનમનો મેળો પણ યોજાવાનો નથી. આ મંદિરમાં પ્રતિદિન 4000 શ્રદ્ધાળુઓ દર્શને આવતા હોય છે. રવિવારે સંખ્યા 8000 જેટલી થાય છે. ભાદરવી પૂનમના મેળામાં 25 લાખ લોકો આવતા હોય છે. આ મંદિરની માસિક આવક પાંચ કરોડ રૂપિયા છે. આવક ઘટીને માસિક 30 લાખ રૂપિયા થઇ ગઇ છે.
દ્વારકામાં પણ પ્રતિદિન 5000 જેટલા ભક્તો દર્શન કરવા આવતા હોય છે પરંતુ આ સમયમાં ભક્તોની સંખ્યા 1200 જેટલી જોવા મળી છે. ભગવાન શ્રીકૃષ્ણના આ ધામમાં દર મહિને એક કરોડ રૂપિયા દાનમાં આવતા હોય છે તેની જગ્યાએ અત્યારે માત્ર 15 લાખ રૂપિયા દાન આવે છે. આ મંદિરમાં આવતું દાન માત્ર ઓનલાઇન જોવા મળે છે. પ્રત્યક્ષ દાનની રકમ હજી શરૂ થઇ નથી.