મરાઠાઓની ગુજરાતમાં લૂંટ – ભાગ 6
શિવાજી જયંતીએ ઇતિહાસનું પાનું
ભીલાપુરની લડાઈ અને પેશવાની સર્વોપરિતાનો સ્વીકાર
ચંબેકરાવ દાભાડેને મનાવી લેવાના પેશવાના પ્રયાસ નિષ્ફળ નીવડ્યા હતા. આથી વડોદરા અને ડભોઈની વચ્ચે આવેલા ભીલાપુર ગામ પાસે એપ્રિલ ૧૭૩૧માં પેશવા અને દાભાડેનાં લશ્કરો વચ્ચે ભીષણ લડાઈ થઈ હતી. કંથાજી , પિલાજી , ઉદોજી પરમાર વગેરે મરાઠા સરદાર દાભાડેના પક્ષે લડ્યા હતા. તોપણ દાભાડેના લશ્કરનો પરાજય થયો હતો. યંબકરાવ દાભાડે અને પિલાજીનો પુત્ર યુદ્ધમાં માર્યા ગયા હતા. દાભાડે તેમજ ગાયકવાડ કુટુંબને પેશવાના આધિપત્યનો તથા ગુજરાતની ચોથ-આવકનો ચોથો ભાગ ખંડણી માં એને હિસ્સો આપવાનો સ્વીકાર કરવો પડ્યો હતો.
પેશવાએ અભયસિંહને બાકીની રકમ આપવા માટે દબાણ કર્યું હતું. મરાઠાઓનાં બે પ્રતિસ્પર્ધી જૂથો વચ્ચેના મતભેદો વ્યાપક બનાવવાના આશયથી અભયસિંહે એ રકમ તાત્કાલિક મોકલી આપવા દિલ્હી સરકારને જણાવ્યું હતું. પરંતુ દિલ્હીની સરકારે પેશવા સાથેની અભયસિંહની સંધિ અમાન્ય કરીને એને પેશવાને ગુજરાતમાંથી હાંકી કાઢવા જણાવ્યું હતું. જે અશક્ય હોવાથી ગુજરાતમાંની મુઘલ સત્તાનો અંત નજીક આવ્યો હતો. પેશવાએ અમદાવાદ , અને એની આસપાસના પ્રદેશોમાં લૂંટફાટ કરીને પોતાની રકમ વસૂલ કરી હતી.
મરાઠાઓનું ગુજરાતમાં સંપૂર્ણ વર્ચસ
ત્રંબકરાવ દાભાડેના અવસાન બાદ એના પુત્ર યશવંતરાવ દાભાડેને ગુજરાતનું સુકાનીપદ આપવામાં આવ્યું હતું. પરંતુ એ સગીર હોવાથી પિલાજી ગાયકવાડને સેનાખાસખેલ (સેનાની)ના ખિતાબ સાથે વહીવટકર્તા તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. ત્યારથી ગુજરાતના રાજકારણમાં ગાયકવાડ સક્રિય બન્યા હતા. અને દાભાડે નિષ્ક્રિય થયા હતા. ગુજરાતમાં મરાઠી વર્ચસને નિર્બળ બનાવવાના હેતુથી અભયસિંહે ડાકોર પાસે પિલાજીની ૧૭૩૨માં હત્યા કરાવી હતી. તથા વડોદરાનો કબજો લઈ લીધો હતો. બનાવથી રોષે ભરાઈને ત્રંબકરાવ દાભાડેની વિધવા માતા ઉમાબાઈએ ૩૦,૦OOનાં લશ્કર સાથે અમદાવાદ પર આક્રમણ કર્યું હતું. કંથાજી કદમ , તથા પિલાજીના પુત્ર દામાજી ગાયકવાડ બીજાએ ઉમાબાઈને પુરતી સહાય કરી હતી. અભયસિંહે ખંભાતના મુત્સદી મોમીનખાન તથા પાટણથી ત્યાંના સુબેદાર જવાંમર્દખાનને એમનાં લશ્કરો સાથે પોતાની મદદે બોલાવી લીધા હતા. એણે અમદાવાદના કોટના તમામ દરવાજા બંધ કરાવી દીધા હતા. તથા મરાઠાઓને ભારે લડાઈ આપવાનો નિશ્ચય કર્યો હતો. ઉમાબાઈના લશ્કરે જમાલપુર દરવાજા પાસે લડાઈ આપવાનો નિશ્ચય કર્યો હતો. ઉમાબાઈના લશ્કરે જમાલપુર દરવાજા પાસે પડાવ નાખ્યો હતો. તથા વારંવાર અમદાવાદના કોટ પર આક્રમણ કર્યા હતા. વળી એણે બહારથી કોઈ પુરવઠો અંદર ન જાય એની તકેદારી રાખી હતી. આશરે નવ મહિનાના ઘેરા બાદ અંદરના લશ્કરનો પુરવઠો ખૂટી ગયો હતો. અભયસિંહને મરાઠાઓ સાથે સુલેહ કરવાની ફરજ પડી (૧૭૩૩) હતી. આ અનુસાર યુદ્ધ દંડ પેટે અભયસિંહે મરાઠાઓને ૮૦,000 રૂપિયા ચૂકવી આપવા તથા અમદાવાદ સહિત ગુજરાતના તમામ પ્રદેશો પર મરાઠાઓનો ચોથ-આવકનો ચોથો ભાગ ખંડણી ઉઘરાવવાનો હક માન્ય રાખવો પડ્યો હતો. ઉપરાંતમાં પોતાના લશ્કરનો ખર્ચ વસૂલ કરવા મરાઠાઓએ શાહઆલમના રોજા પાસેનું રસૂલાબાદ નામે ઓળખાતું અમદાવાદનું સમૃદ્ધ પરું લૂંટતાં એ વેરાન બન્યું હતું. વડોદરાને મરાઠાઓએ ફરી કબજે કર્યું હતું. અને દામાજી ગાયકવાડે એને પોતાનું વડું મથક બનાવ્યું હતું. વડોદરા ૧૭૩૪માં ગાયકવાડની રાજધાની બન્યું હતું. ” જે સ્થાન એણે હિંદ સંઘ સાથેના વિલીનીકરણ સુધી ભોગવ્યું હતું. અભયસિંહ ગુજરાતની આવી પરિસ્થિતિથી કંટાળીને પોતાના મદદનીશ રતનસિંહ ભંડારીને અમદાવાદની સૂબાગીરી સુપરત કરીને મારવાડ જતો રહ્યો હતો. એ અરસામાં દામાજીના એક લશ્કરી અધિકારી સમશેર – બહાદુરે ડભોઈ કબજે કરીને ત્યાં એક લેખ કોતરાવ્યો હતો. જેમાં ડભોઈની સમૃદ્ધિનું સુંદર વર્ણન છે. ગુજરાતમાં મરાઠાઓનો આ સૌપ્રથમ અભિલેખ કહી શકાય.
(ક્રમશઃ) 7
નોંધ – ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃત્તિક ઇતિહાસ – મરાઠાકાલ, ગુજરાત સરકારની મદદથી ભો.જે વિદ્યાભવન વતી ડો.રામજીભાઈ સાવલિયાએ પુનઃપ્રકાશિત કરેલા રમણલાલ ક. ધારૈયા દ્વારા લખાયેલા આ પ્રકણની વિગતો છે.