પીએમ કેર્સ ફંડ અને વડા પ્રધાન રાષ્ટ્રીય રાહત ફંડ : બંને ખાનગી અને અપારદર્શક – કોરોના મહામારી સામે લડવા માટે દાન ભેગું કરવા વડા પ્રધાને ‘ પીએમ કેર્સ ફંડ ‘ ની રચના કરી તેણે ઘણો વિવાદ ઊભો કર્યો છે . જ્યારે વડા પ્રધાન રાષ્ટ્રીય રાહત ફંડ ‘ નામે એક રાહત ફંડ વર્ષોથી હતું ત્યારે આ નવું ફંડ શા માટે ઊભું કરવામાં આવ્યું એવા સવાલો પૂછવામાં આવી રહ્યા છે . જૂનું ફંડ હજુ પણ યથાવત છે , તે બંધ કરી દેવામાં આવ્યું નથી . તેથી આ બંને ફંડ કેવા પ્રકારનાં છે તેની સાદી સમજ મેળવવાની જરૂર છે . ‘ વડા પ્રધાન રાષ્ટ્રીય રાહત ફંડ ‘ ની રચના 1948માં પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ દ્વારા કરવામાં આવી હતી અને તેનો ઈરાદો કોઈ પણ આપત્તિઓ સામે લોકોને રાહત પૂરી પાડવાનો છે . જો કે , તે સમયે ઈરાદો પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓને સહાય કરવાનો હતો . આ ફંડને સરકારના બજેટ સાથે કોઈ લેવાદેવા નથી અને બજેટમાંથી કોઈ રકમ તેમાં આપવામાં આવતી પણ નથી . સરકારી કંપનીઓનું દાન તેમાં સ્વીકારવામાં આવતું નથી . જો તેમાં નાણાં પડ્યાં હોય તો તેનું રોકાણ બેંકોમાં અને અન્ય નાણાં સંસ્થાઓમાં કરવામાં આવતું રહ્યું છે . તેમાં માત્ર ખાનગી દાન જમા થાય છે અને તેને આવક વેરામાંથી મુક્તિ આપવાની જોગવાઈ પણ છે . તેમાં ઓછામાં ઓછું રૂ 100નું દાન આપવાની જોગવાઈ કરવામાં આવેલી છે . તેમ પ્રો.હેમંત શાહે જણાવ્યું હતું.