રાજ્યમાં કોરોના સંક્રમણને રોકવા માટે સરકારે અનેક એક્શન પ્લાન બનાવ્યાં હતા, પરંતુ તેનો યોગ્ય અમલ ન થતા કોરોના સંક્રમણની સ્થિતિ ચિંતાજનક બની છે. માસ્ક,સેનિટાઇઝર અને સોશિયલ ડિસ્ટન્સિંગ જ કોરોના સંક્રમણને રોકવાનો એક માત્ર ઉપાય છે. ત્યારે જાહેર સ્થળોએ લોકો ફરજિયાત માસ્ક પહેરે તે માટે સરકાર દ્વારા અનેક પ્રયાસ કરાયા છે.
તેમ છંતા કેટલાક બેજવાબદાર લોકો માસ્ક પહેરતા ન હતા, પરિણામે કોરોના સંક્રમણને અટકાવવામાં મુશ્કેલી પડી રહી છે, ત્યારે વિજય રુપાણી સરકારે માસ્ક નહીં પહેરનાર લોકોને દંડ કરવા માટે રુપિયા 200ના દંડની જોગવાઇ કરી હતી અને મ્યુનિસિપલ તંત્ર તેમજ જિલ્લા કલેક્ટર વિભાગને દંડ વસુલવાની સત્તા આપવામાં આવી હતી. જો કે રાજ્ય સરકારે તાજેતરમાં આ નિયમમોમાં ધરખમ ફેરફાર કર્યો છે. દંડ વસુલવાની સત્તા પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડાને આપવામાં આવી છે.
શનિવારે ગૃહવિભાગે જાહેરનામું બહાર પાડ્યુ છે. હવે માસ્ક નહી પહેર્યું હોય તો પોલીસ સ્થળ પર જ દંડ વસુલીને તમને મેમો આપશે. આ પહેલા મ્યુનિસિપલ કોર્પોરેશન માસ્ક નહીં પહેરનારા સામે સંતોષકારક કાર્યવાહી કરવામાં નિષ્ફળ ગયુ હતુ.ત્યારે પોલીસને સતા મળતા હવે માસ્ક નહીં પહેરનારાઓ સામે વધુ આકરી કાર્યવાહીની સાથે દંડની વસુલાત થઇ શકશે.
આ માટે રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ પણ તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓને ગાઇડલાઇન તૈયાર કરવા માટે સુચન કર્યુ છે. ખાસ કરીને અમદાવાદ, વડોદરા અને સુરતમાં બેજવાબદાર લોકો સામે કાર્યવાહી કરવા માટે તેમજ વધુને વધુ દંડ વસુલીને લોકોને કોરોનાથી સાવચેત કરવા પ્રયાસ કરાશે.