કોરોના વાઇરસને લઈએં સુરતમાં સતત સંક્રમિત કેસ વધી રહ્યા છે, કોરોનાએ અત્યાર સુધીમાં સુરત શહેર-જિલ્લામાં મોતની સેન્ચુરી વટાવી ચુક્યો છે. ત્યારે ગતરોજ કોરોના સામેની જંગમાં કોરોના યોદ્ધા સુરત શહેર પોલીસના એક ASI મગન રણછોડભાઇ બારીયાનું મોત થયું છે.
કોરોના સામેની જંગમાં કોરોના યોદ્ધા એવા સુરત શહેર પોલીસના મહિધરપુરા પોલીસ મથકમાં ફરજ બજાવતા ASI મગન બારીયાનું ગતરોજ રોજ કોરોનામાં મોત થતા પોલીસ બેડામાં ગમગીની છવાઇ જવા પામી છે. ASIના મોતને પગલે શહેર પોલીસે ગાર્ડ ઓફ ઓનર આપી શ્રધ્ધાંજલિ આપી હતી. જયારે પરિવારના મોભીના અકાળે થયેલા મોતને પગલે પરિજનોએ ભારે કલ્પાંત કરી મૂક્યુ હતું.
હાલમાં મહિધરપુરા પોલીસ મથકમાં કોરોના યોદ્ધા ડ્યુટીમાં ફરજ બજાવતા ASI મગનભાઇ લોક્ડાઉન અંતર્ગત ભાગળ ચાર રસ્તા ખાતે તેઓ બંદોબસ્તમાં ફરજ બજાવતા હતા. દરમ્યાનમાં ગત તા. 29 મે ના રોજ તેમની સાથેના ફરજ પરના હોમગાર્ડનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી હોમગાર્ડ સાથે ફરજ બજાવનાર તમામ પોલીસકર્મી અને અન્ય સ્ટાફનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો.
જેમાં ASI મગન બારીયાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને તા. 31 મે ના રોજ નવી સિવિલ હોસ્પિટલ ખાતે આઇશોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. ASI મગન બારીયાને ડાયાબીટીશથી પીડિત હોવા છતા તેઓ કોરોના સામેની જંગમાં અડીખમ રહ્યા હતા અને તા. 9 જુનના રોજ કોવિડ 19ની નવી ગાઇડલાઇન મુજબ તેમનામાં કોરોનાના કોઇ લક્ષણો નહિ જણાતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યું હતું.
જો કે તેમને હોમ કોરેન્ટાઇન રહેવાની સુચના આપવામાં આવી હતી અને તે મુજબ તેઓ હોમ કોરેન્ટાઇન થયા હતા. પરંતુ તા. 11 ના રોજ અચાનક જ તેમને ડાયાબીટીશનું પ્રમાણ વધી જતા તેમને પુનઃ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમનું આજ રોજ સારવાર દરમ્યાન મોત થયું હતું.
ડોક્ટરોના જણાવ્યા મુજબ ASI મગનભાઇ કોરોનાથી સંક્રમીત હોવા ઉપરાંત તેમનું સુગર વધી ગયું હતું અને કિડનીમાં પણ તકલીફ હોવાથી મોત થયું છે. ASI મગનભાઇનું મોત થતા પોલીસ બેડામાં ગમગીની છવાઇ જવા પામી છે અને તેમને ગાર્ડ ઓફ ઓનર આપી શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી.
ASI મગન બારીયાના અકાળે મોતને પગલે પરિવારે ઘરના મોભીને ગુમાવ્યો હતો. મૂળ ગોધરાના પીપળીયા ગામના વતની મગનભાઇ વર્ષ 1989માં પોલીસમાં ભરતી થયા હતા. મગન બારીયાએ સુરત શહેરના કતારગામ, રાંદેર, ટ્રાફિક, અઠવા, સ્પેશીયલ બ્રાંચ, સચીન અને નશાબંધીમાં ફરજ બજાવી ચુકયા છે અને હાલમાં મહિધરપુરા પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા. તેમના પરિવારમાં પત્ની અને ત્રણ સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે.