ગુજરાત વન વિભાગ દ્રવારા પ્રથમવાર પક્ષીઓ પર પીટીટી ટેગ લગાડવામાં આવી છે. ભયગ્રસ્ત બસ્ટાર્ડ કુળના ખડમોર પક્ષી પર આ ટેગ લગાડવામાં આવી છે. આ ટેગિંગની મદદથી ખડમોરનાં સ્થળાંતર, વસવાટ સ્થાનની પસંદગી, પક્ષિનો વ્યાપ વિસ્તાર વગેરે જેવી બાબતોની માહિતી સરળતાથી મળી શકશે. ખડમોર સૌથી નાનું અને માત્ર ભારતીય ઉપખંડમાં જ જોવા મળતું પક્ષી છે. ભારતમાં વસ્તી 700 છે.
ગુજરાત રાજ્યમાં બસ્ટાર્ડ કુળના કુલ ત્રણ પ્રકારના પક્ષીઓ – ઘોરાડ (ગ્રેટ ઇંડિયન બસ્ટાર્ડ). ખડમોર (લેસર ફ્લોરિકન) અને મેકવિન્સ બસ્ટાર્ડ (હૂબારા)નો વસવાટ છે. આ ત્રણ પૈકી ખડમોર સૌથી નાનું અને માત્ર ભારતીય ઉપખંડમાં જ જોવા મળતું પક્ષી છે.
આઇયુસીએન ની યાદી અનુસાર તેને ભયગ્રસ્ત જાહેર કરવામાં આવેલ છે. આ પક્ષીની વૈશ્વિક વસ્તી તીવ્ર ગતિએ ઘટી રહી છે. ચોમાસું આ પક્ષીની પ્રજનન ઋતુ છે જેમાં સૌથી વધુ સંખ્યામાં અનુક્રમે ગુજરાત રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં જોવા મળે છે. ઉપરાંત મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશમાં છે.
પ્રજનન ઋતુ સિવાયનાં તેના વસવાટ સ્થાન વિશે કોઈ ખાસ માહિતી હજી સુધી પ્રાપ્ત નથી. તેઓ દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ ભારતમાં વસતા હોવાનું અનુમાન છે. સ્થળાંતર બાબતે પણ કોઈ ખાસ માહિતી ઉપલબ્ધ નથી. ગુજરાત રાજ્યમાં પ્રજનન ઋતુ દરમ્યાન આ પક્ષીની સૌથી વધુ વસ્તી અનુક્રમે કાળિયાર રાષ્ટ્રીય ઉધાન. વેળાવદર અને તેની આસપાસના વિસ્તારોમાં અને કરછમાં જોવા મળે છે.
પ્રજનન ઋતુ તેમજ તે સિવાયના સમયમાં આ પક્ષીનું સ્થળાંતર અને વસવાટના સ્થળોની તેની પસંદગી સમજવી અત્યંત અનિવાર્ય હતી. આથી સાસણ વન્યપ્રાણી વિભાગ દ્વારા ખડમોર પક્ષી પર સેટેલાઈટ ટેગ લગાડવા બાબતનો એક પ્રોજેક્ટ તૈયાર છે. ખડમોર માટે સુયોગ્ય હોય તેવા સૂર્યશક્તિથી ચાલતા બે પીટીટી (પ્લેટફોર્મ ટ્રાન્સમીટર ટર્મિનલ) ટેગ ગુજરાત વન વિભાગ દ્વારા લેવામાં આવ્યા.
ખડમોર ને ટેગ કરવાનું કાર્ય 1થી 5 સપ્ટેમ્બર 2020 દરમ્યાન કાળિયાર રાષ્ટ્રીય ઉધાન,વેળાવદર ખાતે કરવામાં આવ્યું હતું. એક નર અને એક માદા ખડમોર પક્ષીને અનુભવી અને કુશળ ટ્રેપરની મદદ વડે પકડીને ટેગ લગાડવામાં આવ્યા.
ગુજરાત વન વિભાગ દ્વારા પ્રથમવાર પક્ષીઓ પર આ પ્રકારના પીટીટી ટેગ લગાડવામાં આવ્યા છે.અહી એક બાબત નોંધવી રહી કે આ સાથે વિશ્વમાં પ્રથમવાર ખડમોર પક્ષીની માદા પર ટેગ લગાડવામાં સફળતા મળી છે. જેથી ખડમોર પક્ષીના સ્થળાંતર ઉપરાંત તેના પ્રજનન સાથે જોડાયેલી અનેક મહત્વની બાબતો અંગે પણ માહિતી મળી શકશે. આ ટેગિંગ ની મદદથી ખડમોરનાં સ્થળાંતર,વસવાટ સ્થાનની પસંદગી,પક્ષિનો વ્યાપ વિસ્તાર વગેરે જેવી બાબતો ની માહિતી સરળતાથી મળી શકશે.
તેમજ આ બંને ખડમોરની રોજની ગતિવિધિ બાબતે નિયમિત માહિતી મળતી રહેશે. અ તમામ માહિતી ખડમોરના ચોમાસા તેમજ તે સિવાયની ઋતુઓના વસવાટ સ્થળોના સંરક્ષણનાં આયોજનમાં અત્યંત મહત્વની સાબિત થશે.