રાજકોટ કોંગ્રેસ શહેર પ્રમુખે હારથી રાજીનામું આપ્યું, કોંગ્રેસના 14 નેતાઓ ક્યારે જશે ?

Rajkot Congress city president resigns after defeat, when will 14 Congress leaders leave?

રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 17માંથી ચૂંટણીમાં  ભાજપના ઉમેદવારની સામે હારી જતાં શહેર કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામું ધરી દીધું છે. હવે પ્રદેશના નેતાઓ અમિત ચાવડા, પરેશ ધાનાણી, ભરત સોલંકી, સિદ્ધાર્થ પટેલ, હાર્દિક પટેલ, જયરાજસિંહ પરમાર, અર્જુન મોઢવાડિયા, હિંમતસિંહ પટેલ, સૈલેશ પરમાર, રાજીવ સાતવે જવાબદાર હોવાથી તેમણે રાજીનામાં આપી દેવા જોઈએ એવું કાર્યકરો ઈચ્છે છે.

સુરત શહેર પ્રદેશ પ્રમુખ બાબુ રાયકાએ પોતાના પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને પોતાનું રાજીનામું આપી દીધું છે.

બાબુ રાયકાએ પોતાના રાજીનામામાં લખ્યું હતું કે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષે મને ઘણું બધું આપ્યું છે, જે માટે પક્ષનો અને કેન્દ્રીય નેતાગણનો હું ઘણો આભારી છું. મેં શક્ય તેટલી પક્ષમાં વફાદારી નિભાવી છે. પક્ષના મુલ્યો અને જીવનના મુલ્યો પણ અમલમાં મુકવા કાળજી રાખી છે, પરંતુ તાજેતરમાં સુરત મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને જનતાએ આપેલા જનાદેશને ધ્યાને રાખીને મનપાની ચૂંટણીમાં હારની જવાબદારી સ્વીકારી હું સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદેથી રાજીનામું આપું છું.

આ સિવાય અમદાવાદ કોંગ્રેસ પ્રમુખ શશીકાંત પટેલે પણ રાજીનામું આપી દીધું છે. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર પણ રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 17માંથી ચૂંટણી લડ્યા હતા પરંતુ તેઓ ભાજપના ઉમેદવારની સામે હારી ગયા. રાજકોટમાં વોર્ડ નંબર 7, 10 અને 13માં ભાજપનો ભવ્ય વિજય થયો છે. અશોક ડાંગર ચૂંટણીમાં હારી જતા તેમણે શહેર કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામું ધરી દીધું છે.

મહત્ત્વની વાત છે કે, રાજકોટમાં બેલેટ પેપરની મત ગણતરી કરવામાં આવી તેમાં પણ ભાજપના ઉમેદવારને મત મળ્યા છે.  18 વોર્ડમાંથી 273 ઉમેદવારો ચૂંટણી મેદાને ઉતર્યા હતા. ફેબ્રુઆરી 2021ના રોજ રાજકોટમાં 50.75% મતદાન થયું હતું. રાજકોટ અને સુરતમાં કોંગ્રેસનું ખૂબ જ ખરાબ પ્રદર્શન રહ્યું હતું. ત્યારે રાજકોટમાં કોંગ્રેસની કપરી પરિસ્થિતિને જોઈને શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે રાજીનામું આપ્યું છે.

જામનગર કોંગ્રેસના પ્રમુખે કોંગ્રેસના ઉમેદવારની હારની જવાબદારી પ્રભારીઓ પર નાંખી છે. શહેર પ્રમુખે જણાવ્યું હતું કે, અહિયાં જે કોંગ્રેસના પ્રભારીઓ આવ્યા હતા તેમને સુચવેલા નામોમાં ક્યાંકને કયાંક નામ ફેર કરવામાં આવ્યા છે.

કયાંક જ્ઞાતિ સમીકરણના કારણે ઉમેદવારો આપવાના હોય તે ન થયા એટલે આ પરિણામ કદાચ આવ્યું છે તેવું મારું માનવું છું. અમારી પાર્ટીએ જીત મેળવવા માટે ખૂબ મહેનત કરી હતી પણ ક્યાંક જનતા સમક્ષ વાતો મૂકવામાં ખામી રહી હોય અથવા ટિકિટ ફાળવણીમાં ઉપરથી પ્રભારીઓએ જે નિર્ણય કર્યા હતા તેમાં પણ ક્યાંકને ક્યાંક ખામી સર્જાય છે. એટલે આવતા દિવસોમાં આનું મનોમંથન કરીશું અને અમે અમારી હારનો સ્વીકાર કરીએ છીએ.