- રાણીપમાં ટ્રાન્સપોર્ટ હબથી એસ.ટી. સ્ટેન્ડ, જનમાર્ગ અને મેટ્રો સ્ટેશન જેવા સ્કાયવોક બનાવવામાં આવશે
અમદાવાદ, 8 ફેબ્રુઆરી 2020
અમદાવાદ મહાનગર પાલિકા – મનપા દ્વારા રાણીપ ખાતે સ્માર્ટસીટી પ્રોજેક્ટમાં ટ્રાન્સપોર્ટ હબ બનાવવામા આવશે. રાણીપ એસ.ટી. બસસ્ટેન્ડ પાસે અમપાની રૂ.300 કરોડની 27 હજાર ચોરસ મીટર જમીન પર ખાનગી કંપનીનું ટ્રાન્સપોર્ટ હબ તૈયાર કરવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
પ્રોજેક્ટ સલાહકાર સાથે ઠેકા મંગાવવામાં આવ્યા છે. ટ્રાન્સપોર્ટ હબના બિલ્ડીંગ પ્રોજેકટ માટે રૂ.490 કરોડનો ખર્ચ કરવાનો અંદાજ મુકવામાં આવ્યો છે. જેનો ખર્ચ ખાનગી કંપની કરશે. 90 વર્ષના લીઝ પર જમીન આપવામાં આવશે તથા ચારની એફએસઆઈપણ મળશે.
સ્કાયવોક બનશે
પાર્કીગ સ્થળેથી રાણીપ એસ.ટી. બસ સ્ટેન્ડ સુધી સ્કાયવોક બનાવવામાં આવશે. જેમાં એક પાંખ જનમાર્ગ કોરીડોર તરફ અને બીજી પાંખ મેટ્રો રેલવે સ્ટેશન તરફ ઉતારવામાં આવશે.
પે એન્ડ પાર્ક
ટ્રાન્સપોર્ટ હબમાં ગ્રાઉન્ડ ફલોર પર જનમાર્ગ-એમટીએસનું બસ ટર્મીનલ તૈયાર કરવામાં આવશે. ટ્રાન્સપોર્ટ હબના પ્રથમ માળે પે એન્ડ પાર્કમાં એક હજાર કાર પાર્ક થઈ શકશે.
11 માળનું બિલ્ડીંગ
ખાનગી બિલ્ડર દ્વારા પાર્કીગની ઉપર 11 માળનું કોમર્શીયલ કોમ્પલેક્ષ તૈયાર કરવામાં આવશે. ડેવલપર્સને 35 વર્ષ સુધી ઓપરેશન-મેઈન્ટેનસની જવાબદારી રહેશે.
ટ્રાન્સપોર્ટ હબની જમીન પાસે આવેલ રેસ્યુઝ ટ્રાન્સફર સ્ટેશન તોડી તેને પણ નવેસરથી બનાવવામાં આવશે.
ભૂલ પર ભૂલ
ત્રણ વર્ષ અગાઉ શહેરના તમામ પ્રવેશદ્વાર પાસે ટ્રાન્સપોર્ટ હબ બનાવવા માટે સુચન કરવામાં આવ્યું હતું. જેમાં એસ.ટી. બસો માટે અને શહેરના પ્રવેશ સાથે બસ સ્ટેન્ડ તૈયાર કરવા અને નાગરીકો માટે અલગ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ઉપલબ્ધ કરવા માટે ભલામણ કરવામાં આવી હતી. તેમાં ભાજપે કંઈ ન કર્યું હવે શહેરની વચ્ચે તે તૈયાર કરીને ટ્રફિક જામ કરાશે.