ગુજરાત ભાજપના આદિવાસી સાંસદો ભરૂચ લોકસભાના મનસુખભાઈ વસાવા, બારડોલી સાંસદ પ્રભુભાઈ વસાવા, છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા અને દાહોદના જસવંતસિંહ ભાભોરે પીએમ મોદીને પત્ર લખ્યો હતો. ત્યાર બાદ આ તમામ સાંસદો મોદીને રૂબરૂ પણ મળ્યા હતા અને રબારી, ભરવાડ અને ચારણ જાતિને અનુસૂચિત જનજાતિની યાદીમાંથી દૂર કરવા ભારત સરકાર દ્વારા કાર્યવાહી થાય એવી રજુઆત કરી છે.
ગાંધીનગર ખાતે હાલ આદિવાસીઓ દ્વારા જે આંદોલન ચાલી રહ્યું છે. આ નેતાઓ અને 12 ધારાસભ્યોએ ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને રજૂઆતો કરી છતાં તેઓ સાંભળતા ન હોવાથી સાંસદોએ રૂપાણીની સરકાર સામે ફરિયાદ કરી હતી. પીએમ મોદી આ મામલે ગુજરાત સરકાર સાથે વિસ્તૃત ચર્ચા કરશે અને એ બાદ યોગ્ય કાર્યવાહી કરી નિર્ણય લેવાશે. એવો પીએમ મોદીએ અમને વિશ્વાસ આપ્યો છે.
આ બાબતે ભરૂચ લોકસભાના ભાજપ સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે અમે પીએમ મોદીને રબારી,ભરવાડ અને ચારણ જાતિને અનુસૂચિત જનજાતિની યાદીમાંથી દૂર કરવા રજુઆત કરી છે.સાથે સાથે ગુજરાતની વર્તમાન પરિસ્થિતિ બાબતે પણ એમને વાકેફ કર્યા છે.
આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રોને લીધે આદિવાસીઓના કયા ક્યાં અધિકારો છીનવાઈ રહ્યા છે. એ મામલે પીએમ મોદીને વિસ્તૃત રીતે વાકેફ કર્યા છે. દરમ્યાન પીએમ મોદીએ અમને શાંતિથી સાંભળ્યા અને વિશ્વાસ આપ્યો છે કે આદિવાસીઓ સાથે જરૂર ન્યાય થશે.
આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રો લઇને નોકરી કરતા લોકોને દૂર કરી સાચા આદિવાસીઓને ન્યાય આપવા સાચા આદિવાસી બચાવો સમિતિ દ્વારા ગાંધીનગર ખાતે આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. આ આંદોલનને રાજ્યના આદિવાસીઓ નેતાઓનું સમર્થન મળી રહ્યું છે. અગાઉ ખુદ ભાજપના જ સાંસદ મનસુખ વસાવાએ આદિવાસી આંદોલનને સમર્થન આપ્યા બાદ હવે નાંદોદના કોંગ્રેસના ધારાસભ્ય પી.ડી.વસાવાએ આંદોલનને ખુલ્લું સમર્થન જાહેર કર્યું હતુ અને આંદોલનકારીઓ સાથે ધરણાં પર પણ બેસી ગયા હતા.
કોંગ્રેસના ધારાસભ્ય પી.ડી. વસાવાએ જણાવ્યું હતું કે, આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રો બાબતે અમે વિધાનસભામાં રજૂઆતો કરી છે. પત્રો લખ્યા છે. પણ એક વાત નક્કી છે કે, જ્યાં સુધી સરકાર પર દબાણ નહીં લાવો, ત્યાં સુધી સરકાર આપણું સાંભળવાની નથી. આદિવાસી યુવાનો ગામડે ગામડે જાય અને જાગૃત કરી મોટી સંખ્યામાં આ આંદોલનમાં જોડાશે તો એનો પડઘો વધારે પડશે. જેલમાં જવુ પડશે તો જઈશું. લાકડીઓ પણ ખાઇશું પણ આદિવાસીઓના હક બાબતે સરકાર સામે ઝુકીશુ નહીં.