Saline land is increasing in Gujarat गुजरात में लवणीय भूमि बढ़ रही है
દિલીપ પટેલ
અમદાવાદ, 14 સપ્ટેમ્બર 2025
ગુજરાત એક માત્ર એવો પ્રદેશ છે, જ્યાં દરિયા કાંઠો, રકાબી જેવા 3 પ્રદેશો, રણકાંઠો, નદીના મુખ પ્રદેશ, ઓછો વરસાદ, ઊંડા ભૂગર્ભ પાણી ઉલેચવાથી ખારી જમીનની સમસ્યા વધી રહી છે. રણ, દરિયો, બંધ અને બોર ગુજરાતના ખેડૂતો માટે અભિશાપ બની ગયા છે.
ભારતમાં ખેતી માટેની જમીન ખારી થઈ રહી છે. તેમાં દેશની કુલ જમીનના 50 ટકા જમીન ગુજરાતના ખેડૂતોની છે. ગુજરાતમાં ખારી અને ક્ષાર ગ્રસ્ત જમીન મળીને કુલ 58.41 લાખ હેક્ટર જમીન ક્ષારવાળી થઈ ગઈ છે. તે હિસાબે ગુજરાતના ખેડૂતોના ઉત્પાદનની ટેકાના ભાવે નુકસાન ગણવામાં આવે તો, 10 હજાર કરોડ રૂપિયાથી વધુ થવા જાય છે. એક ખેડૂત પાસે સરેરાશ 3 હેક્ટર જમીન પ્રમાણે 3 ટન કૃષિ ઉત્પાદન એક ખેડૂત દીઠ ગુમાવવું પડે છે.
25 વર્ષથી ભાજપ સરકારમાં હોવા છતાં ખારી જમીન અટકાવવા બેધ્યાન છે. કોંગ્રેસના 23 વર્ષના શાસનમાં પણ આવું જ થયું હતું.
3 જિલ્લામાં પ્રયોગ
ગુજરાતમાં ત્રણ જિલ્લાઓ ભાવનગર, સાબરકાંઠા અને બનાસકાંઠામાં 42 હજાર હેક્ટર જમીનની ફળદ્રુપતા ઘટી ગઈ છે. 2025માં જમીનની ગુણવત્તા સુધારવા એમ.એસ.યુનિવર્સિટી મદદ કરી રહી છે. પ્રોજેકટમાં એમ.એસ.યુનિવર્સિટીને જોડવા માટે એક એમઓયુ પણ કર્યું હતું.
પ્રોજેક્ટ
ભારત અને જર્મની દ્વારા દેશમાં ગુજરાત, ઉત્તરાખંડ, દિલ્હી-એનસીઆર અને મહારાષ્ટ્ર એમ ચાર રાજ્યોમાં જમીન સુધારણા માટેનો એક સંયુક્ત પ્રોજેક્ટ હાથ ધરાયો છે. પ્રોજેક્ટના ભાગરૂપે ત્રણ જિલ્લાના 75 ગામડાઓમાં 2029 સુધીમાં જમીનની ગુણવત્તા સુધારવા લોકોને જાણકારી આપવામાં આવશે. કુદરતી ખેતી પર ભાર મૂકવો અને તે માટે ખેડૂતોને તાલીમ આપવી
એગ્રો ફોરેસ્ટ, ચેકડેમ, ખારાશને અટકાવવા રિવર્સ ચેકડેમ બનાવવા કામ કરશે.
રેલવે ટ્રેકની બંને તરફની જમીન પર વૃક્ષો જરૂરી હોવાનું નિષ્ણાતોએ જણાવ્યું હતું.
કારણો
3 જિલ્લામાં દરિયાની ખારાશ, આગળ વધતું રણ, ઉંડા થતા ભૂગર્ભ જળ, ક્લાઈમેટ ચેન્જ, વધારે પડતા વરસાદ, ફ્લેશ ફલડથી જમીનનું ધોવાણ જેવા પરિબળો જવાબદાર છે. રાસાયણિક ખાતરોનો વધારે માત્રામાં ઉપયોગ અને ગંભીર પ્રદૂષણ જમીનની ફળદ્રુપતા ઘટાડે છે. જમીનની ફળદ્રુપતા વધારો કરવા જૈવિક ખાતરો અને અન્ય પોષક તત્વોનો ઉપયોગ કરવો જોઈએ. અલગ-અલગ પાકોનું વાવેતર કરવું જોઈએ. રાસાયણિક ખાતરોનો સંતુલિત ઉપયોગ કરવો જોઈએ.
કેટલાક વર્ષોથી જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે. વધુ પડતા ખાતર,જંતુનાશક દવાઓ,વાતાવરણ,તેમજ દર બે વર્ષે ખેડૂતો પાકની ફેરબદલી ન કરતા હોવાનું કારણ છે. આ બધા કારણોની સીધી અસર શેરડીના પાક પર થઈ રહી છે.
શેરડીના ઉત્પાદનમાં એકર દીઠ પાંચ થી છ ટનનો ઘટાડો થયો છે. જેનું કારણ છે ખેડૂતો વર્ષોથી એકનો એક પાક બનાવે છે. અને રાસાયણિક ખાતરનો વધુ ઉપયોગ કરે છે જેને લઈને જમીન કડક થઈ ગઈ છે. અને પાકના મૂળિયાં ઊંડે સુધી જતા નથી. તેમજ આ વર્ષે વધુ વરસાદ પડ્યો છે,તેમજ ભૂંડનો પણ બહુ ત્રાસ છે,ખેડૂતો પાકની ફેરબદલી કરે તેમજ પ્રાકૃતિક ખેતી કરે તે માટે કામરેજ સુગર દ્વારા અવાર નવાર સેમીનારનું પણ આયોજન કરવામાં આવે છે.
2021 સુધીમાં
દેશમાં 6.73 મિલિયન હેક્ટર જમીન ક્ષારીય છે. જેમાં કેન્દ્ર સરકારે ગુજરાતની કુલ 14.35 લાખ હેક્ટર જમીન ક્ષારિય જાહેર કરી છે. ખારાશ વાળી બીજી 16.8 લાખ હેક્ટર કેન્દ્ર સરકારે 2018માં જાહેર કરી હતી. જે દેશના કુલ ખેતીની જમીનના 56.84 ટકા છે. સમગ્ર દેશમાં ગુજરાત એક એવો પ્રદેશ છે જ્યાં ખારી જમીન દર વર્ષે 1થી 10 કિલોમીટર કાંઠાના વિસ્તારમાં વધી રહી.
કેન્દ્ર સરકારનો અહેવાલ
કેન્દ્ર સરકારની ભારતીય કૃષિ સંશોધન વિજ્ઞાન સંસ્થાના અહેવાલ પ્રમાણે દેશમાં 67 લાખ હેક્ટર ક્ષારીય જમીન જાહેર કરી છે તેમાં 56.6 લાખ ટન ખેત ઉત્પાદન ગુમાવવું પડે છે. ટેકાના ભાવે રૂ.8000 કરોડ કૃષિ ઉત્પાદન ગુમાવવા પડે છે. તે હિસાબે ગુજરાતના ખેડૂતો રૂ.4200 કરોડ ખારાશની જમીનના કારણે ઉત્પાદન ગુમાવી રહ્યા છે.
દરિયા કાંઠે ખારા પાણી અંદર
ગુજરાતમાં 1640 કિલોમીટર દરિયો છે. જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર વિસ્તારોની લીલી નાઘેર હવે સૂકી બની ગઈ છે. માંગરોળની જમીનમાં ખારા પાણી થઈ ગયા છે. તેથી ખેતી ખરાબ થઈ છે. દર વર્ષે 1થી 10 કિલોમીટર જમીનમાં ખારાશ આગળ વધે છે. વંથલી સુધી તે ખારાશ આવી ગઈ છે. આવું ગુજરાતના દરેક દરિયા કાંઠે થાય છે જ્યાં વરસાદ ઓછો પડે છે. માંગરોળમાં ખારાશ અટકાવવા દરિયા કાંઠે પાળા- દિવાલ બનાવવાનો પ્રોજેક્ટ મૂકેલો તે અસરકારક નથી. દરિયાઈ દિવાલ કરવી પડે તેમ છે. પણ બધે દિવાલ કરવી શક્ય નથી.
વેરાવળ 50 કિલો મીટર ખારા પાણી
માંગરોળનો સારો ચોરવાડનો બગીયો હતો. ત્યાં ખારાશ થઈ ગઈ છે. ચોરવાડમાં ગુલાબ, નાગરવેલ, સાફ થઈ ગયા ચીકુ અને નાળિયેરી વધે છે.
નદીના મુખ પ્રદેશ
ઓછા વરસાદ અને ઉપર બંધ બનવાના કારણે નદીના મુખ પ્રદેશમાં દરિયાના પાણી ભરતી વખતે આવે છે, તે ખારાશ વધારે છે. નર્મદા નદી છેલ્લું ઉદાહરણ છે.
રકાબીના પ્રદેશો
ભાલ અને ઘેડ વિસ્તારો એવા છે જ્યાં જમીન દરિયા સમકક્ષ હોવાથી ખારા પાણી ભરાઈ રહે છે. જવાહરલાલ નહેરુએ ભાલ સોઈલ રેક્વેલેશન યોજના બનાવી હતી. વિદેશના વિજ્ઞાનીઓ ત્યારે આવેલા હતા. ભાલની ખારી જમીનમાં સુધારો કરવાનો હતો. ઘણા વર્ષો પ્રોજેક્ટ ચાલ્યો હતો. પણ આજે એવી જ હાલત છે. ઘેડમાં સૌરાષ્ટ્રની 4 મોટી નદીઓના પાણી આવે છે. છતાં ખરાબ હાલત છે. જ્યાં ચણા સિવાય કંઈ પાકતું નથી ત્યાં ખારાશ આવી ગઈ છે. ભરતી વખતે પાણી આગળ આવે છે. અમદાવાદ, બોટાદના ભાલ પ્રદેશમાં વલ્ભભીપુર કે ધોળકામાં ખારાશ આગળ વધતી જાય છે. સૌરાષ્ટ્ર ટાપુ હતો ત્યારથી આ સમસ્યા છે. તેથી ખારાશ વધ્યા કરે છે.
નર્મદા નદી છેલ્લો દાખલો
નર્મદા નદી પર સરદાર સરોવર બંધ બન્યા બાદ નર્મદા નદીમાં પાણી ઓછું આવવા લાગ્યું છે. ઉનાળામાં દરિયો 120 કિલોમીટર અંદર સુધી આવી જાય છે. તેથી આસપાસના વિસ્તારોની જમીન ખારી થઈ રહી છે. જો આવું લાંબુ ચાલશે તો લાખો હેક્ટર જમીન ખારી થઈ જશે. ગુજરાતની સાબરમતી સહિત મોટી નદીઓની આવી હાલત છે. જ્યાં ખારાશ આગળ વધતી હોય ત્યાં ચેકડેમ બનાવવા જોઈએ
કચ્છ, દ્વારકાનું રણ
કચ્છના બન્ની રણની આસપાસના 6 જિલાઓમાં જમીનના પાણી ખારા છે. પાટણ ડિવિઝનમાં સમાવષ્ટિ પાટણ, સરસ્વતી, ચાણસ્મા અને હારીજ તાલુકાના ક્ષારવાળી જમીન છે. ત્યાં હવે બીજો પાક થતો ન હોવાથી ખારેકના લાખો વૃક્ષો થયા છે. વિરમગામ, માંડલ , અમદાવાદ જિલ્લાના બે તાલુકામાં ખારી જમીન થઈ ગઈ છે. કચ્છમાં એક સમયે ચોખા થતાં હતા હવે ત્યાં ખારા પાણીની સમસ્યા છે. કચ્છમાં ખારેકના 20 લાખ ઝાડ હોવાનો અંદાજ છે. કચ્છમાં અંદાજિત પાંચસો વર્ષથી ખારેકની ખેતી થાય છે.ખારેક એ કચ્છનું અગત્યનું ફળ ઝાડ છે.
સિંચાઈના બોર
મહેસાણા અને ઉત્તર ગુજરાતમાં ઉંડે સુધી બોર બનાવીને સિંચાઈના પાણી ખેંચવાથી ખારા પાણી આવે છે. ત્યાં જમીન હવે ખારી થવા લાગી છે. ગુજરાતમાં જ્યાં વર્ષોથી નહેરની સિંચાઈ છે ત્યાં ખેડામાં બંધની સિંચાઈના કારણે જમીનની ખારાશ ઉપર આવી છે. આવું દક્ષિણ ગુજરાતમાં જોવા મળે છે. હવે નર્મદા નહેરના કારણે 5 વર્ષ પછી જ્યાં સૌથી વધુ પાણી ભરાઈ રહેતું હશે ત્યાં લાખો હેક્ટર જમીન ખારી થઈ શકે છે. સુરેન્દ્રનગરમાં તે શક્યતા વધુ છે. ઓછો વરસાદ પડવાથી પાણીની તંગી ઊભી થાય છે અને તેથી ભૂગર્ભના પાણી વધારે વપરાય છે.
નિષ્ણાંત શું કહે છે
જૂનાગઢ કૃષિ વિશ્વ વિદ્યાલયના પૂર્વ કુલપતિ કે બી કિકાણી કહે છે કે, ગુજરાતમાં વધતા-ઓછા પ્રમાણમાં લગભગ 58.41 લાખ હેક્ટર ક્ષારવાળી જમીન છે. નર્મદા નદીની હવે ગણવામાં આવે તો 60 લાખ હેક્ટર જમીન ખારી થઈ છે.
ખેતીને અસર
ખારી જમીનના કારણે બીજનો નબળો ઉગાવો થાય છે. રોપા કે કલમોની રોપણી કરવી મુશ્કેલ બને છે. જમીન સુકાઈ ત્યારે ચીકણી અને કઠણ થઈ જાય છે. તેને ખેડતા ન તૂટે એવા ઢેફાં બને છે. છોડના પોષક તત્વો લઈ શકતા નથી. તેથી કૃષિ ઉત્પાદન ઓછું થાય છે. ખેડૂતો માટે ખેતી આર્થિક પોષણમય ન રહેતા ખેડૂતો ખેતી છોડી દે છે અને જમીન બંજર બની જાય છે.
ઉપાય
નદી, નાળા પર મોટા બંધ બનાવવા, મોટા ચેકડેમ બનાવવા અને દરિયા કાંઠે પાળા બનાવવા જોઈએ. દરિયા કાંઠે બંધ, ચેક ડેમ કે પાળા બનાવવા જોઈએ. ડાર્ક ઝોન જાહેર કરવા જોઈએ.
ખેતીના ઉપાયો
ક્ષારવાળી જમીનમાં ખેતી કરી શકાય એવા નવા કૃષિ પાકો છે. જમીન તથા પિયતનું પાણી પૃથ્થકરણ કરવા જોઈએ. ક્ષારો ઓછા કરવા જીપ્સમ, દેશી સેન્દ્રિય ખાતર વાપરવા જોઈએ. લીલો પડવાશ કરવો. જમીનના નિતાર વધારવી. જમીન અને હવામાનને અનુરૂપ પાકની પસંદગી થઈ શકે છે.
ખેતી માટે સહેલી કોર્નીયા, પીલુડી, જોજોબા, જેટ્રોફા અને શરૂના વાવેતર કરવા જોઈએ. તે જમીન સારી થાય પછી ખારાશ સામે ઝીંક જીલે એવા પાક વાવી શકાય છે. ઘઉંની એક જાત પણ આવી છે. ઉનાળુ અને શિયાળુ પાક ન લેવા. જમીનની નિતાર શક્તિ વધારવી જોઈએ. ઊંડી ખેડ કરી છાણિયું ખાતર, ખોળ, લીલો પડવાશ નાખવાથી નિતાર શક્તિ વધે છે. તેનાથી જમીન બગડતી અટકે છે.
ખારી જમીનમાં પાક થઈ શકે
દિવેલા, સુગરબીટ, ખારેક, બોર, ચીકુ, કપાસ, જુવાર, ઘઉં, બાજરી, સૂર્યમુખી, કસુંબી, પાલક, ટામેટા, આંબળા, દાડમ, જામફળ તથા કાળી જીરી, સુવા, ડાંગર, જવ જેવા કેટલાંક ઔષધિય પાકો લઈ શકાય છે. આ પાકોની ક્ષાર સહનશક્તિ પ્રમાણમાં વધારે છે.
નીતિ આયોગ
નીતિ આયોગના ટાસ્ક ફોર્સે 2025માં કહ્યું કે, ખેતીની જમીનની ફળદ્રુપતા અને ભેજનું પ્રમાણ વધારવા માટે ગૌમૂત્ર અને છાણનો ઉપયોગ કરવાનું સૂચન કર્યું છે. નીતિ આયોગ ટાસ્ક ફોર્સે અવલોકન કર્યું છે કે ભારતની જમીનમાં કુદરતી તત્વો ઘટી રહ્યા છે અને ખેતીમાં પાકને પોષણ આપવા માટે ગાયના છાણ અને ગૌમૂત્રનો ઉપયોગ કરવાની ભલામણ કરી છે.
1,000 ગાયો ધરાવતી ગૌશાળા ચલાવવાનો કુલ ખર્ચ દૈનિક 1,18,182 રૂપિયા થાય છે, જેમાં જમીનનો પણ સમાવેશ થાય છે, જ્યારે જમીન વગર તેનો દરરોજનો ખર્ચ 82,475 રૂપિયા જેટલો આવે છે. ગૌશાળાના પેદાશોના વેચાણથી થતી આવક માત્ર 30 ટકા છે, જ્યારે બાકીની રકમ દાન, ગ્રાન્ટ અને આવકના અન્ય સ્ત્રોતોથી પ્રાપ્ત થાય છે. 1,000 ગાય વાળી એક ગૌશાળાની દૈનિક કુલ આવક માત્ર 50,074 રૂપિયા છે. આટલા મોટા આવક તફાવતથી ગૌશાળા આર્થિક રીતે બિનઉપયોગી બની જાય છે.