સરપંચ અને તલાટીની કરતૂત, યુપીવાસીઓ પાસેથી ભાડા કરતાં વધુ રકમ ઉઘરાવતાં હોબાળો

વડોદરા, 22 મે 2020

પરપ્રાંતીયોને તેમના વતન મોકલવા માટે ઉત્તર પ્રદેશ સરકાર હવે તેમના રહીશો માટે ટ્રેનનું ભાડું ચુકવશે. વડોદરાના કરચીયા ગામે કેટલાંક યુપીવાસીઓ પાસેથી ભાડાની રકમ તેમજ વધારે રકમ વસૂલવામાં આવી છે. કરચીયાના રહીશોએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે.

કરચીયાના લોકોએ આક્ષેપ કર્યા છે કે 18 મે 2020ના રોજ જ્યારે ટ્રેન ઉત્તર પ્રદેશ માટે રવાના થઇ ત્યારે ટિકિટનું ભાડુ રૃા.690 હતું પરંતુ કરચીયા પંથકના યુપીવાસીઓ પાસેથી સરપંચ અને તલાટીએ રૃા.800 ઉઘરાવ્યા હતાં. આ રકમ અંગે હોબાળો થયો હતો. યુપીવાસીઓને વધારાની રકમ પરત આપવાની માંગણી ઉઠી હતી. આ અંગે મામલતદારને રજૂઆત કરવા છતાં કોઇ પગલા લેવાયા ન હતાં.

20 મે 2020ના દિવસે યુપી જતી ટ્રેન માટે રૃા.800 ભાડું ઉઘરાવવામાં આવ્યું હતું. હકીકતમાં યુપીના શ્રમિકો માટેનું ટ્રેનનું ભાડું હવે યુપી સરકાર આપશે. કેટલાંક જાગૃત નાગરિકોએ જે બસમાં યુપીવાસીઓને રેલવે સ્ટેશન લઇ જવાતા હતા, તે બસને રસ્તામાં રોકી કેટલાક યુપીવાસીઓને ટિકિટના પૈસા પરત અપાવવામાં આવ્યા હતાં. યુપીવાસીઓ પાસેથી પૈસા ઉઘરાવવા અંગે જિલ્લા કલેક્ટરને પણ ફરિયાદ કરવામાં આવી છે.