કેરેબિયન પ્રીમિયર લીગમાં વર્તમાન 2020 સિઝનનો ચેમ્પિયન મળી ગયો છે. શાહરૂખ ખાનની માલિકીવાળી ત્રિનબાગો નાઈટ રાઈડર્સે પ્રીતિ ઝિન્ટાની સેન્ટ લૂસિયા જૉક્સને 8 વિકેટથી હરાવી દીધી છે. બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલ મેચમાં સેન્ટ લૂસિયાએ 154 રન બનાવ્યા હતા જે ત્રિનબાગો નાઈટ રાઈડર્સે 18.1 ઓવર્સમાં 2 વિકેટ ગુમાવી 157 રન બનાવી હાસલ કરી લીધો હતો. આ રીતે ત્રિનબાગોની ટીમ ચોથી વખત CPLનું ટાઈટલ જીતવામાં સફળ રહી.
ત્રિનબાગો નાઈટ રાઈટર્સની આ જીતમાં કેપ્ટન કિરોન પોલાર્ડનું મહત્વનું યોગદાન રહ્યું જેણે ઘાતક બોલિંગ કરતા 4 વિકેટો ઝડપી. ત્યારબાદ લેન્ડલ સિમન્સ અને ડેરેન બ્રાવોએ પણ મહત્વની ભૂમિકા ભજવી. સિમન્સ 49 બોલમાં અણનમ 84 રનની ઈનિંગ્સ રમી જેમાં 8 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા. જ્યારે ડેરેન બ્રાવોએ 47 બોલમાં 2 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી અણનમ 58 રન બનાવ્યા.
155 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી TKR ટીમની શરૂઆત ખરાબ રહી હતી. તેણે 13 રનના સ્કોર પર ઓપનર ટી વેબસ્ટરના રૂપમાં પ્રથમ વિકેટ ગુમાવી. ત્યારબાદ ટિમ સેફર્ટ પણ સસ્તામાં આઉટ થઈ ગયો. આવામાં ટીમનો સ્કોર બે વિકેટે 19 રન થઈ ગયો. બે વિકેટો પડ્યા બાદ લેન્ડલ સિમન્સ અને ડ્વેન બ્રાવોએ સેન્ટ લૂસિયાના બોલર્સને ચારેબાજુ ફટકાર્યા. આ બંને બેટ્સમેનોના કારણે ટીમ 9 ઓવરમાં 50 અને 13.5 ઓવર્સમાં 100 રન પૂરા કર્યા. સિમન્સે 31 બોલમાં 50 રન પૂરા કર્યા. બીજી તરફ બ્રાવોએ 47 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી. તેણે જ વિજયી ચોગ્ગો ફટકાર્યો.
આના પહેલા ટૉસ હાર્યા બાદ બેટિંગ કરવા ઉતરેલી સેન્ટ લૂસિયાની ટીમે 19.1 ઓવર્સમાં ઑલઆઉટ થઈ 154 રન બનાવ્યા. ટીમ તરફથી આન્દ્રે ફ્લેચરે સૌથી વધુ 39 રન બનાવ્યા. ત્રિનબાગો માટે કેપ્ટન પોલાર્ડે સૌથી વધુ 4, ફવાદ અહમદ અને અલી ખાને બે-બે વિકેટો ઝડપી હતી.