નોવેલ કોરોના વાઇરસ રાજ્યમાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી . દવાઓ, માસ્ક સહિત કીટ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. ચીનથી પરત ફરેલા નાગરિકો ખાનગી હોસ્પિટલોમાં સારવાર લે તેવા કિસ્સામાં આઇ.એમ.એ.ના સહકારથી ખાનગી તબીબોને પણ સેન્સીટાઇઝ કરાયા છે. જિલ્લા અધિકારીઓ ઘરે જઈને ચકાસણી કરશે. વુહાનથી આવેલા તમામ પ્રવાસીઓનું સ્ક્રિનિંગ કરાયુ છે.
દેશમાં ૧૭૭૧ પ્રવાસીઓ ઓબ્ઝર્વેશન હેઠળ છે. 75 પ્રવાસીઓના સેમ્પલ લેવાયા છે. રાજ્યના બંદરો ખાતે પણ રોગ અટકાવવાના પૂરતા પગલાં લેવાયા છે.
આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ જણાવ્યું છે કે વિશ્વ આરોગ્ય સંસ્થાએ નોવેલ કોરોના વાઈરસને પબ્લિક હેલ્થ ઈમરજન્સી ઓફ ઇન્ટરનેશનલ કન્સર્ન જાહેર કરી છે, ત્યારે ચીનથી પરત ફરી રહેલા નાગરિકોને તમામ પ્રકારની આરોગ્ય સારવાર પૂરી પાડવા ગુજરાત સરકાર સંપૂર્ણ સજજ છે. રાજ્યમાં નોવેલ કોરેનાનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. માટે નાગરિકોએ સહેજ પણ ગભરાવાની જરૂર નથી.
આજે ગાંધીનગર ખાતે ડૉ. રવિએ ઉમેર્યું કે, કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા મળેલ માહિતી મુજબ રાજ્યમાં ૬૪ મુસાફરો ચીનથી આવ્યા છે જેમાં મહેસાણા જિલ્લાના ૨૪, પંચમહાલના ૭, સુરત કોર્પોરેશન ૭, અમદાવાદ કોર્પોરેશનમાં ૪, વડોદરા કોર્પોરેશનમાં ૪, રાજકોટ કોર્પોરેશનમાંમાં ૩, જામનગર કોર્પોરેશનમાં ૨, આણંદ કોર્પોરેશનમાં ૩, અમદાવાદ, ભાવનગર, દાહોદ, જામનગર, જૂનાગઢ, મહિસાગર, પાટણ, સુરત, જૂનાગઢ કોર્પોરેશન અને ગાંધીનગર કોર્પોરેશનમાં એક-એક દર્દીનો સમાવેશ થાય છે.
આ તમામ મુસાફરોની તબિયત સારી છે અને તમામ નું જિલ્લાના સર્વેલન્સ અધિકારી દ્વારા ઘરે જઈને મોનીટરીંગ પણ કરવામાં આવી રહ્યું છે. ચીન માં અભ્યાસ અર્થે કે ધંધાર્થે ગયેલા મુસાફરો જે પરત ફરી રહ્યા છે તે મુસાફરો ખાનગી હોસ્પિટલોમાં સારવાર લે તો આઈ.એમ.એ.ના સહકારથી તમામ ખાનગી ડોક્ટરોને સેન્સીટાઇઝ કરાયા છે. આ સાથે બાયસેગના માધ્યમથી દ્વારા તમામ જિલ્લા અધિકારીઓને પુરતું માર્ગદર્શન પણ રાજ્યકક્ષાએથી પૂરું પાડવામાં આવી રહ્યું છે. રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોમાં નોવેલ કોરાના વાયરસ ની સારવાર માટે દવાઓ, માસ્ક સહિત પૂરતા પ્રમાણમાં કીટ ઉપલબ્ધ છે.
ડૉ. રવિએ ઉમેર્યું કે, ભારત સરકાર દ્વારા મળેલ સૂચના મુજબ અમદાવાદ એરપોર્ટ પર ચીન, હોંગકોંગ, સિંગાપુર, થાઇલેન્ડ, જાપાન અને સાઉથ કોરિયામાં થી આવતા મુસાફરોનું સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે અને ચીનના વુહાન પ્રાંતમાંથી આવેલા તમામ પ્રવાસીઓનું સ્ક્રિનિંગ કરાયુ છે અને સેમ્પલ લઇને પૃથક્કરણ અર્થે મોકલી આપવામાં આવ્યા છે. પરત ફરેલા મુસાફરોને આરોગ્ય સહિતની તમામ સવલતો આપીને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.
ડૉ. રવિએ કહ્યુ હતું કે, અમદાવાદ એરપોર્ટ પર સ્ક્રિનિંગ માટેની સુવિધાઓ તૈનાત કરાઇ છે. વડોદરા, સુરત, રાજકોટ એરપોર્ટ પર પણ હેલ્થ ડિસ્પ્લે કરાયા છે. સિવિલ હોસ્પિટલ અમદાવાદને બેઝ બનાવી ને આઇસોલેશન વોર્ડ શરૂ કરાયો છે. રાજ્યના બંદરો ખાતે પણ રોગ અટકાવવાની પૂરતા પગલાં લેવામાં આવી રહ્યા છે. આરોગ્ય કમિશનર શ્રી કચેરી, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર ખાતે પણ કન્ટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે. જેના દ્વારા સતત મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે. તમામ આરોગ્ય કર્મીઓની કોરોના વાયરસ અંગેની તાલીમ આપવામાં આવી છે.
ડૉ. રવિએ જણાવ્યું હતું કે, ભારતમાં કુલ ૧૭૭૧ પ્રવાસીઓ ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે જે પૈકી ૭૫ પ્રવાસીના સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાંથી માત્ર કેરળમાં એક કેસ પોઝિટિવ નોંધાયો છે. વિશ્વના ૧૯ દેશોમાં કુલ ૮૮૨૬ કેસ નોંધાયા છે. જે પૈકી ચીનમાં આજ સુધી કુલ ૯૭૨૦ કેસ અને ૨૧૩ મૃત્યુ
નોંધાયા છે. મૃત્યુ પામેલ દર્દીઓમાં મોટા ભાગના નાગરિકો ૬૦ વર્ષથી વધુ ઉંમરના લોકો છે. જેઓને ડાયાબિટિસ, બીપી, અસ્થમા, ન્યુમોનિયા, હૃદયરોગથી પીડાતા હોય તેવા દર્દીઓનું મૃત્યુ થયું છે. આ રોગમાં મૃત્યુદર ૨.૧ ટકા જેટલો છે તેમ તેમણે ઉમેર્યું હતું.