ગાંધીનગર, 27 ફેબ્રુઆરી 2020
ગુજરાતના રાજ્યપાલ પાછળ 2019-20માં રૂ.7.92 કરોડનું ખર્ચ થયું હતું. પણ આ વખતે તેમાં ચાલુ નાણાકીય વર્ષ 2020-21માં રૂ.9.05 કરોડનું ખર્ચ થશે. તેની સામે તમામ પ્રધાનો પાછળ રૂ.5.86 કરોડ થશે. ગુજરાતના રાજ્યપાલના વૈભવી ખર્ચાઓ પર અંકુશ રાખવાની જરૂર છે. કારણ કે રાજ્યપાલ સાદગીથી રહી શકે છે. પણ ગુજરાતના રાજ્યપાલ પાછળ હવાઈ મુસાફરી સાથે બધું મળીને વર્ષે રૂ.10 કરોડનું ખર્ચ કરવામાં આવે છે. રૂપાણી સરકારનો કાર્યકાળ પૂરો થશે ત્યારે રાજ્યપાલનું વૈભવી ખર્ચ વર્ષે રૂ.12 કરોડ સુધી પહોંચી શકે છે.
રાજ્યપાલના અધિકારીઓ પાછળ રૂ.3.36 કરોડ પગાર પેટે ખર્ચ થવાનો છે. રાજ્યપાલને રૂ.42 લાખના ભથ્થા ચૂકવાશે. રાજ્યપાલના કર્મચારીઓ પાછળ રૂ.4 કરોડ જેવું ખર્ચ થવાનું છે. 19 લાખ રૂપિયા હોદ્દા ખર્ચ ભથ્થા પેટે આપવામાં આવશે. રાજ્યપાલ રૂ.1 કરોડ અન્ય ખર્ચ પેટે વાપરવાના છે.
રાજ્યપાલ તથા તેમના કુટુંબ અને કર્મચારીઓ માટે રૂ.56 લાખનું ખર્ચ થશે. રાજભવનના બગીચા પાછળ રૂ.22 લાખ વાપરી નાંખવામાં આવશે.
હાલ રાજ્યપાલ તરીકે આચાર્ય દેવવ્રત છે.
ગવર્નરો પાસે જે બંધારણીય કાર્યભાર છે તે જે તે રાજ્યોની હાઇકોર્ટના વડા ન્યાયર્મૂિતઓને સોંપી દેવો જોઇએ. મુખ્યમંત્રીઓ અને તેમના મંત્રીઓેને હાઇકોર્ટના ચીફ જસ્ટિસ જ સોગંધ લેવરાવે તે વધુ ઉચિત લાગશે. દેશના રાજભવનો તે બ્રિટિશ રાજની જરીપુરાણી શૈલીના પ્રતીક છે. રાજભવનોને જોઇએ છીએ ત્યારે હજુ પણ અંગ્રેજોની માનસિક ગુલામી ભોગવતા હોઇએ એવું લાગે છે. દેશના મોટાભાગના રાજભવનો વૃદ્ધાશ્રમ જેવાં હોય છે. રાજ્યપાલ રાજ્યની યુનિર્વિસટીઓના ચાન્સેલર ગણાય છે. ગુજરાતની 90 ટકા સરકારી વિશ્વવિદ્યાલયમાં જે વીસી નિયુક્ત કરેલા છે તે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે જોડાયેલા છે. કેટલાંક સામે તો ભ્રષ્ટાચારના આરોપો છે. આ બધી નિયક્તિ રાજ્યપાલ કરે છે.
પ્રધાન મંડળનું ખર્ચ રૂ.4.10 કરોડ ગયા વર્ષે હતું તે આ વર્ષે વધીને રૂ.5.86 કરોડ થશે. જોકે, 2018-19માં રૂ.3.61 કરોડનું ખર્ચ થયું હતું. જેમાં પ્રધાનો અને નાયબ પ્રધાનોના ખર્ચ આવી જાય છે. પ્રધાનોના સ્ટાફ પાછળ રૂ.23.38 કરોડનું ખર્ચ ઉધારવામાં આવશે.
3 કરોડની સફાઈ ખર્ચ
મંત્રી નિવાસ અને બન્ને સચિવાલયની સફાઇ વ્યવસ્થા ખાનગી કોન્ટ્રાકટરોને સોંપી દેવાઇ હોવાથી અહીં ક્યાંય કચરો જોવા મળતો નથી. આ કામગીરી પાછળનો વાર્ષિક ખર્ચ 2011માં રૂ.2.50 કરોડ હતો હવે તે રૂ.3 કરોડ જેટલો થવા જાય છે. મંત્રી નિવાસમાં આવેલા રાજભવન અને 42 બંગલા છે.
મોદીએ પગાર વધારો કરી આપ્યો
કેન્દ્રની મોદી સરકારે 3 જૂન 2018થી દરેક રાજ્યના રાજ્યપાલને પગાર વધારો આપ્યો હતો. જેમાં પશ્ચિમ બંગાળના ગવર્નરને સૌથી વધુ રૂ.1.81 કરોડના ભથ્થાં અને રાજભવનના મેઇન્ટેનન્સ માટે રૂ.72 લાખ છે.
તમિલનાડુના ગવર્નરને ભથ્થાં પેટે રૂ.1.66 કરોડ બે રાજભવનના સમારકામ માટે રૂ.7.50 લાખ છે. મેઇન્ટેનન્સમાં 6.5 કરોડ મળશે. બિહારના ગવર્નરને ભથ્થાં પેટે 1.62 કરોડ. મહારાષ્ટ્રના ગવર્નર ભથ્થાં પેટે રૂ.1.14 કરોડ તેમજ રાજભવનના મેઇન્ટેનન્સ માટે રૂ.1.80 કરોડ અને સમારકામ માટે રૂ.26 લાખ મળશે.
કર્ણાટકના ગવર્નરને રૂ.1.05 કરોડ ભથ્થા છે. રાજસ્થાનના ગવર્નરને ભથ્થાંના રૂ.93 લાખ, ઉત્તર પ્રદેશના ગવર્નરને રૂ.66 લાખના ભથ્થા અને રાજભવનના મેઇન્ટેનન્સ માટે 3.53 કરોડ મળે છે.
ગુજરાતના ગવર્નરને રૂ.55 લાખ ભથ્થા અને રાજભવનના સમારકામ માટે રૂ.15 લાખ અને મેઇન્ટેનન્સમાટે રૂ.20 લાખ મળશે. મધ્યપ્રદેશના ગવર્નરને સૌથી ઓછા રૂ.48.43 લાખના ભથ્થા અને રાજભવનના મેઇન્ટેનન્સ અને સમારકામ માટે રૂ.32.17 લાખ મળશે. રાજ્યપાલોના પગાર અગાઉ વધારાને રૂ.3.5 લાખ પ્રતિ માસ કરાયા હતા.
ગુજરાતના નેતા એવા રાજ્યપાલ વજુભાઈ વાળાનો વૈભવ
ગુજરાતના ભૂતપૂર્વ નાણાંપ્રધાન તેમજ વિધાનસભા અધ્યક્ષ અને હાલમાં કર્ણાટકના રાજયપાલ વજુભાઇ વાળાએ પોતાના રાજ્યપાલ તરીકેના કેવળ 9 મહિનાના કાર્યકાળ દરમિયાન જ રાજભવનના સમારકામ, કર્મચારીઓની નિમણૂંક તેમજ હવાઇ મુસાફરી સહિત કુલ 2.4 કરોડ જેટલો જંગી ખર્ચ કર્યો છે. આ ખર્ચ ભૂતપૂર્વ રાજ્યપાલ હંસરાજે કરેલા ખર્ચની સરખામણીમાં અનેક ગણો વધારે છે. આરટીઆઇ એક્ટિવિસ્ટે માંગેલી જાણકારીમાં બહાર આવી હતી.
વજુભાઈ વાળાએ તેમની સત્તાવાર મુલાકાતો માટે વિમાન તથા હેલિકોપ્ટર યાત્રાઓ પાછળ લગભગ રૂ. દસ લાખનો ખર્ચ કર્યો છે. રાજ્યપાલ તથા તેમના એડીસી (એડિકેમ)ની ચેમ્બર્સમાં ઈન્ટિરિયર ડેકોરેશન માટે રૂ. ચાલીસ લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જેમાં લાકડાની બનાવટી છત, લાકડાનું પેનલિંગ, કાચના દરવાજા વગેરે જેવી બાબતોનો સમાવેશ થાય છે.
રાજભવનના આંતરિક રસ્તાઓને ડામરના બનાવવા માટે રૂ. 35 લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જ્યારે મુખ્ય ભવનના રસ્તાઓને પહોળા કરવા માટે વધુ રૂ. પચાસ લાખનો ખર્ચ થયો હતો. રાજ્યપાલના બાથરૂમ, રસોડા, ડાઈનિંગ હોલ તથા બાથરૂમમાં રિનોવેશન પાછળ રૂ. પચાસ લાખનો ખર્ચ થયો હતો. નાણા વિભાગે તા. 5મી જાન્યુઆરીના ખાસ આદેશ હેઠળ રૂ. ત્રણ કરોડ ફાળવ્યા હતા.
ભારદ્વાજે કેવળ 76 લાખનો કર્યો હતો ખર્ચ
વજુભાઇ વાળાના પુરોગામી એવા કોંગ્રેસી રાજ્યપાલ હંસરાજ ભારદ્વાજે વર્ષ 2009થી વર્ષ 2012ના કાર્યકાળ દરમિયાન રૂ. 76 લાખ કર્યા હતા.
હવાઇ ખર્ચ બાબતે બેનીવાલને ભાજપે હટાવ્યા હતા
ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ તેમજ તત્કાલિન મિઝોરમના રાજ્યપાલ કમલા બેનીવાલને તેમના નિવૃત થવાના બે મહિના પૂર્વે જ કેન્દ્રની મોદી સરકારે પદ પરથી ખસેડી મુક્યાં હતા. 8 ઓગષ્ટ 2014ના દિવસે મિઝોરમના રાજ્યપાલ તરીકે કમલા બેનીવાલને હટાવવાના લેવાયેલા નિર્ણય પાછળ એવું કહેવાય છેકે તેમને એવા આરોપ હેઠળ તગેડી મુકવામાં આવ્યા હતા કે બેનીવાલે ગુજરાતના રાજ્યપાલ તરીકે પોતાના હોદ્દાનો દુરપયોગ કરતાં વર્ષ 2011થી લઇને વર્ષ 2014 સુધી ગાંધીનગર થી પોતાના વતન જયપુર સુધીના હવાઇ આંટાફેરા પાછળ અધધધ 8.5 કરોડ રુપિયાનો જંગી ખર્ચ કર્યો હતો.
હવે શું થશે ?
જે આરોપ હેઠળ કમલા બેનીવાલને મોદી સરકારે તગેડી મુક્યા હતાં હવે એજ સ્થિતિ કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળા અને ગુજરાતના રાજ્યપાલ સાથે ઊભી થઇ છે.